Get The App

યુદ્ધને કારણે એરલાઇન્સને રૂ. 2500 કરોડનું નુકસાન

- પશ્ચિમ એશિયા ભારતીય એરલાઇન્સ માટે સૌથી મોટું આંતરરાષ્ટ્રીય બજાર: નફાકારક ભારત-યુરોપ રૂટના આર્થિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર

- ઇન્ડિગો અને એર ઇન્ડિયાની અનેક ફ્લાઇટો ગ્રાઉન્ડેડ

Updated: Apr 10th, 2026

GS TEAM

Google News
Google News
યુદ્ધને કારણે એરલાઇન્સને રૂ. 2500 કરોડનું નુકસાન 1 - image

અમદાવાદ : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે સ્થાનિક એરલાઇન્સને આશરે ૨૫૦૦ કરોડની આવકનું નુકસાન થયું છે. એવિયેશન ઈન્ડસ્ટ્રી દ્વારા સ્ટેક હોલ્ડર્સ સાથે શેર કરાયેલા તાજેતરના અંદાજ મુજબ જો યુદ્ધ ચાલુ રહે અને ઈરાન, ખાસ કરીને પાકિસ્તાનનું એરસ્પેસ બંધ રહે તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. આ પ્રતિબંધને કારણે નફાકારક ભારત-યુરોપ રૂટના આર્થિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડશે.

પશ્ચિમ એશિયા ભારતીય એરલાઇન્સ માટે સૌથી મોટું આંતરરાષ્ટ્રીય બજાર છે, પરંતુ ત્યાં ચાલી રહેલા સંઘર્ષને કારણે એરલાઇન્સને દૈનિક ફ્લાઇટોની સંખ્યામાં ભારે ઘટાડો કરવાની ફરજ પડી છે. પરિણામે ક્ષમતાનો ખૂબ જ ઓછો ઉપયોગ થયો છે, વિમાનો નિષ્ક્રિય થયા છે અને આવકમાં સતત ઘટાડો થયો છે. 

ગ્લોબલ એવિયેશન વિશ્લેષકોના મતે ઇન્ડિગો તેના ઉનાળાના સમયપત્રક દરમિયાન દરરોજ ૩૧૦ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો ચલાવવા માટે અધિકૃત છે, પરંતુ હાલ પરવાનગી ક્ષમતાના માત્ર ૬૦ ટકા જ ઉડાન ભરી રહી છે. તેણે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ દેશોની ૧૧૫ ફ્લાઇટો અને કોમનવેલ્થ સ્થળોની ૧૦ ફ્લાઇટો રદ કરી છે. ઈન્ડિગોનો ભારત-જીસીસી રૂટ પર લગભગ ૪૦ ટકા બજાર હિસ્સો છે.

એર ઈન્ડિયા ગ્રુપને પણ અસર થઈ છે. અંદાજ મુજબ, એર ઈન્ડિયા છ ગલ્ફ દેશો (બહેરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત) માટે દરરોજ ફક્ત ૩૦થી ૪૦ ફ્લાઇટો ચલાવી રહી છે, જ્યારે આ ક્ષેત્રમાં ૧૦૦થી વધુ ફ્લાઇટ્સનું શેડયૂલ છે.

ડોમેસ્ટિક રૂટ પર વધારાની ક્ષમતાનો ઉપયોગ કરવો સરળ નથી. એક એરલાઇનના એક વરિષ્ઠ એક્ઝિક્યુટિવે કહ્યું, 'અમને અગાઉથી ખબર નથી હોતી કે કેટલી ફ્લાઇટોને મંજૂરી આપવામાં આવશે. દુબઈ અથવા અબુ ધાબી જેવા સ્થળોએ ઘણીવાર છેલ્લી ઘડીએ મંજૂરી મળે છે. ગલ્ફ દેશોની એરલાઇન્સને સ્લોટ ફાળવણીમાં પ્રાથમિકતા મળે છે.'

એક એરલાઇનના સીઈઓએ જણાવ્યું કે, પાકિસ્તાની અને કેટલાક પશ્ચિમ એશિયાઈ હવાઈ ક્ષેત્રની ઉપલબ્ધતાના અભાવને કારણે ભારતીય એરલાઇન્સ ૪૦થી ૫૦ ટકા વધુ વેઈટિંગ ટાઈમ અનુભવી રહી છે. આના કારણે ઈંધણનો વપરાશ વધે છે.