Business

બિટકોઈનમાં ભારે ધોવાણ: 10 ટકાથી વધુ તૂટીને 82000 ડોલરની અંદર

By GS TEAM
22 Nov 20252 mins read
બિટકોઈનમાં ભારે ધોવાણ: 10 ટકાથી વધુ તૂટીને 82000 ડોલરની અંદર

મુંબઈ : આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નો  ફુગ્ગો ફૂટી જવા બાબતે આવી રહેલા અહેવાલોને લઈને એઆઈ ક્ષેત્રમાં કરેલા રોકાણ પર ધારણાં પ્રમાણે વળતર મળી રહેશે કે કેમ તે અંગે રોકાણકારોમાં ચિતા વધી ગઈ છે જેને પરિણામે વૈશ્વિક ઈક્વિટી બજારો તથા ક્રિપ્ટોકરન્સીઝમાં મોટા ધોવાણ થયા છે. 

અમેરિકન ફેડરલ રિઝર્વ આવતા મહિનાની બેઠકમાં વ્યાજ દર અંગે કેવા પ્રકારનો નિર્ણય લેશ તે અંગે પણ હાલમાં કોઈ ચોક્કસ દિશા જોવા નહીં મળતા ક્રિપ્ટોસના રોકાણકારોની જંગી વેચવાલી આવી છે, અને મુખ્ય ક્રિપ્ટો બિટકોઈન તથા એથરમ છેલ્લા ચોવીસ કલાકમાં દસ ટકાથી વધુ તૂટી ગયા છે. બિટકોઈને ૮૨૦૦૦ ડોલરની જ્યારે એથરમે ૩૦૦૦ ડોલરની સપાટી ગુમાવી હતી. 

છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન નીચામાં  ૮૧૮૦૦ ડોલર અને ઉપરમાં ૯૨૦૧૬ ડોલર થઈ મોડી સાંજે ૮૨૦૦૦ ડોલરની સપાટીએ જોવાતો હતો.  એથરમ ઉપરમાં ૩૦૩૫ ડોલર અને નીચામાં ૨૬૭૦ ડોલર થઈ મોડી સાંજે ૨૬૯૦ ડોલર બોલાતો હતો. 

રોકાણકારોનું માનસ ખરડાતા બિટકોઈન ઈટીએફસમાં નવેમ્બરમાં ૩.૭૯ અબજ ડોલરનો વિક્રમી આઉટફલોસ જોવા મળ્યો છે. બિટકોઈનમાં કડાકો બોલાઈ જતા તેજીવાળાઓએ ૧.૭૦ અબજ ડોલરનું લેણ ફરજિયાત લિક્વિડેટ કરવાની ફરજ પડી હોવાનું પ્રાપ્ત માહિતીમાં જણાવાયું હતું. 

બિટકોઈનની પાછળ અન્ય ક્રિપ્ટોસ જેમ કે એકસઆરપી, સોલાના, બિનાન્સ પણ તૂટી ગયા હતા. અમેરિકાના અર્થતંત્રને લઈને ચિંતામાં થયેલા વધારાએ ક્રિપ્ટોસ માર્કેટમાં માનસ વધુ ખરડાયું છે. 

અમેરિકામાં બૃહદઆર્થિક વાતાવરણ બાબતે અનિશ્ચિતતા વધી રહી છે. રોજગાર સંદર્ભના આવી રહેલા ડેટાને જોતા ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં ઘટાડો કરશે કે કેમ તે અંગે શંકા પ્રવર્તી રહી છે. રોજગારના ડેટાને કારણે રોકાણકારો સાવચેત બની ગયા છે અને ક્રિપ્ટોકરન્સીઝ જેવી જોખમી એસેટસથી હાલમાં દૂર જઈ રહ્યા છે.

વર્તમાન  વર્ષના ઓકટોબરના પ્રથમ સપ્તાહમાં બિટકોઈને ૧૨૬૨૦૦ ડોલરથી ઉપર  સાથે  વિક્રમી સપાટી દર્શાવી હતી.