30 હજાર કરોડની સંપત્તિ પર કોનો હક? સંજય કપૂરના મોત પાછળ આંતરરાષ્ટ્રીય ષડ્યંત્રનો આરોપ, યુકેમાં ફરિયાદ
Businessman Sunjay Kapur : જાણીતા ઉદ્યોગપતિ સંજય કપુરનું 12 જૂન-2025ના રોજ ઇંગ્લેન્ડમાં પોલો રમતી વખતે હૃદયરોગના હુમલાને કારણે 53 વર્ષની વયે અવસાન થયું હતું. રમતી વખતે અચાનક તેમના મોઢામાં માંખી આવતા હાર્ટએટેક આવ્યો હતો. હવે તેમની માતા રાની કપૂરે ગંભીર પ્રશ્નો ઉઠાવી પુત્રના મોતને ષડયંત્ર અને હત્યા ગણાવ્યું છે.
સંજય કપૂરની હત્યા કરાઈ, માતાનો દાવો
રાની કપૂરે બ્રિટન પોલીસને પુત્રના મોતની તપાસ કરવા માંગ કરી છે. તેમણે કહ્યું કે, સંજયનું મોત કુદરતી થયું નથી, પરંતુ ષડયંત્ર અને નાણાંકીય છેતરપિંડીના કારણે તેની હત્યા કરવામાં આવી છે. તેમણે બ્રિટન પોલીસને પત્ર લખ્યો છે અને દાવો કર્યો છે કે, ‘મને એવા પુરાવા મળ્યા છે, જે સંકેત આપે છે કે, સંજયની મોત કુદરતી થયું નથી. સંજયની મોત આયોજિત આંતરરાષ્ટ્રીય કાવતરું હોઈ શકે છે, જેમાં નકલી દસ્તાવેજો, શંકાસ્પદ નાણાકીય વ્યવહારો અને સંજયના મૃત્યુથી લાભ મેળવનારા લોકોનો સમાવેશ થાય છે.’
‘સંજયની મોત પાછળ કેટલાક લોકોની મિલીભગત’
સંજય કપૂરની માતાએ કહ્યું કે, પુત્રની મોત બાદ તેમને અનેક પુરાવા અને રોકોર્ડ મળ્યા છે, જે એક ફેક લાગી રહ્યા છે. તેમાં કાયદાકીય ડોક્યુમેન્ટ અને સંપત્તિ ટ્રાન્સફર જેવી બાબતો સામેલ છે. સંજયના મૃત્યુ પાછળ કેટલાક લોકોની મિલીભગત હોઈ શકે છે, જેમને તેમના મૃત્યુથી આર્થિક ફાયદો થવાનો હતો. તેમણે દાવો કર્યો છે કે, તેમને કેટલાક પુરાવા મળ્યા છે, જે સંકેત આપી રહ્યા છે કે, સંજયની મોત પાછળ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર હોઈ શકે છે, જેમાં બ્રિટન, ભારત અને સંભવતઃ અમેરિકા પણ સામેલ છે.
FIR નોંધવા અને સંપૂર્ણ તપાસ કરવા અપીલ
રાની કપૂરે બ્રિટન પોલીસને સંજયની મોત મામલે ઔપચારિક એફઆઈઆર નોંધવા અને સંપૂર્ણ તપાસ કરવાની અપીલ કરી છે. તેમણે એમ પણ કહ્યું કે, આ મામલે મેડિકલ રિપોર્ટ, નાણાંકીય રેકોર્ડ, ડિજિટલ ડેટા અને સીસીટીવી ફુટેજ એકઠા કરવામાં આવે અને ભારત-અમેરિકાની એજન્સીઓ સાથે મળીને તપાસ કરવામાં આવે.
સંજય કપૂરનું વૈશ્વિક સ્તરે નેટવર્ક
સંજય કપૂર ભારતીય મૂળના અમેરિકન નાગરિક હતા. તેમને બિઝનેસ બ્રિટન, અમેરિકા, ભારત, મેક્સિકો, ચીન, જર્મની સહિત અનેક દેશોમાં ફેલાયેલો હતો. તેઓ સોના કોમસ્ટાર (Sona Comstar)ના ચેરમેન હતા. તેમની કંપનીની માર્કેટ વેલ્યુ 30,000 કરોડ રૂપિયાથી વધુ હતી. સંજય પોતાની વ્યક્તિગત જિંદગી મામલે પણ જાણીતા હતા. તેમણે ત્રણ લગ્ન (નંદિતા મહતાની, કરિશ્મા કપૂર અને પ્રિયા સચદેવ) કર્યા હતા. આ અચાનક થયેલા નિધનને કારણે તેમની 30,000 કરોડની સંપત્તિના વારસાને લઈને પારિવારિક વિવાદ પણ ઉભો થયો છે.
આ પણ વાંચો : ....તો ભારતમાં ઈન્ટરનેટ ઠપ થઈ જશે? જાણો ગૂગલ, જિયો અને એરટેલને કઈ વાતનો ડર પેઠો