Business

1 સપ્ટેમ્બરથી બદલાઈ ગયા મહત્ત્વના નિયમો: LPG સિલિન્ડર અને કારના ભાવ વધ્યા; જાણો 7 મોટા ફેરફારો

By GS Team
1 Sep 20264 mins read
TukuTouch Logo
આજથી દેશભરમાં 1 સપ્ટેમ્બરથી અનેક મોટા ફેરફારો અમલી બન્યા છે, જે સામાન્ય જનજીવનને સીધી અસર કરશે. કોમર્શિયલ LPG સિલિન્ડર રૂ. 9.50 મોંઘો થયો છે, જ્યારે મુંબઈમાં CNG અને PNGના ભાવ વધ્યા છે. e-KYC ન કરાવનારને મોંઘો સિલિન્ડર મળશે. કાર, દૂધ અને ઓટો-ટેક્સીના ભાડામાં પણ વધારો થયો છે. વિદેશ યાત્રા કરતા મુસાફરોને બોર્ડિંગ પાસ પર સ્ટેમ્પિંગની જરૂર નહીં રહે.

Summarized by AI; it may make mistakes. Check important info

1 સપ્ટેમ્બરથી બદલાઈ ગયા મહત્ત્વના નિયમો: LPG સિલિન્ડર અને કારના ભાવ વધ્યા; જાણો 7 મોટા ફેરફારો

Rule Change From 1st September: આજથી સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે. દર મહિનાની શરૂઆત સાથે કેટલાક નવા નિયમો લાગુ પડતા હોય છે. આ વખતે પણ 1 સપ્ટેમ્બર, 2026થી દેશમાં અનેક મોટા ફેરફારો અમલી બન્યા છે, જે તમારી રસોઈથી લઈને કારના પ્રવાસ સુધીની તમામ બાબતો પર સીધી અસર પાડશે. સરકારી ઓઇલ કંપનીઓએ 1 સપ્ટેમ્બરની સવારે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના નવા ભાવ જાહેર કરી દીધા છે. ઉપરાંત, સીએનજી અને પીએનજીના દરમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તેની અસર ઓટો અને ટેક્સી ભાડાં પર પણ જોવા મળી રહી છે. આ સિવાય દૂધના ભાવ અને વિદેશ યાત્રા સંબંધિત નિયમોમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે.

1) કોમર્શિયલ એલપીજી સિલિન્ડર રૂ. 9.50 મોંઘો થયો

દર મહિનાની પહેલી તારીખની જેમ આ વખતે પણ 1 સપ્ટેમ્બર, 2026થી કોમર્શિયલ એલપીજી સિલિન્ડર મોંઘો થઈ ગયો છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 kgના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં રૂ. 9.50નો વધારો કર્યો છે. આ વધારા બાદ દિલ્હીમાં સિલિન્ડર રૂ. 2747.50નો મળશે. 1 ઓગસ્ટના રોજ કંપનીઓએ સિલિન્ડરના ભાવમાં રૂ. 200થી વધુનો ઘટાડો કર્યો હતો, તેથી આ વખતે પણ ભાવ ઘટવાની અપેક્ષા હતી, પરંતુ તેમાં વધારો કરવામાં આવ્યો છે. જોકે, ઓઇલ કંપનીઓએ 14.2 kg ધરાવતા ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો નથી.

2) સીએનજી અને પીએનજીના રેટમાં વધારો

મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં મહાનગર ગેસ લિમિટેડ (MGL) દ્વારા સીએનજી અને ઘરેલુ પીએનજીના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે, જે નવા દરો 1 સપ્ટેમ્બર, 2026થી લાગુ થઈ ગયા છે. આ નવા વધારા બાદ મુંબઈમાં સીએનજી રૂ. 2 પ્રતિ કિલો મોંઘી થઈને રૂ. 88 પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે, જ્યારે રસોઈમાં વપરાતા ઘરેલુ પીએનજીના દરમાં રૂ. 1 પ્રતિ SCMનો વધારો થયો છે. નોંધનીય છે કે છેલ્લા 1 વર્ષના સમયગાળા દરમિયાન એકલા દિલ્હીમાં જ સીએનજીના ભાવમાં રૂ. 10 સુધીનો મોટો વધારો નોંધાઈ ચૂક્યો છે.

