Business

LPG યુઝર્સ માટે મોટા સમાચાર: બજારમાં 10 કિલોનું હલકું અને ટ્રાન્સપરન્ટ ગેસ સિલિન્ડર આવવાના સંકેત

By GS Team
13 Jul 20263 mins read
TukuTouch Logo
ભારત પેટ્રોલિયમ, ઇન્ડિયન ઓઇલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી સરકારી ઓઇલ કંપનીઓ નાના વેપારીઓ, વિદ્યાર્થીઓ અને પ્રવાસી મજૂરો માટે 10 કિલોનું હલકું કોમ્પોઝિટ LPG સિલિન્ડર લોન્ચ કરવાની તૈયારીમાં છે. અત્યાર સુધી 19 કિલોના ભારે સિલિન્ડરને કારણે થતી મુશ્કેલીઓનો અંત આવશે. આ નવા HDPE ટૅક્નોલૉજીવાળા પારદર્શક સિલિન્ડરથી ગેસનું સ્તર સરળતાથી જાણી શકાશે, જે લાખો લોકોને રાહત આપશે.

Summarized by AI; it may make mistakes. Check important info

LPG યુઝર્સ માટે મોટા સમાચાર: બજારમાં 10 કિલોનું હલકું અને ટ્રાન્સપરન્ટ ગેસ સિલિન્ડર આવવાના સંકેત
IMAGE - IANS

10kg Commercial LPG Cylinder: દેશમાં ટૂંક સમયમાં જ નાના વેપારીઓ, લારી-ગલ્લાવાળા, વિદ્યાર્થીઓ અને પ્રવાસી મજૂરો માટે રસોઈ ગેસનો ઉપયોગ ઘણો સરળ બની જશે. ઇન્ડિયન ઓઇલ (IOC), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) જેવી સરકારી ઓઇલ કંપનીઓ હવે 10 કિલોનું હલકું કોમ્પોઝિટ LPG સિલિન્ડર કોમર્શિયલ ઉપયોગ માટે પણ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. અત્યાર સુધી નાના વેપારીઓએ 19 કિલોનું ભારે કોમર્શિયલ સિલિન્ડર વાપરવું પડતું હતું, જેને લાવવા-લઈ જવામાં અને રાખવામાં ઘણી મુશ્કેલી થતી હતી. જો આ પ્રસ્તાવને મંજૂરી મળશે, તો આ નવું અને હલકું સિલિન્ડર લાખો લોકો માટે ખૂબ જ રાહતરૂપ સાબિત થશે.

10 કિલોનું સિલિન્ડર લોન્ચ કરવા પર વિચાર

હાલમાં બજારમાં 19 કિલો, 5 કિલો અને 2 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડર ઉપલબ્ધ છે. પરંતુ 19 કિલોનું સિલિન્ડર વજનમાં ઘણું ભારે હોય છે, જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું સરળ નથી હોતું. આ જ કારણે નાના કેફે, ચાની દુકાનો, ફૂડ સ્ટોલ, લારીવાળા અને ભાડાના મકાનોમાં રહેતા લોકો લાંબા સમયથી હલકા અને સુવિધાજનક સિલિન્ડરની માંગ કરી રહ્યા હતા. હવે ઓઇલ કંપનીઓ આ જ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને 10 કિલોના કોમ્પોઝિટ સિલિન્ડરને કોમર્શિયલ ઉપયોગ માટે લોન્ચ કરવા પર વિચાર કરી રહી છે.

HDPE ટૅક્નોલૉજીથી તૈયાર અને પારદર્શક

આ નવું સિલિન્ડર હાઈ ડેન્સિટી પોલીએથિલિન (HDPE) આધારિત એડવાન્સ કોમ્પોઝિટ ટૅક્નોલૉજીથી તૈયાર કરવામાં આવ્યું છે. આ સિલિન્ડરની સૌથી મોટી ખાસિયત એ છે કે તે પરંપરાગત સ્ટીલ સિલિન્ડરની તુલનામાં આશરે 50% હલકું હોય છે. ઓછું વજન હોવાને કારણે તેને સીડીઓ પરથી ઉપર લઈ જવું, નાની દુકાનોમાં રાખવું અને રોજિંદા ઉપયોગમાં લેવું ઘણું સરળ બની જાય છે. એટલું જ નહીં, તેનો બહારનો ભાગ પારદર્શક (Translucent) હોય છે, જેના લીધે કોઈપણ વધારાના ગેજ વગર જ સરળતાથી જોઈ શકાય છે કે સિલિન્ડરમાં કેટલો ગેસ બચ્યો છે. આનાથી ગ્રાહકોને સમયસર રિફિલ કરાવવામાં પણ મોટી સુવિધા રહેશે.

કિંમત અને કોને મળશે સૌથી વધુ લાભ?

હાલમાં આ 10 કિલોવાળા કોમ્પોઝિટ સિલિન્ડર ઘરેલું ગ્રાહકો માટે મર્યાદિત સ્તરે ઉપલબ્ધ છે, જેને HPCL કંપની 'HP Gas Ojas', IndianOil તેને 'Indane Xtralight' અને BPCL તેને 'Bharatgas Lite' નામથી વેચી રહી છે. કિંમતની વાત કરીએ તો, હાલમાં દિલ્હીમાં 14.2 કિલોનું ઘરેલું LPG સિલિન્ડર ₹942માં મળે છે, જ્યારે 19 કિલોનું કોમર્શિયલ સિલિન્ડર ₹2,930માં અને 5 કિલોનું કોમર્શિયલ સિલિન્ડર ₹808.50માં ઉપલબ્ધ છે. 10 કિલોવાળા કોમર્શિયલ કોમ્પોઝિટ સિલિન્ડરની કિંમત હજુ નક્કી થઈ નથી, પરંતુ તે 5 કિલો અને 19 કિલોવાળા સિલિન્ડરની વચ્ચે હોઈ શકે છે.

જો આ યોજના લાગુ થશે તો સૌથી વધુ ફાયદો એવા નાના કારોબારીઓને થશે જેમનો ગેસનો વપરાશ મર્યાદિત છે. તેમને હવે ભારે સિલિન્ડર ઉપાડવાની માથાકૂટ નહીં રહે અને ગેસ ક્યારે પૂરો થશે તેનો અંદાજ પણ સરળતાથી આવી જશે. આ સિવાય મોટા શહેરોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ અને પ્રવાસી મજૂરો પણ આ હલકા સિલિન્ડરનો સરળતાથી ઉપયોગ કરી શકશે. સરકાર અને ઓઇલ કંપનીઓનો આ નિર્ણય LPG વિતરણ વ્યવસ્થાને વધુ આધુનિક અને યુઝર-ફ્રેન્ડલી બનાવવાની દિશામાં એક મોટું પગલું સાબિત થશે.