પશ્ચિમના દેશોની તુલનાએ દેશમાં કૃષિ ક્ષેત્રે વર્કફોર્સનું પ્રમાણ ઊંચું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા
આજથી ત્રીસેક વર્ષ પહેલાં ભારતમા કૃષિ ક્ષેત્ર ઘણુ નબળું ગણાયું હતું પરંતુ મનમોહનસીંઘ તેમજ હાલની સરકાર હેઠળ ભારતે કૃષિ ક્ષેત્રે ઘણી સારી પ્રગતિ કરી છે. હવે ભારત એટલે ગરીબ વરસાદ માટે સતત આકાશતરફ નજર રાખનારા ખેડૂતોનો દેશ ગણાતો નથી. ૧૯૯૦-૧૯૯૧ પછી ભારતનું કૃષિ ક્ષેત્રે પણ હવે ભારરતના ગરીબ ખેડૂતો જેમ બીચારૂ બાપડુ રહ્યું નથી. અત્યારે ભારતમા ૫૬ ટકા ખેતી સીંચાઈ હેઠળ થાય છે. ભારતના અર્થકારણ વિષે પહેલા કહેવાતુ કે એક ખરાબ ચોમાસુ ભારતના અર્થકારણને તબાહ કરી નાંખે છે. હવે ભારતનું અર્થકારણ ચોમાસાની નિષ્ફળતાને કારણે તબાહ થઇ જતું નથી. ૧૯૫૦-૧૯૫૧મા ભારતમા માત્ર ૧૭.૧ ટકા ખેતરોમાં સીંચાઈની સગવડ હતી. ૧૯૭૯-૧૯૮૦માં તે વધીને ૨૯ ટકા થઇ ગઇ અને તે પછી ઉપર જોયું તેમ આજે તે ૫૬ ટકા પર પહોંચી ગઈ છે. આ ગાળામાં ઘણાં ખેડૂતો પણ સમૃદ્ધ થયા છે. સમૃદ્ધ ખેડૂતોએ ટ્રેકટર્સ અને પ્રેસર્સની મોટેપાયે ખરીદી કરી છે. ૧૯૫૦-૧૯૫૧મા ભારતમા ટ્રેકટર્સની સંખ્યા માત્ર ૮૫૦૦ હતી તે આજે વધીને અધધધ ૧.૨ કરોડ પર પહોંચી ગઈ છે. ભારતમા ટ્રેકટર્સની સંખ્યા ઝડપથી વધતી જાય છે તેનો ખ્યાલ એ બાબતથી આવશે કે ૨૦૨૫-૨૦૨૬ના ફા. વર્ષમા ભારતમા ૧૧.૬ લાખ ટ્રેકટર્સનું વેચાણ થયું હતું. ભારતના ખેતરોના કદ (ક્ષેત્રફળ)મા નાના હોવા છતા ભારતના ખેડૂતો ધડાકાબંધ ટ્રેકટર્સની ખરીદી કરે છે અને નાના ખેડૂતોને ટ્રેકટર્સ ભાડે પણ આપે છે.
ભારતમા કૃષિક્ષેત્રે ફા.વ. ૨૦૧૬ થી ફા.વ. ૨૦૨૫ના દસ વર્ષ દરમિયાન ૪.૪૫ ટકાના દરે પ્રગતિ કરી છે જ્યારે ભારતમા વસતી વધારાનો દર હવે .૮૮ ટકા (એક ટકાથી પણ ઓછો) પર પહોંચી ગયો છે. કૃષી ક્ષેત્રે જે ઉત્પાદન થાય છે તેનો એક ભાગ ખાદ્ય પદાર્થો (ફુડ) (જેમ કે ઘઉં, ચોખા, કઠોળ, તેલીબીયા)નું ઉત્પાદન છે અને તેમાં પણ છેલ્લા દસ વર્ષમા સરેરાશ ૪ ટકાના દરે વૃદ્ધિ થઇ છે. ૨૦૧૫-૨૦૧૬મા ભારતમા અન્ન ઉત્પાદન ૨૫.૧૫ કરોડ ટન હતું તે ૨૦૨૪-૨૦૨૫મા વધીને ૩૫.૭૭ કરોડ ટન પર પહોંચી ગયું છે. શાકભાજીનું ઉત્પાદન આ ગાળામા ૨૮ કરોડ ટનથી વધીને ૩૫ કરોડ ટન પર પહોંચી ગયું છે. જગતના દુધ ઉત્પાદનમા ભારત વોલ્યુમની દ્રષ્ટિએ નંબર ૧ના સ્થાન પર છે.
