Business

IPOના ગ્રે માર્કેટ પ્રીમિયમ પ્રકાશિત કરવા પર પ્રતિબંધ

By GS Team
25 Nov 20263 mins read
TukuTouch Logo
મુંબઈ: 'ગુજરાત સમાચાર'ના અહેવાલોનો પડઘો પડ્યો છે. સેબીએ રોકાણકારોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. હવે કોઈપણ વેબસાઈટ્સ, ડિજિટલ પ્લેટફોર્મ કે અખબારો દ્વારા ઈ-મેઈલ, એસએમએસ કે સોશિયલ મીડિયા થકી ગ્રે માર્કેટ પ્રીમિયમ દર્શાવી શકાશે નહીં. આ પગલું ફેઈક પ્રીમિયમ એપના દૂષણને રોકવા અને રિટેલ રોકાણકારોને ગેરમાર્ગે દોરતી પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે લેવાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

IPOના ગ્રે માર્કેટ પ્રીમિયમ પ્રકાશિત કરવા પર પ્રતિબંધ

અનેક રોકાણકારોના હિતમાં સેબી દ્વારા ભરવામાં આવેલું સરાહનીય પગલું : ફેઈક પ્રીમિયમ એપનું દૂષણ ઃ ગુજરાત સમાચારના અહેવાલોનો પડઘો
વેબસાઈટ્સ, ડિજિટલ પ્લેટફોર્મ, અખબારો કે મધ્યસ્થીઓ દ્વારા કોઈપણ ઈ-મેઈલ, એસએમએસ કે સોશિયલ મીડિયા થકી ગ્રે માર્કેટ પ્રીમિયમ દર્શાવી શકાશે નહીં
મુંબઈ : રિટેલ રોકાણકારોને ગેરમાર્ગે દોરનારી અને વાસ્તવિકતાથી વિપરીત એક પ્રકારે ઊંચા વળતરની લાલચ બતાવતી આઈપીઓ ખુલતાં પૂર્વે ગ્રે માર્કેટ પ્રીમિયમ બતાવી ફસાવવાની પ્રવૃતિ પર મૂડી બજાર નિયામક તંત્ર સેબીએ લગામ લગાવી છે. ગુજરાત સમાચાર દ્વારા અહીંથી વખતો વખત આ પ્રકારની કૃત્રિમ રીતે કંપનીઓના ફંડામેન્ટલને નેવે મૂકીને આઈપીઓ ગ્રે માર્કેટ પ્રીમિયમ સર્જક કાર્ટેલનો પર્દાફાશ કરતાં અહેવાલો પ્રકાશિત કર્યાનો પડઘો પડયો છે. સેબીએ હવે કોઈપણ પ્લેટફોર્મ પર ઈન્ટરમીડિયરીઝને આ આઈપીઓ શેરોના ગ્રે માર્કેટ પ્રીમિયમ પબ્લિશ કરવા પર પ્રતિબંધાત્મક પગલાં લીધા છે. આઈપીઓની વણઝાર સાથે દેશમાં બિલાડીના ટોપની માફક અનેક ફેઈક પ્રીમિયમ એપ અને આ પ્રકારના પ્લેટફોર્મ થકી રોકાણકારોને ગેરમાર્ગે દોરવાના વધેલા દૂષણને દૂર કરવા સેબીએ સરાહનીય પગલાં લીધા છે.
ભારતના મૂડી બજારમાં પાછલા મહિનાઓમાં અસંખ્ય આઈપીઓ-ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ- પબ્લિક ઈસ્યુઓ લાવીને કંપનીઓ રોકાણકારો પાસેથી નાણા એક્ત્ર કરી ગઈ છે અને હજુ સંખ્યાબંધ કંપનીઓ આઈપીઓ લાવવાની તૈયારીમાં છે. આ આઈપીઓમાં અનેક એવા આઈપીઓ છે કે જેમાં સિન્ડિકેટ સક્રિય બનીને આઈપીઓ ખુલતાં પૂર્વે જ રોકાણકારોનો ભોરમાવવા એટલે કે લલચાવવા માટે ગ્રે માર્કેટના નામે શેરોના પ્રીમિયમ બોલાવતા આવ્યા છે.
