કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં પોઝિશન લિમિટના નિયમોમાં ફેરફાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પોઝિશન લિમિટના ઉલ્લંઘન બદલ દંડની નવી જોગવાઈ લાગુ કરાઈ
એક્સચન્જોને જરૂરી પ્રણાલીઓ અને વ્યવસ્થાઓ ગોઠવીને નવા નિયમોનો અમલ કરવા સેબીની સૂચના
મુંબઈ : મૂડી બજાર નિયામક તંત્ર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગ્મેન્ટમાં ગ્રાહકો-ક્લાયન્ટ માટેની પોઝિશન લિમિટ અને તેનું ઉલ્લંઘન થાય ત્યારે વસૂલવામાં આવતી પેનલ્ટીની જોગવાઈઓમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. સેબીએ કૃષિ કોમોડિટી ડેરિવેટિવ્ઝ માટેની પોઝિશન લિમિટની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લીધો છે.
હાલની પોઝિશન લિમિટની જોગવાઈઓ વર્ષ ૨૦૧૭માં તે સમયની માર્કેટ પોઝિશનને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકવામાં આવી હતી. ત્યારથી કૃષિ કોમોડિટી ડેરિવેટિવ્ઝ માટેની મર્યાદામાં ફેરફાર કરવાની માંગ વિવિધ હિતધારકો તરફથી કરવામાં આવી રહી હતી. આ સાથે જ પોઝિશન લિમિટના ઉલ્લંઘન બદલ વસૂલવામાં આવતા દંડ પર મર્યાદા નક્કી કરવાની પણ રજૂઆતો કરવામાં આવી હતી.
હિતધારકો પાસેથી મળેલી રજૂઆતો, કૃષિ કોમોડિટી ડેરિવેટિવ્ઝ ક્ષેત્રના નિયમોની સમીક્ષા માટે રચાયેલા કાર્યકારી જૂથની ભલામણો, કોમોડિટી ડેરિવેટિવ્ઝ એડવાઈઝરી કમિટી (સીડીએસી)ની ભલામણો તેમ જ જાહેર જનતા પાસેથી મળેલા પ્રતિભાવો ધ્યાનમાં લઈને સેબીએ નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ ફેરફારોનો હેતુ વ્યવસાય કરવાની સરળતા વધારવાનો પણ છે.
પોઝિશન લિમિટના ઉલ્લંઘન બદલ દંડની નવી જોગવાઈ લાગુ કરાઈ છે. પોઝિશન લિમિટના ઉલ્લંઘનને રોકવા માટે કોમોડિટી સ્તરે તેમ જ નજીકના મહિના એટલે કે નિયર-મંથ કોન્ટ્રાક્ટ સ્તરે ઓપન ઈન્ટરેસ્ટ અંગે નવી દંડ જોગવાઈ લાગુ કરવામાં આવી છે. જેમાં (૧) ગ્રાહક સ્તરે પોઝિશન લિમિટના ઉલ્લંઘન બદલ દંડ : ગ્રાહકના ખાતામાં નિર્ધારિત ઓપન પોઝિશન લિમિટ કરતા વધુ પોઝિશન જોવા મળે તો સંબધિત ટ્રેડિંગ મેમ્બર પાસેથી દરરોજના ઉલ્લંઘન માટે દંડ વસૂલવામાં આવશે. જો ઉલ્લંઘન નિર્ધારિત મર્યાદાના બે ટકાથી વધુ હોય : મર્યાદા કરતા વધુ પોઝિશનXક્લોઝિંગ ભાવ Xઉલ્લંઘન ચાલુ રહેલા દિવોસની સંખ્યા X બે ટકા અથવા રૂપિયા બે લાખ, બન્નેમાંથી જે રકમ ઓછી હોય તે દંડ વસૂલવામાં આવશે. જો ઉલ્લંઘન નિર્ધારિત મર્યાદાના બે ટકા સુધી હોય : મર્યાદા-લિમિટ કરતાં વધુ પોઝિશન X ક્લોઝિંગ ભાવXઉલ્લંઘન ચાલુ રહેલા દિવસોની સંખ્યા Xબે ટકા અથવા રૂ.૧૦,૦૦૦, બન્નેમાંથી જે રકમ ઓછી હોય તે દંડ વસૂલવામાં આવશે. દંડની ગણતરી નજીકના કેલેન્ડર મહિનાના સંબંધિત ફયુચર્સ કોન્ટ્રાક્ટસના ક્લોઝિંગ ભાવના આધારે પણ કરી શકાશે.