ભારતે કૃષિ ક્ષેત્રે બન્ને પ્રકારની સરકાર હેઠળ ગણનાપાત્ર પ્રગતિ કરી હોવા છતાં એક બાબત અર્થકારણની દ્રષ્ટિએ ખૂંચે તેવી છે. તે બાબત એ કે ભારતના ખેતી ક્ષેત્ર તથા તેને સંલગ્ન ક્ષેત્રમાં ભારતના કુલ વર્કફોર્સના ૪૬.૧ ટકા લોકો કામ કરે છે. ખેતીક્ષેત્ર તથા તેને સંલગ્ન ક્ષેત્રમા કામ કરનારાઓમાં ૬૪ ટકા સંખ્યા સ્ત્રીઓની છે તેઓને ઘરકામ ઉપરાંત ખેતીકામ સંભાળવું પડે છે. ભારતીય અર્થકારણની મુખ્ય નબળાઈ એ છે કે તેના કુલ વર્કફોર્સમા ઔદ્યોગીક ક્ષેત્રે (મેન્યુફેકચરીંગ અને માઇનીંગ અને કન્સ્ટ્રકશન) લગભગ ૨૪.૫ ટકા લોકો કામ કરે છે અને સેવા ક્ષેત્રે (વ્યાપાર, હોટલ અને રેસ્ટોરાં, આરોગ્ય અને ટ્રાન્સપોર્ટેશન, આઈટી, બેંકીંગ, ફાયનાન્સ વગેરે) ભારતના કુલ વર્ક ફોર્સના ૩૧થી ૩૨ ટકા લોકો કામ કરે છે અને ઉપર જોયુ તેમ લગભગ ૪૬ ટકા લોકો કૃષિક્ષેત્રે કામ કરે છે. અમેરીકાના કુલ વર્કફોર્સમા ખેતીક્ષેત્રે કામ કરનારા કુલ વર્કીંગ ફોર્સના માત્ર ૧ ટકા થી ૧.૩ ટકા છે. ફ્રાંસમા આ ટકાવારી ૨થી ૨.૫ છે. જર્મનીમા તે ૧થી ૧.૨ ટકા છે અને યુ.કે.મા ૧થી ૧.૩ ટકા છે. પશ્ચિમ જગતના દેશોમાં ખેતીવાડી ક્ષેત્રે એટલું જબરજસ્ત યંત્રીકરણ અને હવે કોમ્પ્યુટરીકરણ (આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ સહિત)થયું છે કે તેઓની વસતીનો બહુ જ ઓછો ભાગ ખેતીવાડી અને પશુપાલન ક્ષેત્રે જબરજસ્ત ઉત્પાદન કરે છે. હવે ખેતીવાડી ક્ષેત્રે ચીન તેના જબરજસ્ત ઉત્પાદનને કારણે નંબર એકના સ્થાન પર છે છતાં ચીનમા ખેત ઉત્પાદન અને તેને સંલગ્ન ક્ષેત્રે (દા.ત. પશુપાલન) તેના મુળ વર્ક ફોર્સના પાત્ર ૨૨ ટકા કામ કરે છે. ટૂંકમા ચીનના ખેતીક્ષેત્રની માનવદીઠ ઉત્પાદકતા ભારત કરતા ઘણી વધારે છે.




