Business

રેલવેમાં લાગુ થયો 5 ગણા દંડનો કાયદો, જાણો કઈ ભૂલ માટે કેટલા રૂપિયા ભરવા પડશે?

By GS Team
31 Aug 20263 mins read
TukuTouch Logo
ભારતીય રેલવેએ નિયમભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. દંડની રકમ 5 ગણી વધારી દેવાઈ છે, જેમાં ધૂમ્રપાન માટે ₹2,000 અને ટિકિટ વિના મુસાફરી કરવા બદલ ₹500નો દંડ કરાશે. મહિલા કોચમાં પુરુષોના પ્રવેશ પર હવે ₹2,500નો દંડ લાગશે. RPF દ્વારા જુલાઈમાં ₹7.5 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ નિયમો 'જન વિશ્વાસ (સુધારા અધિનિયમ) 2026' હેઠળ લાગુ કરાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રેલવેમાં લાગુ થયો 5 ગણા દંડનો કાયદો, જાણો કઈ ભૂલ માટે કેટલા રૂપિયા ભરવા પડશે?
AI Image

Indian Railways Hikes Fines Up To 5 Times: ભારતીય રેલવે પરિસરમાં અને ટ્રેનોમાં નિયમોનું ઉલ્લંઘન કરવું હવે મુસાફરો માટે ઘણું મોંઘું સાબિત થશે. રેલ મુસાફરીને વધુ સુરક્ષિત, સુવ્યવસ્થિત અને શિસ્તબદ્ધ બનાવવાના હેતુથી સંસદ દ્વારા પસાર કરાયેલા જન વિશ્વાસ (સુધારા અધિનિયમ) 2026 હેઠળ રેલવે અધિનિયમ, 1989માં વ્યાપક સુધારાઓ અમલી બનાવી દેવામાં આવ્યા છે. આ ઐતિહાસિક ફેરફારનો મુખ્ય ઉદ્દેશ્ય નાની-મોટી ભૂલો કે ઉલ્લંઘનોને ફોજદારી/ગુનાહિત શ્રેણીમાંથી બહાર કાઢીને કડક વહીવટી દંડ વસૂલવાનો છે.

મહિલા કોચમાં પુરુષોના પ્રવેશ પર હવે ₹2,500નો દંડ

ઉત્તર રેલવેના દિલ્હી ડિવિઝનમાં RPF દ્વારા સુધારેલા દંડના દરો અનુસાર સઘન કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે:

કડક નિયમ: મહિલા મુસાફરોની સુરક્ષા વધારવા માટે મહિલા અનામત બોગીમાં પુરુષોના ગેરકાયદે પ્રવેશ પરનો દંડ ₹500થી વધારીને સીધો ₹2,500 કરી દેવામાં આવ્યો છે.

જુલાઈ મહિનાની વસૂલાત: નવો નિયમ લાગુ થયા બાદ RPFએ માત્ર જુલાઈ મહિનામાં લેડીઝ કોચમાં સફર કરતા 302 પુરુષો પાસેથી આશરે ₹7.5 લાખનો દંડ વસૂલ કર્યો છે, જે જૂના દરો મુજબ મે મહિનામાં માત્ર ₹33,000 હતો.

રેલવેના વિવિધ ઉલ્લંઘનો પર નવા દંડની સંપૂર્ણ યાદી

સ્મોકિંગ: ટ્રેનની અંદર કે પ્લેટફોર્મ/સ્ટેશન પરિસરમાં સ્મોકિંગ કરવા પર પહેલાં ₹100નો દંડ હતો, જે હવે વધારીને ₹2,000 કરવામાં આવ્યો છે.

વિના ટિકિટ મુસાફરી: માન્ય ટિકિટ કે પાસ વગર ટ્રેનમાં મુસાફરી કરવા પર હવે ઓછામાં ઓછો ₹500નો દંડ વસૂલવામાં આવશે (પહેલાં આ રકમ ₹250 હતી).

લેડીઝ કોચમાં મુસાફરી: મહિલા આરક્ષિત કોચમાં મુસાફરી કરતા પકડાયેલા પુરુષ મુસાફર પર ₹2,500નો દંડ ફટકારાશે.

