Budget 2026, Old And New Tax Regime : 1 ફેબ્રુઆરી 2026ના રોજ કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે, ત્યારે બજેટ પહેલા કરદાતાઓના મનમાં સવાલ ઊઠી રહ્યો છે કે, શું ‘જૂની કર વ્યવસ્થા’ ખતમ કરી દેવામાં આવશે, ભવિષ્યમાં તેનું શું થશે? કરદાતાઓની ચિંતા પાછળનું કારણ એ છે કે, લગભગ 95 ટકા લોકો ‘નવી કર વ્યવસ્થા’માં આવી ગયા છે.
નવી કર વ્યવસ્થા ‘ડિફોલ્ટ વિકલ્પ’માં
કેન્દ્ર સરકારે પહેલેથી જ નવી કર વ્યવસ્થાને ‘ડિફોલ્ટ વિકલ્પ’ બનાવી દીધો છે. સરકાર પણ નવી કર વ્યવસ્થા પર ધ્યાન આપી રહી છે, ત્યારે લોકોના મનમાં સવાલ છે કે, શું કેન્દ્ર સરકાર આ બજેટમાં જૂની કર વ્યવસ્થા સંપૂર્ણ ખતમ કરવાની જાહેરાત કરી શકે છે?
જૂની કર વ્યવસ્થા નું શું થશે ?
જો કે નિષ્ણાતોનું માનવું છે કે, આ બજેટમાં જૂની કર વ્યવસ્થા સંપૂર્ણ ખતમ કરવાની સંભાવના ઓછી છે, જોકે તેનું મહત્ત્વ ધીમે ધીમે ઘટાડવામાં આવી શકે છે. આ પાછળનું કારણ એ છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં નવી કર વ્યવસ્થા ફેરફાર થઈ રહ્યા છે, જે સંકેત આપી રહ્યા છે કે, કેન્દ્ર સરકાર સરળ, ઓછી છૂટછાટવાળી અને ઓછી વિવાદવાળી ટેક્સ સિસ્ટમ બનાવવા માંગે છે. આ જ કારણે સરકાર નવી ટેક્સ વ્યવસ્થાને પ્રોત્સાહન આપતી જોવા મળી રહી છે.
નવી કર વ્યવસ્થા કોના માટે ફાયદાકારક?
નવી કર વ્યવસ્થામાં ઓછો ટેક્સ સ્લેબ છે, પરંતુ તેમાં મોટાભાગની છૂટછાટ અને કપાત હટાવી દેવાઈ છે. જોકે હજુ પણ જૂની કર વ્યવસ્થા તે લોકો માટે ફાયદાકારક છે, જેઓ હોમ લોન, ઘરભાડું ભથ્થું (HRA), જીવન વીમા નિગમ (LIC), જાહેર ભવિષ્ય નિધિ (PPF), ઈક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (ELSS) અને રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) જેવા વિકલ્પોમાં રોકાણ કરી રહ્યા છે.
સ્ટાન્ડર્ડ ડિડક્શન વધશે તો સેલેરી ધારકોને ફાયદો
નિષ્ણાતોનું કહેવું છે કે, બાકીના કરદાતાઓ જૂનાના બદલે નવી કર વ્યવસ્થામાં આવી જાય તે માટે કેન્દ્ર સરકાર નવી કર વ્યવસ્થાને વધુ લોકપ્રિય બનાવવા માટે બજેટ-2026માં કોઈ મોટી જાહેરાત કરી શકે છે. આ દરમિયાન સરકાર સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. સ્ટાન્ડર્ડ ડિડક્શન એટલે કે, એક એવી નિશ્ચિત રકમ જે તમારી કુલ વાર્ષિક આવકમાંથી ટેક્સની ગણતરી કરતા પહેલાં સીધી જ બાદ કરી દેવામાં આવે છે.
હાલમાં નવી કર વ્યવસ્થા હેઠળ 75000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે છે, જેને વધારીને રૂપિયા એક લાખ કરવામાં આવી શકે છે. આનો સીધો ફાયદો સેલેરી ધારકોને થશે. જોકે સ્ટાન્ડર્ડ ડિડક્શન તેમજ વાર્ષિક 12.75 લાખ રૂપિયાની સેલેરી પર કોઈ ટેક્સ લાગતો નથી.
સરકાર NPSને નવી કર વ્યવસ્થામાં લાવશે?
બજેટમાં એનપીએસને નવી કર વ્યવસ્થામાં સામેલ કરવામાં આવી શકે છે. હાલ જૂની કર વ્યવસ્થા હેઠળ એનપીએસમાં 50,000 રૂપિયાની છૂટ મળે છે, જ્યારે નવી કર વ્યવસ્થામાં આ સુવિધા નથી. જો સરકાર નવી ટેક્સ વ્યવસ્થામાં એનપીએસને લાવી ટેક્સ ફ્રી અથવા ડિડક્શનના દાયરામાં લાવશે તો રિટાયરમેન્ટ સેવિંગને પ્રોત્સાહન મળશે અને કોર્પોરેટ કર્મચારીઓ નવી કર વ્યવસ્થાથી આકર્ષાશે.
પરંતુ જૂની કર વ્યવસ્થામાં એનપીએસની વાત કરીએ તો તેમાં સેલેરી ધારકોને 50,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ મળે છે. આ ઉપરાંત 80C હેઠળ પીએફ, એલઆઇસી અને ઈએલએસએસમાં રોકાણ પર 1.5 લાખ રૂપિયા સુધીની છૂટ, 80D હેલ્થ ઇન્સ્યોરન્સ, એચઆરએ અને હોમ લોનના વ્યાજ પર ટેક્સ બચાવી શકાય છે. આ વ્યવસ્થામાં ટેક્સ સ્લેબ 0થી 2.5 લાખ સુધી શૂન્ય, પાંચ લાખ સુધી પાંચ ટકા અને 10 લાખ સુધી 20 ટકા અને તેનાથી ઉપર 30 ટકા છે.


