શેર બજારમાં તેજીનો 'રાસ'! સેન્સેક્સ આજે 1100 અંક ચઢી 73 હજારને પાર, રોકાણકારોને 4 કારણોસર 4 લાખ કરોડની કમાણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Indian Stock Market Surge: મંગળવારે ભારતીય શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી. બપોર પછીના કારોબારમાં બીએસઈ (BSE) સેન્સેક્સ અને એનએસઈ (NSE) નિફ્ટી 1%થી પણ વધુ ઉછળ્યા હતા. નાણામંત્રી નિર્મલા સીતારમણે લોંગ-ટર્મ કેપિટલ ગેઇન્સ (LTCG) અને સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) અંગે આપેલા નિવેદન, IT ક્ષેત્રના શેરોમાં આવેલી તેજી અને ડૉલર સામે રૂપિયાની મજબૂતીને કારણે રોકાણકારોનો ઉત્સાહ બેવડાયો હતો.
દિવસના અંતે સેન્સેક્સ 1,109 પોઇન્ટ(1.54%)ના ઉછાળા સાથે 73,033.78ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી50 પણ 359 પોઇન્ટ (1.60%) વધીને 22,721.95ની સપાટીએ પહોંચ્યો હતો. શેરબજારમાં આવેલી આ શાનદાર તેજીને કારણે લિસ્ટેડ કંપનીઓની કુલ સંપત્તિમાં રૂ. 4.12 લાખ કરોડથી વધુનો મોટો વધારો થયો હતો, જેનાથી રોકાણકારોની એકંદરે સંપત્તિ વધીને રૂ. 470 લાખ કરોડના સ્તરે પહોંચી ગઈ છે.
LTCG અને STT ટેક્સ પર નાણામંત્રીનું મહત્ત્વનું નિવેદન
નાણામંત્રી નિર્મલા સીતારમણે બ્લૂમબર્ગ ન્યૂ ઈકોનોમી ફોરમના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, દેશ-વિદેશના રોકાણકારો સાથે લોંગ-ટર્મ કેપિટલ ગેઈન્સ (LTCG) ટેક્સ અને સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) મુદ્દે ચર્ચા ચાલી રહી છે. બજેટની તૈયારીઓ શરૂ થઈ ચૂકી હોવાથી તેમણે ટેક્સમાં કોઈ ફેરફાર અંગે સ્પષ્ટ વચન આપવાનું ટાળ્યું હતું, પરંતુ આ મુદ્દાઓ પર સરકારનું ધ્યાન હોવાના સંકેત આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં એસબીઆઈ રિસર્ચના રિપોર્ટમાં પણ શેરબજારમાં રોકાણકારોને પ્રોત્સાહિત કરવા માટે LTCG ટેક્સ નાબૂદ કરવાની ભલામણ કરવામાં આવી હતી.
IT કંપનીઓના શેરોમાં મોટો ઉછાળો
શેરબજારમાં આવેલી આ શાનદાર તેજીમાં IT ક્ષેત્રની કંપનીઓએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. બીજા ત્રિમાસિક ગાળાના સારા પરિણામો બાદ HCL ટેકના શેરમાં 5%થી વધુનો ઉછાળો આવ્યો હતો, જ્યારે TCSનો શેર પણ 5% જેટલો વધ્યો હતો. આ ઉપરાંત Tech Mahindra અને Infosysના શેરમાં પણ 3-3%નો વધારો નોંધાયો હતો. વૈશ્વિક સ્તરે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સાથે જોડાયેલા શેરોમાં કડાકો બોલવાને કારણે વિદેશી રોકાણકારોનું ધ્યાન ભારતીય IT કંપનીઓ તરફ ફરી વળ્યું છે, જેનો સીધો ફાયદો આ શેરોને મળ્યો છે.
રૂપિયામાં મજબૂતી અને બોન્ડ યીલ્ડમાં ઘટાડો
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI) દ્વારા લેવાયેલા વિશેષ પગલાં બાદ અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો 82 પૈસા મજબૂત થઈને 94.96ના સ્તરે પહોંચ્યો હતો. આ ઉપરાંત અમેરિકન બોન્ડ યીલ્ડ 5.2%થી નીચે આવતા શેરબજારને રાહત મળી હતી. બોન્ડ યીલ્ડ ઘટવાથી સામાન્ય રીતે શેરબજાર તરફ રોકાણનો પ્રવાહ વધતો હોય છે, જેણે આ તેજીને વધુ વેગ આપ્યો હતો.
ક્રૂડ ઓઇલના ભાવ ઘટતા બજારને સપોર્ટ મળ્યો
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. બ્રિટેનનું બ્રિન્ટ ક્રૂડ 1%થી વધુ ઘટીને પ્રતિ બેરલ $105ની નજીક પહોંચ્યું હતું, જ્યારે યુએસ WTI ક્રૂડ પણ ઘટીને $93ની નીચે આવી ગયું હતું. ક્રૂડ ઓઇલ સસ્તું થવાથી ભારતીય અર્થતંત્ર અને શેરબજાર માટે સકારાત્મક માહોલ તૈયાર થયો હતો.




