For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કઠોળની આયાત વધારવા હવે બ્રાઝીલ તથા આર્જેન્ટીના તરફ ઈમ્પોર્ટરોની નજર!

Updated: Apr 29th, 2024

કઠોળની આયાત વધારવા હવે બ્રાઝીલ તથા આર્જેન્ટીના તરફ ઈમ્પોર્ટરોની નજર!

- ઉભી બજારે : દિલીપ શાહ

- જાન્યુઆરીથી માર્ચમાં કઠોળની આયાતમાં પીછેહટ નોંધાતા હવે ચૂંટણી ટાંણે ઈમ્પોર્ટ સપ્લાય વધારવા સરકાર ગતિમાં આવી

દે શમાં દાળ તથા કઠોળની બજારોમાં તાજેતરમાં સમીકરણો બદલાતા જોવા મળ્યા છે. એક બાજુ ચૂંટણીનો પવન શરૂ થયો છે ત્યારે બીજી તરફ દાળ કઠોળ બજારમાં વિશેષરૂપે તુવેરદાળના ભાવ ઉંચા જતા જોવા મળતાં સરકાર તેના પર બારીક નજર રાખતી પણ દેખાઈ છે. ભારતમાં વિવિધ કઠોળનું ઘરઆંગણે જેટલું ઉત્પાદન થાય છે તેની સરખામણીએ દેશમાં તેની માગ વધુ રહેતી હોવાથી આપણે આયાતી કઠોળ પર પણ આધાર રાખવો પડે છે અને આવો આધાર રાખવો પડે છે અને આવો આધાર ઘટાડવા ઘરઆંગણે વિવિધ કઠોળનું ઉત્પાદન વધારવા માટે પણ સરકાર પ્રયત્નો કરતી જોવા મળી છે. ૨૦૨૭ સુધીમાં દેશને કઠોળના સંદર્ભમાં સ્વાવલંબી બનાવવાનો ટારગેટ સરકારે બનાવ્યો છે પરંતુ આ ટારગેટ હાંસલ કરવા ભગીરથ પ્રયત્નો કરવા પડે તેમ છે. આ માટે વિવિધ કઠોળના વાવેતર હેઠળનો વિસ્તાર વધારવો પડશે તથા વિવિધ કઠોળની હેકટરદીઠ પેદાશ પણ વધારવી પડશે એવું કઠોળ બજારના સૂત્રોએ જણાવ્યું હતું. કઠોળની આવી હેકટરદીઠ પેદાશ વૈશ્વિક સરેરાશની સરખામણીએ ભારતમાં ખાસ્સી નીચી રહી છે તે ઉંચે લઈ જવી જરૂરી છે એવું કૃષી તજજ્ઞાો ભારપૂર્વક જણાવી રહ્યા હતા. આના માટે ખેડૂતોમાં જાગૃતી લાવવા તથા ખેતીમાં આધુનીકરણ લાવવા ઉપરાંત ઉચ્ચ ગુણવત્તાવાળું બિયારણ, ખાતર વિ.નો પ્રયોગ કરવો આવશ્યક જણાય છે. દરમિયાન, દેશમાં તાજેતરમાં કઠોળની આયાત વર્તમાન વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં જાન્યુઆરીથી માર્ચના ગાળામાં આશરે ૨૯થી ૩૦ ટકા જેટલી ઘટી હોવાના વાવડ મળ્યા હતા.  આ ૩ મહિનામાં દેશમાં મસુર, તુવેર તથા અડદની કુલ આયાત ઘટી આશર ૫ લાખ ૧૬થી ૧૭ હજાર ટન નોંધાઈ છે જે પાછલા વર્ષના આ ગાળામાં થયેલી આયાતની સરખામણીએ આશરે ૨૯થી ૩૦ ટકા ઓછી થઈ હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.ગયા વર્ષે  આ ગાળામાં આવી આયાત ૭ લાખ ૨૪થી ૨૫ હજાર ટન નોંધાઈ હતી. આ વર્ષે વૈશ્વિક સ્તરે કઠોળની સપ્લાય આ ગાળામાં ઘટી હોવાની વાતો પણ બજારમાં ચર્ચાઈ રહી હતી.  ભારતની માગ વધુ વધશે એવી ગણતરી એ વિશ્વ બજારના સેલર્સ દ્વારા વેચવાલી પણ આ ગાળામાં અપેક્ષાથી ઓછી રહી હોવાનું તજજ્ઞાોએ જણાવ્યું હતું. વૈશ્વિક સ્તરે તુવેરનું ઉત્પાદન ઘટયું છે. ભારતમાં જાન્યુઆરીથી માર્ચના ગાળામાં તુવેરની આયાત ઘટી ૧ લાખ ૨૨થી ૨૩ હજાર ટન થઈ છે જે પાછલા વર્ષે આ ગાળામાં ૨ લાખ ૫૨થી ૫૩ હજાર ટન નોંધાઈ હતી. ભારતમાં તુવેરની માગ ૪૫ લાખ ટન અંદાજાય છે સામે ઉત્પાદન ૩૩ લાખ ટન અંદાજાઈ રહ્યું છે.

૩ મહિનામાં દેશમાં અડદની આયાત ૧ લાખ ૩૯થી ૪૦ હજાર ટનથી ઘટી ૧ લાખ ૨૮થી ૨૯ હજાર ટન થઈ છે. જયારે આ ગાળામાં મસુરની આયાત ૩ લાખ ૩૩થી ૩૪ હજાર ટનથી ઘટી ૨ લાખ ૬૫થી ૬૬ હજાર ટન જેટલી થઈ છે. દેશમાં મસુર ઉત્પાદન ૧૬ લાખ ટન અંદાજાઈ રહ્યું તથા કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં પણ મસુરનો પાક આ વર્ષે સારો મનાઈ રહ્યો છે. ભારતમાં પાછલી સતત બે ખરીફ મોસમોમાં તુવેર તથા અડદનો પાક ઓછો ઉતર્યો છે. ભારતમાં ૨૦૨૩ના કેલેન્ડર વર્ષમાં જાન્યુઆરીથી ડિસેમ્બરમાં વિવિધ કઠોળની કુલ આયાત વધી ૨૯ લાખ ૮૦ હજાર ટન થઈ હતી. ભારતમાં કઠોળની કુલ વાર્ષિક માંગ ૨૮૦ લાખ ટન જેટલી રહે છે. દરમિયાન, દેશના દાળ-કઠોળ બજારોમાં તાજેતરમાં ટૂંકાગાળામાં તુવેરદાળ તથા મગદાળના ભાવ ખાસ્સા ઉંચા ગયા છે. મુંબઈમાં તુવેરદાળની માગ દૈનિક સરેરાશ પાંચ ટન રહે છે તેની સામે હાલ દૈનિક સપ્લાય માત્ર ૩ ટન આવી રહ્યાનું જાણકારોએ જણાવ્યું હતું. તુવેરદાળના હોલસેલ ભાવ માર્ચમાં કિલોના રૂ.૧૩૫થી ૧૪૫ હતા તે તાજેતરમાં વધી રૂ.૧૫૮થી ૧૬૦ જ્યારે છૂટક બજારમાં ભાવ રૂ.૧૫૫ વાળા રૂ.૧૭૦થી ૧૯૦ થયા હતા. મગદાળ, અડદદાળ, ચણા વિ.ના ભાવ પણ ઉંચા બોલાતા થયા હતા.

Gujarat