Business

સરળ લોનના ચક્કરમાં ના ફસાશો! એક ભૂલ જીવનભર માટે ભારે પાડી જશે

By GS Team
7 Aug 20262 mins read
TukuTouch Logo
આજના ડિજિટલ યુગમાં મોબાઈલ પર આવતી લોન એપ્સથી સાવચેત રહેવું જરૂરી છે. આવી એપ્સ ઝડપી લોનના બહાને પર્સનલ ડેટા ચોરીને કે વધુ વ્યાજ વસૂલીને છેતરપિંડી કરે છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં આવા કિસ્સાઓ બનતા હોઈ, કોઈપણ એપ ડાઉનલોડ કરતા પહેલા તેના રિવ્યૂ, રેટિંગ અને RBI રજિસ્ટ્રેશન તપાસો. જો છેતરપિંડી થાય તો, તાત્કાલિક સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવો.

Summarized by AI; it may make mistakes. Check important info

સરળ લોનના ચક્કરમાં ના ફસાશો! એક ભૂલ જીવનભર માટે ભારે પાડી જશે

Beware of Fake Instant Loan Apps: આજના ડિજિટલ યુગમાં તમારા મોબાઇલ પર અવારનવાર એવા મેસેજ આવતા હશે જેમાં માત્ર 2 મિનિટમાં, કોઈ પણ પેપરવર્ક વગર લાખો રૂપિયાની લોન આપવાનો દાવો કરવામાં આવે છે. જો તમે પણ આવી લાલચમાં આવીને લોન એપ ડાઉનલોડ કરવાનું વિચારતા હોવ તો સાવચેત રહેવાની જરૂર છે. સરળ અને ઝડપી લોનની ઓફર ઘણીવાર મોટા ફ્રોડ (છેતરપિંડી)માં ફેરવાઈ શકે છે. કેટલીક ફેક એપ્સ માત્ર તમારો પર્સનલ ડેટા ચોરી કરવા માટે જ બનાવવામાં આવે છે, જ્યારે કેટલીક એપ લોન આપ્યા બાદ હિડન ચાર્જ અને અતિશય વ્યાજ વસૂલીને માનસિક રીતે ટોર્ચર કરે છે.

લોનના નામે કેવી રીતે થાય છે છેતરપિંડી?

જ્યારે કોઈ વ્યક્તિ સરળતાથી લોન મેળવવાની લાલચમાં ફસાય છે, ત્યારે તે અજાણતા મોટી ભૂલ કરી બેસે છે. એપ ઇન્સ્ટોલ કરતી વખતે યુઝર પાસેથી કોન્ટેક્ટ લિસ્ટ, ગેલેરીના ફોટો, મેસેજ, લોકેશન અને કેમેરા જેવી તમામ પર્સનલ પરમિશન માંગવામાં આવે છે. એકવાર તમે આ પરમિશન આપી દો એટલે ઠગાઈની રમત શરૂ થઈ જાય છે. તેઓ તમારા બેંક ડિટેલ્સ અને પર્સનલ ડેટા ચોરી લે છે. જો લોન મળી પણ જાય, તો સમયસર ચુકવણી કર્યા છતાં વધુ વ્યાજ અને હિડન ચાર્જના નામે ધમકીઓ આપવામાં આવે છે તેમજ તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા લોકોને ફોન કે મેસેજ કરીને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

ફેક લોન એપને કેવી રીતે ઓળખવી?

કોઈપણ લોન એપ ડાઉનલોડ કરતા પહેલા કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

  • રિવ્યૂ અને રેટિંગ: એપ ડાઉનલોડ કરતા પહેલા પ્લે સ્ટોર પર તેની રેટિંગ અને યુઝર રિવ્યૂ ચોક્કસ ચકાસો.
  • ઓફિશિયલ વેબસાઇટ: એપ કંપનીની અધિકૃત વેબસાઇટ અને આરબીઆઈ (RBI) રજિસ્ટ્રેશન અંગે તપાસ કરો.
  • વધારે પડતી પરમિશન: જો કોઈ એપ લોન આપવા માટે તમારી ગેલેરી કે કોન્ટેક્ટ્સની બિનજરૂરી પરમિશન માંગે તો સાવચેત થઈ જાવ.
  • અજાણી લિંકથી બચો: મેસેજ કે સોશિયલ મીડિયા પર આવેલી અજાણી લિંક કે APK ફાઈલ પરથી ક્યારેય એપ ઈન્સ્ટોલ કરશો નહીં.

જો છેતરપિંડી થાય તો શું કરવું?

જો તમે અજાણતા આવી કોઈ સાયબર છેતરપિંડીનો શિકાર બની જાવ, તો તરત જ તેની જાણ નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને તમારી બેંકને કરો. આ ઉપરાંત, તમારા મોબાઇલમાંથી તે ફેક એપને તુરંત ડિલીટ કરી દો અને તમારા તમામ મહત્ત્વપૂર્ણ એકાઉન્ટ તેમજ નેટ બેંકિંગના પાસવર્ડ બદલી નાખો.