બેંક ધિરાણનો વૃદ્ધિ દર બે વર્ષની ટોચે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બેન્કિંગ ક્ષેત્રમાં થાપણ તથા ધિરાણ વૃદ્ધિ વચ્ચેનો તફાવત સતત ઊંચો
મુંબઈ : ૨૭મી જૂનના સમાપ્ત થયેલા પખવાડિયામાં બેન્ક ધિરાણમાં વાર્ષિક ધોરણે ૧૮.૬૦ ટકાની વૃદ્ધિ થઈ હતી જે બે વર્ષની ઊંચી સપાટીએ હતી. આ ઉપરાંત જૂનના અંતે સમાપ્ત થયેલા ત્રિમાસિક ગાળાનો ટાર્ગેટ પૂરો કરવા સદર પખવાડિયામાં કમર્સિઅલ બેન્કોએ અંદાજે રૂપિયા ૭ ટ્રિલિયનની થાપણ પણ ઊભી કરી હોવાનું રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ડેટા જણાવે છે.
ધિરાણની સરખામણીએ થાપણ વૃદ્ધિ મંદ રહીને ૧૩.૨૯ ટકા રહી હતી. ૧૪ જૂનના સમાપ્ત થયેલા પખવાડિયામાં ધિરાણ વૃદ્ધિ ૧૯.૧૩ ટકા અને થાપણ વૃદ્ધિ ૧૨.૫૮ ટકા રહી હતી. છેલ્લા કેટલાક સમયથી ધિરાણ તથા થાપણ વૃદ્ધિ વચ્ચેનો તફાવત સતત ઊંચો જોવા મળી રહ્યો છે.
છેલ્લા ૨૯ વર્ષમાં ત્રીજી વખત આટલી મોટી માત્રામાં થાપણો ઊભી થઈ છે. સમીક્ષા હેઠળના પખવાડિયામાં બેન્કોએ રૂપિયા ૩.૮૦ ટ્રિલિયનનું ધિરાણ છૂટુ કર્યું હતું જ્યારે રૂપિયા ૬.૯૭ ટ્રિલિયન થાપણ ઊભી કરી હતી.
જૂન મહિનામાં એફસીએનઆર (બી) થાપણો, ઈસીબી તથા ઓએફસીબી મારફત મૂડી પ્રવાહમાં વધારો થયો હોવાની શકયતા છે, એમ એસબીઆઈ રિસર્ચના એક રિપોર્ટમાં જણાવાયું હતું.
નાના ઉદ્યોગોને ટેકો પૂરો પાડવા માટેની સરકારની ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરન્ટી સ્કીમ હેઠળ મોટી માત્રામાં લોન છૂટી કરાઈ હોવાને કારણે પણ એકંદર લોન વૃદ્ધિ ઊંચી જોવા મળી છે.
નાના ઉદ્યોગોમાં સરકારની આ સ્કીમ આકર્ષણનું કેન્દ્ર રહી છે. પશ્ચિમ એશિયા યુદ્ધ તથા અમેરિકાના ટેરિફની અસર હળવી કરવાના ભાગરૂપ મેમાં બહાર પડાયેલી સદર સ્કીમ હેઠળ રૂપિયા ૧.૫૫ ટ્રિલિયનની લોન માટે ૧.૪૦ લાખથી વધુ ગેરન્ટી પૂરી પાડવામાં આવી છે.
ક્રેડિટ ગેરન્ટી સ્કીમ ઉપરાંત બોન્ડ પરના ઊંચા વ્યાજ દરને પરિણામે ઈન્ફ્રાસ્ટ્રકચર તથા અન્ય ક્ષેત્રની કંપનીઓ પોતાની નાણાંકીય જરૂરિયાત માટે બેન્ક ધિરાણ તરફ વળી હોવાનું માનવામાં આવે છે.
થાપણ તથા ધિરાણ વૃદ્ધિ વચ્ચેના સતત ઊંચા તફાવતને પરિણામે બેન્કોએ લિક્વિડિટી ઊભી કરવા વિવિધ સ્રોતો મારફત નાણાં ઊભા કરવા પડી રહ્યા છે.









