Business

ટ્રમ્પની હાર અને ક્રૂડ ઓઈલમાં કડાકા બાદ શેરબજારમાં ધૂમ તેજી, સેન્સેક્સ 1600 તો નિફ્ટી 400થી વધુ પોઇન્ટ ઉછળ્યો

By GS Team
5 Nov 20262 mins read
TukuTouch Logo
અમેરિકી મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની હાર અને ક્રૂડ ઓઈલના ભાવ ઘટતા વૈશ્વિક બજારોમાં તેજી આવી. ગુરુવારે ભારતીય શેરબજારમાં પણ રોકેટ ગતિએ ઉછાળો જોવા મળ્યો. સેન્સેક્સ 1621 પોઈન્ટ વધીને 78,922 ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો, જ્યારે નિફ્ટી 432 પોઈન્ટના સુધારા સાથે 24,392 ની ઉચ્ચતમ સપાટીએ સ્પર્શ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પની હાર અને ક્રૂડ ઓઈલમાં કડાકા બાદ શેરબજારમાં ધૂમ તેજી, સેન્સેક્સ 1600 તો નિફ્ટી 400થી વધુ પોઇન્ટ ઉછળ્યો

Stock market News : અમેરિકાની મિડટર્મ ચૂંટણીના પરિણામો જાહેર થતાંની સાથે જ વિશ્વભરના શેરબજારોમાં હકારાત્મક મોજું ફરી વળ્યું છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના પરાજય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલ(Crude Oil) ની 7 ડૉલરથી વધુ કિંમતોમાં થયેલા કડાકાના કારણે ગુરુવારે સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં રોકેટ સરખી તેજી જોવા મળી હતી. બજાર ખુલતાની સાથે જ બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટીમાં તોફાની વધારો નોંધાયો હતો.

સેન્સેક્સ અને નિફ્ટી રોકેટની ગતિએ ભાગ્યા
ગુરુવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો 30 શેરો વાળો સેન્સેક્સ ઇન્ડેક્સ તેના અગાઉના બંધ 77,301 ની સરખામણીએ જોરદાર તેજી સાથે ખુલ્યો હતો. કારોબાર શરૂ થતાંની માત્ર ગણતરીની સેકન્ડોમાં જ સેન્સેક્સ 1621 પોઈન્ટના ભવ્ય ઉછાળા સાથે 78,922 ની ઓલ-ટાઇમ હાઇ સપાટીની નજીક પહોંચી ગયો હતો.

આ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના 50 શેરો વાળા નિફ્ટી ઇન્ડેક્સમાં પણ ભારે લેવાલી જોવા મળી હતી. નિફ્ટી બુધવારના બંધ 23,960 ની સામે 432 પોઈન્ટનો સુધારો દર્શાવીને 24,392 ની ઉચ્ચતમ સપાટીએ સ્પર્શ્યો હતો.

ટ્રમ્પની હારથી ગ્લોબલ માર્કેટમાં ઉત્સાહ
અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને ભારે પરાજયનો સામનો કરવો પડ્યો છે, જ્યારે વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીએ 'હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ' ની તમામ 435 સીટોમાંથી 228 સીટો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે, જ્યારે રિપબ્લિકનને માત્ર 139 સીટો મળી છે. આ પરિણામો બાદ અમેરિકાના વાયદા બજાર ડાઉ જોન્સથી લઈને એશિયન બજારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેની સીધી અને સકારાત્મક અસર ભારતીય શેરબજાર પર પડી છે.