અનિલ ગ્રૂપની વધુ એક કંપની સીબીઆઇના સકંજામાં, રૂ. 121.6 કરોડના કૌભાંડ બદલ FIR
CBI Registered FIR Against Anil Group: અનિલ ગ્રૂપની વિવિધ કંપનીઓના કૌભાંડ અટકવાનું નામ લઈ રહ્યા નથી. હાલમાં જ સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશને(સીબીઆઇ) અમદાવાદ સ્થિત અનિલ બાયોપ્લસ લિ. અને તેના ડિરેક્ટર્સ ઉપરાંત અજાણ્યા સરકારી કર્મચારીઓ વિરુદ્ધ રૂ. 121.6 કરોડના બૅન્ક કૌભાંડની ફરિયાદ નોંધી છે. સીબીઆઇએ તેમની વિરુદ્ધ ગુનાઇત કાવતરું, છેતરપિંડી અને ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો છે. આ ફરિયાદ 19 જૂન, 2025ના રોજ અગાઉ નોંધાયેલી ફરિયાદના આધારે નોંધવામાં આવી છે. જેમાં અમદાવાદની બૅન્ક ઑફ ઇન્ડિયાના ડેપ્યુટી ઝોનલ મેનેજર મહેશ જગદીશલાલ બત્રાએ કંપની અને તેના ડિરેક્ટર અમોલ શ્રીપાલ શેઠ, દર્શન મહેતા અને નલીનકુમાર ઠાકુરે અન્ય અજાણ્યા સરકારી કર્મચારીઓ સાથે મળી બૅન્ક પાસેથી લોન લઈ ફંડને આયોજિત ગુનાઇત કાર્યવાહીમાં ડાયવર્ટ કર્યું હોવાનો આરોપ મૂક્યો છે.
અનિલ ગ્રૂપ 2015માં નાદાર થયું
અનિલ ગ્રૂપની પડતી 2013-15ના સમયગાળામાં શરુ થઈ હતી. તેના એક-પછી એક કૌભાંડ બહાર આવ્યા હતા. જેમાં તેણે બૅન્ક ઑફ ઇન્ડિયા સાથે રૂ. 121.60 કરોડનું ફ્રોડ કર્યું હોવાનો આરોપ મૂકાયો હતો. કંપનીએ 2002માં બૅન્ક પાસેથી લોન લીધી હતી. નવેમ્બર, 2015 સુધી કુલ 142.73 કરોડની કુલ લોન લીધી હતી. 30 સપ્ટેમ્બર, 2014ના રોજ રૂ. 121.60 કરોડની લોન એનપીએ થઈ હતી. દેવાદારો લોન ચૂકવવામાં નિષ્ફળ રહેતા ડિફોલ્ટ થયા હતા. ડિફોલ્ટની પ્રક્રિયા બાદ હાથ ધરાયેલા ફોરેન્સિક ઓડિટમાં અનેક ખુલાસા થયા. કૌભાંડની ગંધ આવી.
આ પણ વાંચોઃ અનિલ સ્ટાર્ચના ચેરમેન અમોલ શેઠે આયોજનપૂર્વક લોકોનું રૂપિયા 1000 કરોડનું ફૂલેકું ફેરવ્યું
કંપનીએ ગેરકાયદે ફંડ ટ્રાન્સફર કર્યું
એપ્રિલ, 2024થી માર્ચ, 2017 સુધીના ફોરેન્સિક ઓડિટમાં અનેક શંકાસ્પદ વહેવારો જોવા મળ્યા હતા. જેમાં અનિલ ગ્રૂપની અન્ય કંપનીઓ દ્વારા રૂ. 44.27 કરોડની ચૂકવણી અને રૂ. 27.95 કરોડની રિસિપ્ટ સમાવિષ્ટ હતી. અનિલ ટ્રેડકોમ લિ. અને અન્ય કંપનીઓને રેમિટન્સ ટ્રાન્સફર કર્યા હતા. ગ્રૂપની ફડચામાં ગયેલી કંપનીઓને ચૂકવણી કરવામાં આવી હતી. બૅન્ક ઓફ ઈન્ડિયાની મંજૂરી વિના રેલિગર ફિનવેસ્ટને રૂ. 10 કરોડનું બિનઅધિકૃત ફંડ ફાળવ્યું હતું. કંપનીના કેશ-ક્રેડિટ એકાઉન્ટનો ઉપયોગ કરી કંસ્ટ્રક્શન કંપની નવકાર બિલ્ડર્સને રૂ. 2.5 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. ઓડિટર્સે નોંધ્યું હતું કે, બૅન્ક સમક્ષ રજૂ કરવામાં આવેલા સ્ટોક સ્ટેટમેન્ટ પણ ખોટા અને અવિશ્વસનીય હતા. વધુમાં તેની મોનિટરિંગ ટીમને ચોક્કસ પ્લાન્ટમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવતા કૌભાંડની શંકા ઊભી થઈ હતી.