અનધિકૃત વેચાણ કે ભિક્ષાવૃત્તિ: પરવાનગી વગર ટ્રેન કે સ્ટેશન પર સામાન વેચવા અથવા ભીખ માંગતા પ્રથમ વખત પકડાવા પર ₹2,000નો દંડ લાગશે (જુલાઈ મહિનામાં આ કેટેગરીમાં ₹5.3 લાખનો દંડ વસૂલાયો).

કન્ફર્મ બર્થ પર ગેરકાયદે કબજો: અન્ય કોઈ મુસાફરની કન્ફર્મ સીટ કે બર્થ પર જબરદસ્તી કબજો જમાવી રાખવા બદલ ₹1,000 સુધીનો સિવિલ દંડ થશે.

દારૂ કે નશો કરીને હોબાળો: નશાની હાલતમાં ઉપદ્રવ મચાવવા પર ટ્રેનમાંથી બહાર કાઢવા ઉપરાંત 24 કલાકની જેલ અથવા ₹1,000નો દંડ થઈ શકે છે.

વિસ્ફોટક અને જોખમી સામગ્રી: પરવાનગી વગર ખતરનાક કે વિસ્ફોટક વસ્તુઓ સાથે લઈ જવા પર ₹10,000 સુધીનો ભારે દંડ ભરવો પડશે.

અનધિકૃત પ્રવેશ અને સ્ટાફની અવગણના: મંજૂરી વગર રેલવે ટ્રેક કે સ્ટેશન પરિસરમાં પ્રવેશવા પર જુલાઈમાં ₹5.9 લાખ અને રેલવે સ્ટાફ (ડ્રાઇવર, ગાર્ડ, TTE)ના નિર્દેશોની અવગણના કરવા બદલ ₹7.2 લાખનો દંડ વસૂલ કરાયો છે.

હવે દંડમાં નહીં મળે કોઈ માફી કે છૂટછાટ

સીનિયર RPF ડિવિઝનલ સિક્યોરિટી કમિશનર આશુતોષ પાંડેના જણાવ્યા અનુસાર, જન વિશ્વાસ એક્ટ લાગુ થવાથી કાયદાકીય અને વહીવટી પ્રક્રિયા બદલાઈ ગઈ છે. પહેલાં મુસાફરો નાણાકીય તંગીનું કારણ આપીને મેજિસ્ટ્રેટ કે અધિકારી પાસેથી દંડ ઓછો કરાવી શકતા હતા. પરંતુ હવે ₹500થી ₹2,500 સુધીનો ફિક્સ દંડ નક્કી કરવામાં આવ્યો છે, જેમાં કોઈ માફી, છૂટ કે ઘટાડાની જોગવાઈ રાખવામાં આવી નથી.

જન વિશ્વાસ કાયદાની 3 મુખ્ય લાક્ષણિકતાઓ

સ્પોટ પર કેસનો નિકાલ: નાની ભૂલો માટે RPF અથવા TTE દ્વારા સ્થળ પર જ વહીવટી દંડ વસૂલીને કેસ પૂરો કરી દેવામાં આવે છે. કોર્ટમાં કેસ માત્ર ત્યારે જ જશે જો મુસાફર નક્કી કરેલો દંડ ભરવાનો સ્પષ્ટ ઇનકાર કરે.

સ્પષ્ટ કાયદાકીય ભેદરેખા: અધિકારીઓ દ્વારા વસૂલાતી વહીવટી પેનલ્ટી અને કોર્ટ દ્વારા અપાતા દંડ વચ્ચેની મર્યાદા સ્પષ્ટ કરવામાં આવી છે.

દર 3 વર્ષે 10%નો વધારો: મોંઘવારીને ધ્યાનમાં રાખીને અને કાયદાનો ડર જાળવી રાખવા માટે તમામ દંડની રકમમાં દર 3 વર્ષે આપમેળે 10%નો વધારો થવાની કાનૂની જોગવાઈ ઉમેરવામાં આવી છે.