Get The App

અખાતી દેશો તરફ રવાના થયેલું જાપાન તથા ચીનનું સસ્તુ સ્ટીલ ભારતમાં ડમ્પ થવા વકી

- યુદ્ધને કારણે દેશના સ્ટીલ ઉદ્યોગને બમણો માર પડવાની ચિંતા

Updated: Mar 15th, 2026

GS TEAM

Google News
Google News
અખાતી દેશો તરફ રવાના થયેલું જાપાન તથા ચીનનું સસ્તુ સ્ટીલ ભારતમાં ડમ્પ થવા વકી 1 - image

મુંબઈ : યુદ્ધને કારણે ભારતના સ્ટીલ ઉદ્યોગને બમણો માર પડવાની ચિંતા સતાવી રહી છે. કાચા માલની કિંમતમાં વધારા ઉપરાંત સસ્તા સ્ટીલનું ડમ્પિંગ તોળાઈ રહ્યું છે. 

અખાતના દેશોમાં ડિલિવરી માટે રવાના થયેલા જાપાન, ચીન તથા એશિયનદેશોના સસ્તા સ્ટીલ હાલમાં મધદરિયે અટવાયેલા છે અને અખાતી દેશો તરફ જહાજોની અવરજવર અટકી પડી છે ત્યારે આ સ્ટીલ ભારતમાં ઠલવાવાની સ્થાનિક ઉદ્યોગને ચિંતા સતાવી રહી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે યુદ્ધને કારણે સ્ટીલના કાચા માલના ભાવમાં પાંચ ટકા વધારો થયો છે એટલુ જ નહીં સસ્તુ સ્ટીલ દેશની બજારો તરફ વળી શકે છે. 

એક અંદાજ પ્રમાણે આશરે ૧૫ લાખ ટન જેટલું સ્ટીલ દરિયામાં અટવાયેલું છે અને સ્ટીલના નિકાસકાર દેશો તેની માટે વૈકલ્પિક બજારની શોધમાં છે. ચીન તથા જાપાનના નિકાસકારો દ્વારા ભારતના ટ્રેડરોનો સંપર્ક કરવામાં આવી રહ્યો હોવાનું બજારના વર્તુળોએ જણાવ્યું હતું.

સ્ટીલ ક્ષેત્ર માટે લાઈમસ્ટોનની ઉપલબ્ધતા એક મોટી ચિંતા છે. ભારતનું સ્ટીલ ક્ષેત્ર તેની લાઈમસ્ટોન (ચૂના)ની આવશ્યકતામાંથી ૭૫થી ૮૦ ટકા જરૂરિયાત અખાત વિસ્તારમાંથી પૂરી કરે છે. ભારતની લાઈમસ્ટોનની વાર્ષિક આયાત ૩.૧૦ કરોડ ટન જેટલી છે. જે મોટેભાગે ઓમાન તથા યુએઈ ખાતેથી મેળવવામાં આવે છે.