બિલ ગેટ્સની દીકરી પર 'કુકી ચોરી'નો ગંભીર આરોપ! આરોપ સાબિત થતાં તો થઈ શકે છે જેલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Cookie Fraud Hits Gates Heiress: માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ અને મેલિન્ડા ગેટ્સની 23 વર્ષીય પુત્રી ફીબી ગેટ્સ હાલમાં પોતાના ફેશન-ટેક સ્ટાર્ટઅપ ‘Phia’ને લઈને વૈશ્વિક સ્તરે વિવાદોમાં ઘેરાઈ છે. કંપની પર કથિત રીતે ‘કૂકી સ્ટફિંગ’ દ્વારા ઓનલાઇન ખરીદીનું ખોટું કમિશન મેળવવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ વિવાદ વચ્ચે ફીબી ગેટ્સ ન્યૂયોર્ક સિટીમાં Phiaની બ્રાન્ડિંગવાળી સ્વેટશર્ટ પહેરેલી જોવા મળી હતી, જેના પાછળ લખ્યું હતું— “the future of fashion is nothing new”. અબજોપતિ પરિવારમાંથી આવતી હોવા છતાં 'નેપો બેબી'ના ટેગથી અલગ પોતાની ઓળખ ઊભી કરવા મથતી ફીબી માટે આ વિવાદ મોટો ફટકો સાબિત થઈ રહ્યો છે.
શું છે ‘Phia’ અને તે કેવી રીતે કામ કરે છે?
Phia એક ડિજિટલ શોપિંગ આસિસ્ટન્ટ છે, જેને ફીબી ગેટ્સે સ્ટેનફોર્ડની પોતાની સાથી સોફિયા કિયાની સાથે મળીને શરૂ કર્યું છે.
- આ પ્લોટફોર્મ ઓનલાઇન ખરીદી દરમિયાન ગ્રાહકોને શ્રેષ્ઠ ડીલ્સ અને ડિસ્કાઉન્ટ કૂપન્સ શોધવામાં મદદ કરવી.
- Phia એક બ્રાઉઝર એક્સટેન્શન તરીકે કામ કરે છે. ચેકઆઉટ વખતે ગ્રાહક Phia આઇકોન પર ક્લિક કરીને કૂપન કોડ લાગુ કરે છે.
- જો ગ્રાહક Phiaના કૂપનનો ઉપયોગ કરે, તો બ્રાઉઝરમાં એક ટ્રેકિંગ 'કૂકી' સેવ થાય છે. જેનાથી રિટેલરને ખબર પડે છે કે ખરીદી Phia મારફતે થઈ છે અને બદલામાં Phiaને રિટેલર તરફથી તેનું વેચાણ કમિશન મળે છે.
શું છે ‘કૂકી સ્ટફિંગ’નો ગંભીર આરોપ?
એક અહેવાલ મુજબ, વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે બહાર આવ્યું કે Phia કંપની એવા કિસ્સાઓમાં પણ યુઝરના બ્રાઉઝરમાં ટ્રેકિંગ કૂકીઝ નાખી રહી હતી જ્યારે ગ્રાહકે Phia દ્વારા કૂપન શોધ્યું જ ન હોય. સરળ શબ્દોમાં કહીએ તો યુઝરના બ્રાઉઝરમાં બળજબરીપૂર્વક ટ્રેકિંગ કૂકી ઇન્સર્ટ કરી દેવાતી હતી, જેથી યુઝર પોતાની મેળે જે પણ સામાન ખરીદે, તેનું ક્રેડિટ અને વેચાણ કમિશન Phiaના નામે જમા થઈ જાય. આ ગેરકાયદેસર પ્રક્રિયાને ટેકનિકલ ભાષામાં ‘Cookie Stuffing’ કહેવામાં આવે છે.
Nike, Gap અને Nordstromનું વેચાણ પણ તપાસ હેઠળ
અહેવાલો અનુસાર, કથિત ગેરરીતિની આ પ્રવૃત્તિ ઓછામાં ઓછા ડિસેમ્બર મહિનાથી ચાલી રહી હતી. આ તપાસના દાયરામાં Nike, Gap અને Nordstrom જેવી વૈશ્વિક બ્રાન્ડ્સના સેલ્સનો પણ સમાવેશ થાય છે. કથિત રીતે આવી ખોટી પદ્ધતિથી દર્શાવવામાં આવેલું વેચાણ Phia કંપનીની કુલ આવકનો બહુ મોટો હિસ્સો હોવાનું માનવામાં આવે છે.
આરોપો પર Phiaનો ખુલાસો
જુલાઈ મહિનામાં વિવાદ સાર્વજનિક થયા બાદ કંપનીએ આશ્ચર્ય વ્યક્ત કરીને સુધારાત્મક પગલાં લેવાની જાહેરાત કરી હતી. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે, ખોટી રીતે વેચાણ નોંધતી સિસ્ટમ 7 જુલાઈના રોજ હટાવી દેવામાં આવી હતી. આ દરેક ટ્રાન્ઝેક્શનની સમીક્ષા કરીને ખોટી રીતે મેળવેલા કમિશનને સરખું કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે અને ભવિષ્યની સુરક્ષા માટે 'કમ્પ્લાયન્સ હેડ'ની નિમણૂક કરવામાં આવી રહી છે. એક નવા અહેવાલે આ મામલો વધુ ગંભીર બનાવ્યો છે. રિપોર્ટ મુજબ ફીબી ગેટ્સ અને સોફિયા કિયાનીને આ કમિશન ગોટાળા અંગે ઓછામાં ઓછા 7 મહિના પહેલાંથી જ જાણ હતી.
20 વર્ષ સુધીની જેલની જોગવાઈ અને કાનૂની જોખમ
એક રિપોર્ટ મુજબ, અમેરિકન કાયદા હેઠળ 'કૂકી સ્ટફિંગ' જેવી છેતરપિંડી સાબિત થાય તો મહત્તમ 20 વર્ષ સુધીની ફેડરલ જેલની સજાની કાનૂની જોગવાઈ છે. જોકે, કાનૂની નિષ્ણાતોનું માનવું છે કે ફીબી ગેટ્સના કિસ્સામાં સીધી જેલ થવાની શક્યતા ઓછી છે, પરંતુ કંપની અને સંસ્થાપકો પર મોટો આર્થિક દંડ લાદવામાં આવે તેવી પૂરી શક્યતા છે.