રિકવરીના પ્રયાસો અને છેતરપિંડીની જાહેરાત
બૅન્ક ઓફ ઈન્ડિયાએ ઓગસ્ટ 2017માં ડેટ રિકવરી ટ્રિબ્યુનલ (DRT) દ્વારા રિકવરી કાર્યવાહી શરુ કરી હતી, માર્ચ 2018માં રિકવરી સર્ટિફિકેટ મેળવ્યા બાદ ટાંચમાં લીધેલી સંપત્તિઓ ઈ-ઓક્શન દ્વારા વેચવામાં આવી હતી, પરંતુ બૅન્કે ફોરેન્સિક ઓડિટ અને કંપનીના શો-કોઝ નોટિસના જવાબોને ધ્યાનમાં લીધા પછી 12 જાન્યુઆરી 2021ના રોજ એકાઉન્ટને "ફ્રોડ" જાહેર કર્યા હતા. અનિલ ગ્રૂપની બે અન્ય કંપનીઓ, અનિલ લિમિટેડ અને અનિલ ન્યુટ્રિએન્ટ્સ લિમિટેડને પણ ફ્રોડ એકાઉન્ટ જાહેર કરવામાં આવ્યા છે અને તેઓ અલગ-અલગ CBI તપાસ હેઠળ છે.
આ પણ વાંચોઃ અનિલ સ્ટાર્ચ બિલ ડિસ્કાઉન્ટના રવાડે ચઢી અને ખાડામાં ઉતરી ગઈ
ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ CBI તપાસ
CBI એ BNS કલમ 120-B (ગુનાઇત કાવતરું) અને 420 (છેતરપિંડી) અને કલમ 13(2) અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની કલમ 13(1)(d) હેઠળ ગુના નોંધ્યા છે. આ કેસ સંદીપ ગૌતમ, પોલીસ અધિક્ષક, BS&FB, મુંબઈને સોંપવામાં આવ્યો છે. FIRમાં નોંધવામાં આવ્યું છે કે આ કૌભાંડના કારણે બૅન્કને મોટું નુકસાન થયું છે અને આરોપીને અનુરૂપ ગેરકાયદે નફો કરાવ્યો હતો. વધુમાં સરકારી અધિકારીઓની મિલીભગતને ઓળખવા માટે સંપૂર્ણ તપાસની માગ કરી છે. જો કે, બૅન્કે જણાવ્યું છે કે અત્યાર સુધી કોઈ સ્ટાફની સંડોવણી મળી નથી.
2001માં સ્થાપિત અનિલ બાયોપ્લસ લિમિટેડ (અગાઉ અનિલ બાયોકેમ લિમિટેડ), ફાર્માસ્યુટિકલ અને કન્ફેક્શનરી ઉદ્યોગો માટે ગ્લુકોનેટ, ખાદ્ય સ્વાદ, રંગો અને સુગંધના ઉત્પાદન કરે છે. તેની રજિસ્ટર્ડ ઑફિસ અનિલ સ્ટાર્ચ પ્રિમાઇસીસ, અનિલ રોડ, અમદાવાદ ખાતે છે. સીબીઆઇ તપાસ હવે ભંડોળના કથિત ડાયવર્ઝન, ડિરેક્ટર્સની ભૂમિકા અને અજાણ્યા સરકારી અધિકારીઓની કોઈપણ સંભવિત સંડોવણીની તપાસ કરશે.