બિટકોઈનમાં 1500 ડોલરથી વધુની વધઘટ

- ફેડરલના નિર્ણય બાદ ક્રિપ્ટોમાં અફરાતફરી

- હવે પછીની મીટિંગ્સમાં પણ વ્યાજ દર વધારવાના સંકેતથી ખેલાડીઓનું માનસ ઝડપથી ખરડાઇ ગયું


મુંબઈ : અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કરાયેલા વધારા બાદ વૈશ્વિક શેરબજારોની જેમ જોખમી એસેટસ ક્રિપ્ટોકરન્સીઝમાં ભારે અફરાતફરી જોવા મળી હતી. મુખ્ય ક્રિપ્ટો બિટકોઈનમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૧૫૦૦ ડોલરની વધઘટ જોવા મળી હતી. અન્ય ક્રિપ્ટોકરન્સીઝના ભાવ પણ વોલેટાઈલ રહ્યા હતા.

ફેડરલ રિઝર્વની જાહેરાત બાદ બિટકોઈનનો ભાવ ઘટી નીચામાં ૧૮૨૫૦ તથા ઊંચામાં ૧૯૭૯૬ જોવા મળ્યો હતો. મોડી સાંજે ભાવ ૧૯૧૦૫ ડોલર બોલાતો હતો. ફેડરલ રિઝર્વના નિર્ણયને પચાવતા ખેલાડીઓને હજુ સમય લાગશે એમ બજારમાં મત પ્રવર્તી રહ્યો છે. 

અન્ય મોટી ક્રિપ્ટો એથરમના ભાવ નીચામાં ૧૨૩૧ ડોલર તથા ઊંચામા ૧૩૮૧ ડોલર થઈ મોડી સાંજે ૧૨૮૬ ડોલર બોલાતા હતા. 

ફેડરલ રિઝર્વના ચેરમેન જેરો પોવેલે આવનારી બેઠકોમાં વ્યાજ દરમાં જોરદાર વધારો ચાલુ રહેશે તેવા સંકેત આપતા ક્રિપ્ટો માર્કેટનું માનસ પ્રારંભમાં ખરડાયું હતું. એકંદર માર્કેટ કેપ ઘટી ૯૦૭ અબજ ડોલર જોવા મળી હતી પરંતુ વેપાર વોલ્યુમ ૩૩ ટકા વધી ૯૦.૮૫ અબજ ડોલર જોવા મળ્યું હતું. 

ફેડરલ રિઝર્વ વર્ષના અંત સુધીમાં વ્યાજ દર વધારી ચાર ટકા સુધી લઈ જઈ શકે છે, તેવો વિશ્લેષકો મત ધરાવી રહ્યા છે. હાલમાં અમેરિકામાં વ્યાજ દર વધીને ૩.૨૫ ટકા પહોંચ્યો છે, જે ૨૦૦૮ બાદ સૌથી ઊંચો છે. 

City News

Sports

RECENT NEWS