Get The App

2025માં રેકોર્ડ બાદ 2026માં IPO ક્ષેત્રે નિરસતા

- આઇપીઓની સંખ્યા તથા રોકાણકારોના આકર્ષણમાં ગયા વર્ષની તુલનાએ નોંધપાત્ર ઘટાડો

- નવા વર્ષમાં માત્ર પાંચ જ ઇશ્યુ મૂડીબજારમાં આવ્યા

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
2025માં રેકોર્ડ બાદ 2026માં IPO ક્ષેત્રે નિરસતા 1 - image

મુંબઈ : ૨૦૨૫માં રેકોર્ડ કર્યા બાદ વર્તમાન ૨૦૨૬ના  પ્રારંભિક ગાળામાં દેશમાં પ્રાયમરી માર્કેટ ધીમી પડી ગયાનું જોવા મળી રહ્યું છે. પ્રારંભના બે મહિનામાં જાહેર ભરણાંની સંખ્યા ઘણી જ ઓછી જોવા મળી છે એટલું જ નહીં રોકાણકારો દ્વારા અરજીની માત્રા પણ નોંધપાત્ર નીચા સ્તરે ગઈ છે.

ગત વર્ષમાં દેશમાં કુલ ૩૭૩ જાહેર ભરણાં આવ્યા હતા જેમાં ૧૦૩ મેઈનબોર્ડ અને ૨૭૦ એસએમઈ ભરણાં રહ્યા હતા. આ ભરણાંઓ મારફત કંપનીઓએ એકંદર રૂપિયા ૧.૯૫ ટ્રિલિયન ઊભા કર્યા હતા. 

ગત વર્ષમાં બજારની રેલીનો લાભ લઈ કંપનીઓએ બજારમાંથી ભરણાં મારફત જંગી મૂડી ઊભી કરી લીધી હતી. બજારની રેલીને પરિણામે કંપનીઓને ઊંચા મૂલ્યાંકન મેળવવામાં સફળતા મળી હતી.

જો કે આવી સ્થિતિ ૨૦૨૬માં અત્યારસુધી જોવા મળી નથી. વર્તમાન વર્ષમાં મેઈનબોર્ડના પાંચ ભરણાં જ જોવા મળ્યા છે અને બીજા ચાર જેટલા નજીકના ભવિષ્યમાં આવવા ધારણાં છે.

પ્રાયમરી માર્કેટ મારફત શેરબજારમાં નાણાં રોકવામાં ઈન્વેસ્ટરોની રુચી પણ હાલમાં ઘટી ગઈ હોવાનું જોવા મળે છે એમ એક રિપોર્ટમાં જણાવાયું હતું.

કંપનીઓના ભરણાં છલકાવાની માત્રા પણ ઘણી જ નીચી રહી હતી. ભરણાંમાં આકર્ષણ ઘટવા ઉપરાંત લિસ્ટિંગમાં પણ રોકાણકારોને નબળા વળતર પ્રાપ્ત થઈ રહ્યા છે, જેની અસર એકંદર પ્રાયમરી માર્કેટ પર જોવા મળી છે.

૨૦૨૫માં ૪૩ જેટલા ભરણાં એવા હતા જે ૫૦ ગણાથી વ ધુ ભરાઈ ગયા હતા, જે રોકાણકારોનું  પ્રાયમરી માર્કેટ પ્રત્યેનું આકર્ષણ કેવું હતું તે સૂચવે છે એમ પણ રિપોર્ટમાં  ઉમેરાયું હતું.

ગત વર્ષમાં સેકન્ડરી બજારમાં મજબૂત રેલી જોવા મળી હતી જેને પરિણામે પ્રાયમરી બજાર પણ ધમધમતી રહી હતી. પરંતુ વર્તમાન વર્ષમાં ભૌગોલિકરાજકીય અશાંતિ તથા એઆઈની ખલેલને કારણે સેકન્ડરી બજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી રહી છે અને બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ તેની ઓલટાઈમ હાઈ સપાટીએથી સતત નીચે ટ્રેડ થઈ રહ્યા છે.

સ્મોલ કેપ સ્ટોકસમાંથી ૫૦ ટકા હાલમાં તેમના ઓલ ટાઈમ હાઈ સ્તરેથી ૪૦ ટકા નીચે વેપાર થઈ રહ્યા છે. લિસ્ટિંગ પછીની શેરોની કામગીરી પણ રોકાણકારોના માનસ પર અસર કરતી હોય છે.