3) LPG e-KYC ન કરાવનારને મોંઘો પડશે સિલિન્ડર

સરકારી ઓઇલ કંપનીઓએ LPG e-KYC પૂર્ણ કરવા માટે 31 ઓગસ્ટ, 2026ની અંતિમ તારીખ નક્કી કરી હતી. IOCL, BPCL અને HPCL દ્વારા e-KYCની ડેડલાઈન 23 ઓગસ્ટથી વધારીને 31 ઓગસ્ટ કરવામાં આવી હતી. જો તમે આ સમયમર્યાદામાં e-KYC કરાવ્યું નથી, તો 1 સપ્ટેમ્બરથી તમારે મોંઘો એલપીજી સિલિન્ડર ખરીદવો પડી શકે છે અને નવો સિલિન્ડર મેળવવામાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.

4) કાર ખરીદવી થઈ મોંઘી

સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે કાર પ્રેમીઓને મોટો ઝટકો લાગ્યો છે. 1 સપ્ટેમ્બરથી દેશની દિગ્ગજ ઓટોમોબાઈલ કંપનીઓએ પોતાના વાહનોના ભાવ વધારવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત વિવિધ કાર અને એસયુવી મોડેલ્સ પર રૂ. 25,000 સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે. કેટલીક અગ્રણી કંપનીઓ દ્વારા તો એક જ વર્ષમાં આ ત્રીજી વખત ભાવવધારો કરવામાં આવ્યો છે. મુખ્યત્વે વાહનોના પ્રોડક્શન કોસ્ટ (ઉત્પાદન ખર્ચ)માં થયેલા વધારાને કારણે કંપનીઓએ કિંમતો વધારવાનો આ નિર્ણય લીધો છે.

5) દૂધના ભાવમાં પ્રતિ લીટર રૂ. 9નો વધારો

મુંબઈના લોકોને 1 સપ્ટેમ્બર, 2026થી વધુ એક આર્થિક ઝટકો લાગ્યો છે. એલપીજી અને સીએનજી બાદ હવે દૂધના ભાવ પણ વધી ગયા છે. આ વધારો પેકેટવાળા દૂધમાં નહીં પરંતુ તબેલાના દૂધના ભાવમાં થયો છે. દૂધમાં રૂ. 9નો વધારો થતાં હવે તે રૂ. 102 પ્રતિ લીટર મળશે, જે પહેલાં રૂ. 93 પ્રતિ લીટરના ભાવે મળતું હતું. દૂધ વેપારીઓના જણાવ્યા મુજબ પશુઓની કિંમત અને ચારાના ખર્ચમાં થયેલા વધારાને કારણે કિંમતોમાં વધારો કરવો પડ્યો છે.

6) બોર્ડિંગ પાસ પર સ્ટેમ્પિંગની જરૂર નહીં રહે

1 સપ્ટેમ્બરથી વિદેશ પ્રવાસ કરનારા મુસાફરો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે ભારતથી વિદેશ જતાં યાત્રીઓએ ઈમિગ્રેશન કાઉન્ટર પર બોર્ડિંગ પાસ પર સ્ટેમ્પ કરાવવાની જરૂર રહેશે નહીં. યાત્રીઓ હવે પોતાના મોબાઈલમાં રહેલા ઈલેક્ટ્રોનિક બોર્ડિંગ પાસ અથવા તેની પ્રિન્ટેડ કોપી બતાવીને જ ઈમિગ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરી શકશે. આ ફેરફારથી એરપોર્ટ પર મુસાફરોના સમયની મોટી બચત થશે.

7) ઓટો અને ટેક્સીના ભાડાંમાં વધારો

મુંબઈમાં ઓટો અને ટેક્સીમાં મુસાફરી કરનારા લોકો માટે પ્રવાસ મોંઘો બન્યો છે. આજથી ઓટોના ભાડામાં રૂ. 1 પ્રતિ કિમી અને ટેક્સીના ભાડામાં રૂ. 2 પ્રતિ કિમીનો વધારો કરવામાં આવ્યો છે. ઓટોનું લઘુત્તમ ભાડું રૂ. 26થી વધીને રૂ. 27 થઈ ગયું છે, જ્યારે ટેક્સીનું લઘુત્તમ ભાડું રૂ. 31થી વધીને રૂ. 33 થયું છે. શેરીંગ ઓટોના દરમાં પણ રૂ. 1 પ્રતિ કિમીનો વધારો થયો છે. આ પહેલાં 1 ફેબ્રુઆરી, 2025ના રોજ ભાડાં વધારાયા હતા, જેને હવે MMRTA દ્વારા નવી મંજૂરી આપવામાં આવી છે.