તમે સમજો, યુપીઆઈ પર ચાર્જ એ નોટબંધીનું પ્રાયશ્ચિત છે

- સ્માઇલ ઇન્ડેક્સ-વ્યર્થશાસ્ત્રી
- પૈસા ચૂકવવાના પણ પૈસા આપવાના… બોલો, આનાથી વધારે કેટલો વિકાસ જોઈએ છે?
બેન્કમાં અચાનક બે-ચાર ઘરાકો ધસી આવ્યા.'પાવલી લાવો…દસના સિક્કા પાછા ચાલુ કરો… લ્યો આ ૫૦૦ની નોટનું બંડલ અને તેટલી જ રકમના ૫૦-૫૦ પૈસાના સિક્કા આપો…'
કેશિયર ડઘાઈ ગયો. ' કાંઈ ભાનબાન પડે છે કે નહીં? પાવલી ચલણમાંથી રદ થઈ ગયાને ૧૫ વર્ષ થઈ ગયાં. ૫૦ પૈસાના સિક્કા ? લ્યા, મેં પોતે છેલ્લે ૫૦ પૈસાનો સિક્કો ક્યારે જોયો હતો તે યાદ નથી.'
બૂમાબૂમ સાંભળી મેનેજર દોડી આવ્યા. તેમણે કેશિયરને ખખડાવ્યો. 'ગ્રાહક તો દેવતા કહેવાય. આ જ ગ્રાહક ભવિષ્યમાં આપણી પાસેથી લોન લેશે અને આપણી ઈન્શ્યોરન્સ સ્કિમોમાં રોકાણ કરશે. તેમની સાથે જરા પ્રેમથી વાત કરો, મારા ભાઈ.'
એક ગ્રાહક કહે, 'બરાબર, તો જેમ ભગવાનના મંદિરમાં સિક્કા ધરાવો છો તેમ આ ગ્રાહક દેવતા માટે પાવલી પાછી ચાલુ કરો ને ૫૦ પૈસાના સિક્કા આપો. ક્યાંય જૂના ટંકશાળમાં પડયા હોય તો પાંચ-દસ પૈસાના પણ સિક્કા લાવો.'
મેનેજર ગભરાતાં ગભરાતાં કહે, 'શું છે? તમારે કોઈ હોમ મ્યુઝિયમ ચાલુ કરવાનું છે?'
બીજા ગ્રાહક કહે,'બોસ, રુપિયા-પૈસા કલેક્શનમાં રાખી શકાય એટલો વિકાસ હજુ નથી થયો. તેને બદલે વિકાસ એવો થયો છે કે પૈસા ચૂકવવાના પણ પૈસા આપવાના છે. અમારે તો યુપીઆઈના બદલામાં હવે રોકડનો વ્યવહાર કરવાનો છે એટલે છૂટા પૈસા જોઈએ છીએ.'
હવે મેનેજરને બત્તી થઈ. 'એક મિનિટ… ભલા માણસ, યુપીઆઈ ચાર્જેબલ થવાનું છે એની વાત કરો છો ? અરે યાર, એ તો બે હજારથી ઉપરના પેમેન્ટ પર જ ચાર્જેબલ થશે. અને એય પૈસા વેપારીએ આપવાના છે , તમારે ઘરાકે નહીં.'
'બોસ, આ દુનિયાનો કયો એવો વેપારી છે જે કોઈપણ પ્રકારના સરકારી ચાર્જ પોતે ભોગવે અને ગ્રાહકના માથે ન નાખે? આખરે બધો ભાર તો કન્યાની કેડ પર જ છે. આજકાલ જીએસટીના દરોને કારણે વસ્તુનો ભાવ ૨૨૪૬. ૬૫ પૈસા એવો હોય તો વેપારી તો યુપીઆઈ પેમેન્ટના વધારે પૈસા માગશે. ઘણા વેપારી ક્રેડિટ કાર્ડથી પેમેન્ટના વધારાનો ચાર્જ માગે છે તેમ જ. લખી રાખો. છૂટાની બહુ બબાલ થવાની છે. આજે અમે થોડાક લોકો બેન્ક પર આવ્યા છીએ, આવતા દિવસોમાં તો ટોળે ટોળાં સિક્કા લેવા આવશે. હવે નોટો વધારે છપાવી રાખજો.'
મેનેજર જેમ તેમ કરીને ગ્રાહકોને રવાના કર્યા પછી ઉપરી અધિકારીઓને જાણ કરવા દોડયા. ઉપરી અધિકારી કહે, 'મિસ્ટર મેનેજર, તમને યાદ છે નોટબંધી વખતે આપણે વાતો કરતા હતા કે એના લીધે કેશલેસ ઈકોનોમી થઈ જશે, ડિજિટિલ ઈકોનોમી બનશે, રોકડ વ્યવહારો બંધ થશે? આપણે નાખ્યાં છે એ બધાં એટીએમ ઉખાડી લેવાં પડશે. કાગળની નોટો તો મ્યુઝિયમમાં જતી રહેશે…'
'હા, તો ?' મેનેજરે પૂછ્યું, ' મારે ગ્રાહકને આ બધી વાતો કરવાની છે?'
'અરે ના, ના…તમારે તો ગ્રાહકોને એમ જ કહેવાનું છે કે આ યુપીઆઈ પરનો ચાર્જ એ તો નોટબંધીનું પ્રાયશ્ચિત છે….'
આટલું કહેતાં ઉપરી અધિકારીએ ધુ્રસ્કુ નાખ્યું. મેનેજરની આંખમાં પણ પાણી આવી ગયાં.
સ્માઈલ ટિપ
શોર્ટ સ્ટોરીઃ એક હતી કેશલેસ ઈકોનોમી…વાર્તા પૂરી.