આ ઈસ્યુઓના ઊંચા પ્રીમિયમ જોઈને રિટેલ રોકાણકારો ગેરમાર્ગે દોરાઈ ઈસ્યુમાં પોતાની મહામૂલી મૂડી રોકીને વળતરની ઊંચી અપેક્ષા રાખતા હતા. પરંતુ ઘણા આઈપીઓ-ભરણાં બંધ થાય પછી આ ઊંચા પ્રીમિયમો અદ્રશ્ય કરાવી દઈ શેરોનું લિસ્ટિંગ ડિસ્કાઉન્ટમાં થતું હોવાનું અને રોકાણકારોને નુકશાન થયાના અને દેશના મૂડી બજાર-શેર બજારોમાં રોકાણ કરવું ન જોઈએ એવી નિરાશાએ રોકાણકારો બજારથી દૂર થવાનું જોખમ ઊભું થયું હતું. જેને ધ્યાનમાં લઈ મૂડી બજાર નિયામક તંત્ર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ રોકાણકારોના હિતમાં હવે ગ્રે માર્કેટ પ્રીમિયમ કોઈપણ પ્લેટફોર્મ પર પ્રકાશિત નહીં કરવા ઈન્ટરમીડિયરીઝને સૂચના આપી આ દિશામાં કડક પગલાં લીધા છે.
સેબીએ બજારના સહભાગીઓ અને રજિસ્ટર્ડ ઈન્ટરમીડિયરીઝને આવનારા આઈપીઓના ગ્રે માર્કેટ પ્રીમિયમ પ્રકાશિત કરવા, દર્શાવવા કે પ્રસારિત કરવા પર તાત્કાલિક અસરથી રોક લગાવવા જણાવ્યું છે. સેબીએ રોકાણકારોને સંભવિત લિસ્ટિંગ ગેઈનનો અંદાજ લગાવવા માટે આવા બિનસત્તાવાર આંકડાઓ પર આધાર નહીં રાખવાની ચેતવણી પણ આપી છે.
સેબીએ આપેલી ચેતવણી અને અન્ય પ્રમુખ બાબતો રોકાણકારોએ જાણવી જરૂરી છે. બિનસત્તાવાર અને અનિયંત્રિત આંકડા ઃ સેબીની એડવાઈઝરીમાં જણાવાયું છે કે, વેબસાઈટ્સ, ડિજિટલ પ્લેટફોર્મ, અખબારો અને કેટલાક મધ્યસ્થીઓ-ઈન્ટરમીડિયરીઝ દ્વારા ફેલાવવામાં આવતાં જીએમપી-ગ્રે માર્કેટ પ્રીમિયમના આંકડા સંપૂર્ણપણે બિનસત્તાવાર, અપ્રમાણિત અને અનિયંત્રિત હોય છે. બીજું કોઈ સુરક્ષા કે ગેરંટી નહીં ઃ આ આંકડા લિસ્ટિંગ પહેલા ઔપચારિક એક્સચેન્જ માળખાની બહાર થતા શેરના વ્યવહારો પર આધારિત હોવાનો દાવો કરવામાં આવે છે. સેબીએ સ્પષ્ટ કર્યું છે કે આવા વ્યવહારો પર કોઈ નિયમનકારી દેખરેખ હોતી નથી, તેમાં સેટલમેન્ટની કોઈ ગેરંટી કે રોકાણકારોની સુરક્ષા હોતી નથી અને તે કોઈ ૅઔપચારિક પ્રાઈસ-ડિસ્કવરી પ્રક્રિયાને અનુસરતા નથી. આ ઉપરાંત પારદર્શિતાનો ભંગ ઃ નિયમનકારે કહ્યું છે કે, આવા પ્રીમિયમનું પ્રકાશન રોકાણકારો માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે અને તે સિક્યોરિટીઝ માર્કેટમાં પારદર્શિતા અને જવાબદારીના સિદ્વાંતોની વિરૂધ્ધ છે. સેબીએ તમામ રજિસ્ટર્ડ ઈન્ટરમીડિયરીઝને વેબસાઈટ, ઈમેઈલ, એસએમએસ કે સોશિયલ મીડિયા સહિત કોઈપણ માધ્યમથી જીએમપી જાહેર ન કરવા સૂચના આપી છે.
રોકાણકારોને સેબીએ આપેલી મહત્વની સૂચના મુજબ ગ્રે માર્કેટના વ્યવહારોમાં સામેલ રોકાણકારોની સેબી કે સ્ટોક એક્સચેન્જના અધિકારક્ષેત્ર હેઠળ કોઈ સુરક્ષા લાભ મળશે નહીં. તેઓ એક્સચેન્જની ફરિયાદ નિવારણ પ્રણાલી કે ઓનલાઈન ડિસ્પ્યુટ રિઝોલ્યુશન (ઓડીઆર) પોર્ટલનો ઉપયોગ કરી શકશે નહીં.