Get The App

હોળી પર દેશમાં રૂ. 80,000 કરોડના બમ્પર ટર્નઓવર થવાની ધારણા

- ફક્ત દિલ્હીમાં જ રૂ. ૧૫,૦૦૦ કરોડનું વેચાણ થવાની ધારણા

- અન્ય મોટા શહેરોમાં બજાર ધમધમતા થયા

Updated: Feb 24th, 2026

GS TEAM

Google News
Google News
હોળી પર દેશમાં રૂ. 80,000 કરોડના બમ્પર ટર્નઓવર થવાની ધારણા 1 - image

અમદાવાદ : આ વર્ષે, રંગોનો તહેવાર હોળી, દેશભરના વેપારીઓ માટે એક મહત્વપૂર્ણ ઈવેન્ટ બની રહેશે. કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ) અનુસાર, આ વર્ષે હોળી સમયે બજારમાં રૂ. ૮૦,૦૦૦ કરોડથી વધુનું ટર્નઓવર થવાની ધારણા છે. આ આંકડો ગયા વર્ષના રૂ. ૬૦,૦૦૦ કરોડ કરતા લગભગ ૨૫ ટકા વધારે છે.વોકલ ફોર લોકલ  અભિયાનની અસર હવે બજારોમાં સ્પષ્ટપણે દેખાય છે. એક સમય હતો જ્યારે વખતે  સંપૂર્ણપણે ચાઇનીઝ વોટર ગન અને અન્ય વસ્તુઓનું પ્રભુત્વ હતું. જોકે, ૨૦૨૧ થી, પરિસ્થિતિ ઝડપથી બદલાઈ ગઈ છે, અને બજારમાં હવે સંપૂર્ણપણે સ્વદેશી ઉત્પાદનોનું પ્રભુત્વ છે.

ગ્રાહકો હવે કુદરતી રંગો, હર્બલ ગુલાલ, ચંદન અને ભારતમાં બનાવેલી પૂજા સામગ્રી પસંદ કરી રહ્યા છે. સ્થાનિક કારીગરો દ્વારા બનાવેલી વોટર ગન, ફુગ્ગા અને અન્ય વસ્તુઓ ઝડપથી વેચાઈ રહી છે. આનો સીધો ફાયદો કુટીર ઉદ્યોગો અને નાના વ્યવસાયોને થઈ રહ્યો છે.  

લોકો તેમના સ્વાસ્થ્ય અને ત્વચા પ્રત્યે વધુને વધુ સભાન બન્યા છે. આના કારણે રાસાયણિક આધારિત કાયમી રંગોને બદલે હર્બલ અને કુદરતી રંગોની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. રંગો ઉપરાંત, વસ્ત્રોના બજારમાં પણ નોંધપાત્ર તેજી જોવા મળી છે. ખાસ કરીને હોળીની ઉજવણી માટે સફેદ ટી-શર્ટ, પરંપરાગત કુર્તા-પાયજામા અને સલવાર-સુટ મોટી સંખ્યામાં ખરીદવામાં આવી રહ્યા છે. કપડાંની સાથે, ફનશિંગ ફેબ્રિક્સ અને કન્ઝયુમર ડયુરેબલ્સનું વેચાણ પણ ઝડપથી વધ્યું છે.

કન્ફેડરેશનના અનુસાર, ફક્ત દિલ્હીમાં જ રૂ. ૧૫,૦૦૦ કરોડનો વ્યવસાય થવાનો અંદાજ છે. મીઠાઈની દુકાનો પર પરંપરાગત ગુજિયાની માંગ આસમાને પહોંચી રહી છે. ગુજિયાના હાર અને ખાસ તૈયાર કરેલા ડ્રાયફ્રૂટના પેકેટ ઝડપથી વેચાઈ રહ્યા છે. આ સાથે, કરિયાણાની દુકાનો, એફએમસીજી  ઉત્પાદનો, ફળો, ફૂલો અને ભેટની વસ્તુઓ પર પણ લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે.

હોળી માત્ર રંગોનો તહેવાર નથી પણ સામાજિક મેળાવડાઓનો મુખ્ય તહેવાર પણ છે. દેશભરમાં મોટા પાયે હોળી મેળાવડાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ફક્ત દિલ્હીમાં જ, વિવિધ વ્યવસાયિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક સંગઠનો આવા ત્રણ હજારથી વધુ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે.