Silver and Gold News : ભારતીય રિઝર્વ બેંકે (RBI) દેશમાં સોના અને ચાંદીના વેપાર સાથે સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરી છે. કેન્દ્રીય બેંકે બુલિયન એટલે કે સોના અને ચાંદીની આયાત માટે એડવાન્સ રેમિટન્સ (એડવાન્સ ચુકવણી)ની ફેસિલિટી પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણયથી બુલિયન આયાતકારો અને ટ્રેડરોમાં ખળભળાટ મચી ગયો છે.
મની લોન્ડરિંગ અને ફોરેન પેમેન્ટના દુરુપયોગને રોકવા માટે આરબીઆઈનું આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. મૂલ્યની દ્રષ્ટિએ ક્રૂડ ઓઈલ અને સોનું ભારતમાં સૌથી વધુ આયાત થતા પ્રોડક્ટોમાંનું એક છે. અનેક કિસ્સાઓમાં, એવું બહાર આવ્યું છે કે આયાત નાણાંના બદલામાં સામે વિદેશમાં મોકલવામાં આવતો માલ દેશમાં આવતો જ નથી, જેના કારણે ભંડોળના દુરુપયોગનું જોખમ વધે છે.
નુવામાના એક્સપર્ટસના મતે 'અગાઉથી પેમેન્ટ કરવા છતાં સોનું અથવા અન્ય ધાતુઓ આવતી નથી, ત્યારે વિદેશમાં મોકલવામાં આવતા નાણાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોઈ શકે છે. આરબીઆઈની નજર અહીં પડી છે અને હવે આ માર્ગ બંધ કરવા માંગે છે.'
આરબીઆઈએ નવા ફોરેક્સ મેનેજમેન્ટ નિયમો જારી કર્યા છે, જેમાં જણાવાયું છે કે તેમનો હેતુ પ્રક્રિયાઓને સરળ બનાવવા અને એકરૂપતા લાવવાનો છે. જોકે બુલિયન આયાત પર એડવાન્સ પેમેન્ટ સ્થગિત કરવા પાછળના કારણો સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યા નથી.
વધુમાં, આરબીઆઈએ આયાત-નિકાસ વ્યવહારોમાં થર્ડ-પાર્ટી પેમેન્ટો અને રીસિપ્ટોને મંજૂરી આપી છે. એક જ વિદેશી ખરીદનાર અથવા સપ્લાયર અથવા તેમની જૂથ કંપનીઓ વચ્ચેની જવાબદારીઓ હવે અલગ બેંક મંજૂરી વિના સમાયોજિત કરી શકાય છે.
કેન્દ્રીય બેંકે સ્પષ્ટતા કરી છે કે જો આયાત નિર્ધારિત અથવા વિસ્તૃત સમયગાળામાં પૂર્ણ ન થાય, તો આયાતકારે ભારતમાં મોકલવામાં આવેલી એડવાન્સ રકમ પરત કરવી પડશે. આમ કરવામાં નિષ્ફળતા ભવિષ્યમાં એડવાન્સ રેમિટન્સ માટે કડક શરતો લાવી શકે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બેંક ગેરંટી અથવા ભારતીય બેંક તરફથી કાઉન્ટર ગેરંટી.
આ સિવાય બેંકોને હવે સોના અને ચાંદી સિવાયના માલની આયાત માટે એડવાન્સ ચુકવણી મર્યાદા નક્કી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. નિર્દિષ્ટ મર્યાદાથી વધુ ચૂકવણી માટે સ્ટેન્ડબાય લેટર ઓફ ક્રેડિટ અથવા બેંક ગેરંટી ફરજિયાત થઈ શકે છે. નિયમોનું પાલન કરવા માટે બેંકો જ જવાબદાર રહેશે.
આરબીઆઈના નવા ફોરેક્સ નિયમો 1 ઓક્ટોબરથી અમલમાં આવશે. કેન્દ્રીય બેંકનું કહેવું છે કે આ ફેરફારો નાના આયાતકારો અને નિકાસકારો માટે વ્યવસાય કરવાની સરળતાને પ્રોત્સાહન આપશે, જોકે તેની સીધી અસર બુલિયન ટ્રેડિંગ પર પડશે.