વધારાની પોઝિશન ઘટાડવી પડશે. ટ્રેડિંગ મેમ્બરે ઉલ્લંઘન થયેલા દિવસ પછીના આગામી ટ્રેડિંગ દિવસ સુધીમાં વધારાની પોઝિશન ઘટાડીને તેને નિર્ધારિત મર્યાદાની અંદર લાવવી પડશે. જો આગામી દિવસ સુધી પણ ઉલ્લંઘન ચાલુ રહે તો એક્સચેન્જ કોઈ વધુ સૂચના આપ્યા વિના વધારાની પોઝિશનનું ફરજિયાત સ્કેવર-ઓફ કરી શકશે. આ માટે સંબંધિત ગ્રાહક કોડમાં સભ્ય તરફથી ઓર્ડર મૂકવામાં આવશે. આવા સ્કવેર-ઓફના પિરણામો માટે એક્સચેન્જ જવાબદાર રહેશે નહીં.
એક મહિનામાં વારંવાર ઉલ્લંઘન થાય તો કડક કાર્યવાહી. જો કોઈ ટ્રેડિંગ મેમ્બર દ્વારા એક જ કોમોડિટીમાં બે ટકાથી વધુ પોઝિશન લિમિટડના ઉલ્લંઘનના ત્રણથી વધુ બનાવો એક કેલેન્ડર મહિનામાં જોવા મળે, તો એક્સચેન્જ સંબંધિત મેમ્બરને એક દિવસ માટે સ્કવેર-ઓફ મોડમાં મૂકી શકશે. આ ઉપરાંત, બે ટકાથી વધુ તેમ જ બે ટકા સુધીના તમામ પ્રકારના ઉલ્લંઘનના બનાવો એક કેલેન્ડર મહિનામાં ત્રણથી વધુ વખત જોવા મળે તો સંબંધિત ટ્રેડિંગ મેમ્બર પર તે ઉલ્લંઘન માટે વસૂલાયેલા દંડ જેટલો જ વધારાનો દંડ પણ લાદવામાં આવશે. જો કે, જો ઓપન પોઝિશનનું ઉલ્લંઘન માત્ર વિવિધ ગ્રાહકો-ક્લાયન્ટોની પોઝિશનને એકસાથે ગણવાના કારણે થયું હોય, તો આવા વધારાના દંડમાંથી ટ્રેડિંગ મેમ્બરને મુક્તિ આપવામાં આવશે. જો આવા પ્રકારના વારંવાર ઉલ્લંઘનના બનાવો સેબીના ધ્યાન પર આવશે તો સેબી સંબંધિત મેમ્બર સામે વધુ કાર્યવાહી પણ કરી શકે છે. આ રીતે વસૂલવામાં આવેલો દંડ એક્સચેન્જનો ઈન્વેસ્ટર પ્રોટેકશન ફંડમાં જમા કરવામાં આવશે.
તાત્કાલિક અમલ. સેબીએ સ્પષ્ટ કર્યું છે કે, આ સર્કયુલર તાત્કાલિક અસરથી અમલમાં આવશે. એક્સચન્જોને જરૂરી પ્રણાલીઓ અને વ્યવસ્થાઓ ગોઠવીને નવા નિયમોનો અમલ કરવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત, જરૂરી હોય ત્યો સંબંધિત નિયમો, પેટા-નિયમો અને નિયમાવલીઓમાં સુધારા કરવા તથા આ જોગવાઈઓની જાણ બજારના સહભાગીઓ અને રોકાણકારોને કરવા પણ જણાવાયું છે. સેબીએ આ સર્કયુલર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા અધિનિયમ, ૧૯૯૨ની કલમ ૧૧(૧) તથા સંબંધિત નિયમો હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને બહાર પાડયો છે.
ગ્રાહક સ્તરની પોઝિશન લિમિટમાં ફેરફાર
દરેક કોમોડિટી માટે ગ્રાહક સ્તરે કુલ ઓપન પોઝિશનની સંખ્યાત્મક મર્યાદા હવે સંબંધિત વર્ષમાં ઉપલબ્ધ ડિલિવરેબલ સપ્લાયના આધારે નક્કી કરવામાં આવશે. બ્રોડ કોમોડિટી માટે પોઝિશન લિમિટ ડિલિવરેબલ સપ્લાયના બે ટકા, નેરો કોમોડિટી માટે ડિલિવરેબલ સપ્લાયના એક ટકા, સંવેદનશીલ કોમોડિટી માટે પોઝિશન લિમિટ ડિલિવરેબલ સપ્લાયના ૦.૫ ટકા રહેશે. આ ગણતરીથી મળતી સંખ્યાને યોગ્ય શૂન્યના આંકડા સુધી નીચેની દિશામાં રાઉન્ડ ઓફ કરવામાં આવશે. જે કૃષિ કોમોડિટીઓ નવી વ્યાખ્યા બાદ નેરોમાંથી બ્રોડ કેટેગરીમાં આવશે, તેમને શરૂઆતમાં એક વર્ષ માટે એક ટકાની પોઝિશન લિમિટ જ આપવામાં આવશે. એક વર્ષ બાદ એક્સચેન્જ દ્વારા સમીક્ષા કરવામાં આવશે. સમીક્ષા બાદ સંતોષકારક સ્થિતિ જણાય તો આવી કોમોડિટીની પોઝિશન લિમિટ વધારીને બે ટકા કરી શકાશે.




