For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચાકરીયાત ઈનામ જમીનો ગામ નોકરોને સેવાના ભાગ તરીકે આપવામાં આવતી

Updated: Jul 10th, 2022

ચાકરીયાત ઈનામ જમીનો ગામ નોકરોને સેવાના ભાગ તરીકે આપવામાં આવતી

- લોકાભિમુખ માર્ગદર્શન-- એચ.એસ. પટેલ IAS (નિ.)

- જમીનોના જુદા જુદા સત્તા પ્રકારના નાબૂદી કાયદાઓ પૈકી મુંબઈ રૈયત ઉપયોગી ચાકરીયાત ઈનામ નાબૂદી અધિનિયમ ૧૯૫૩ અન્વયે મહેસૂલ વિભાગનું સ્પષ્ટીકરણ 

ગતાંકથી ચાલુ ...

જુદા જુદા સત્તા પ્રકાર (Tenures) નાબુદી અધિનિયમો હેઠળ રાજ્ય સરકારે તા.૨૭-૫-૨૦૨૨ના ઠરાવથી જે સ્પષ્ટતાઓ કરી છે તે પૈકી મુંબઈ રૈયત ઉપયોગી (useful to community)  ચાકરિયાત ઈનામ એબોલીશન એક્ટ - ૧૯૫૩ હેઠળ કાયદાની જોગવાઈઓમાં અમલીકરણની બાબતોમાં મહેસૂલી અધિકારીઓ દ્વારા આ સંદર્ભે અવારનવાર જુદા જુદા અર્થઘટનોને કારણે અર્થઘટનમાં એકસૂત્રતા ન હતી અને સરકારના મહેસૂલ વિભાગનું માર્ગદર્શન માંગવામાં આવતું. જેથી સરકારે જે સ્પષ્ટીકરણ કર્યું છે તે મુદ્દા ઉપર જઈએ તે પહેલાં આમ જનતાની જાણકારી માટે ઘણા લોકોને મહેસૂલી પરિભાષાના 'રૈયત' અને 'રૈયતવારી' શું છે તે સમજ આપવી જરૂરી છે અને તે મુજબ અંગ્રેજ શાસન વ્યવસ્થા દરમ્યાન 'રૈયત' '‘Rayat'' એટલે 'પ્રજા' Subject અને રૈયતવારી એટલે પ્રજા પાસેથી જમીન ખેડતા કબજેદારો પાસેથી સરકાર સીધુ મહેસૂલ વસુલ કરવામાં આવતી પ્રથાને રૈયતવારી કહેવામાં આવે છે. 'રૈયતવારી' મહેસૂલી પ્રથા બિર્ટીશ શાસનના મુંબઈ પ્રાન્તમાં અને મદ્રાસમાં અમલી હતી. હવે રૈયત ઉપયોગી ચાકરીયાત જમીનના સત્તા પ્રકારમાં ખાસ કરીને ગામ નોકરો રાખવામાં આવતા જેને પસાયતા ચાકરીયાત તરીકે પણ ઓળખાતા. જેમને ગામની સેવાના ભાગરૂપે જમીન આપવામાં આવતી એટલે તેમને રૈયત ઉપયોગી ચાકરીયાત ઈનામી જમીન તરીકે ઓળખવામાં આવતી.

રૈયત ઉપયોગી જમીનોના કાયદાની કલમ-૪(૧) મુજબ મુંબઈ રેન્ટ ફ્રી એસ્ટેટ એક્ટ - ૧૮૫૨ના નિયમ-૮ના શિડયુઅલ બી મુજબ કાયદેસર રીતે નિકાલ કરેલ જમીન મહેસૂલ માફીને બદલે જમીન મહેસૂલપાત્ર ઠેરવી છે (Liable for land Revenue) અને આવી જમીનો ચાકરીયાત ઈનામ ધારણ કરનારના કબજામાં હોય અથવા તેના દ્વારા કાયદેસરના ધારણ કરનારના કબજામાં હોય તો તેવા ધારણ કરનારના કબજાહક્ક હુકમની શરતોને આધીન ગણવાની છે. જે ચાકરીયાત ઈનામો પાછા લઈ લેવામાં આવેલ હોય અને જમીન સરકાર દાખલ થયેલ હોય તેવા ગામોમાં કે તેવી જમીનોના ભાગમાં કોઈ કનિષ્ઠ ધારણ કરનાર (Liable for land Revenue) વાર્ષિક આકાર ભરીને જમીનની ગ્રાન્ટ ચાકરીયાત ઈનામ તરીકે અપાયા પહેલાંથી ધારણ કરતો હોય તો તે બિનદુમાલા જમીનના નિયમો મુજબ જમીનનો ભોગવટો કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના તબદીલ કે ભાગલા ન કરવાની શરતે ચાલુ રાખી શકશે અને આવા ચાલુ રાખેલ જમીનના કબજા હક્કવાળી જમીન નવી અને અવિભાજ્ય શરતની ગણાશે.

આ કાયદાની કલમ-૫(૧) મુજબ મુંબઈ ફ્રી એસ્ટેટ એક્ટ - ૧૮૫૨ના નિયમ-૮ના શિડયઅલ બી મુજબ જે જમીનોનો કાયદેસર નિકાલ ન થયો હોય તેવી જમીનો સરકાર નિહિત કરીને જમીન મહેસૂલને પાત્ર ઠરાવી છે અને બિનદુમાલા જમીનના નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આ કાયદાની કલમ-૫(૧) મુજબ કાયદાનુસાર નિકાલ ન થયેલ હોય તેવી તમામ સર્વિસ ઈનામ જમીનો સરકાર પરત (Resume) કરીને નિયત દિવસ એટલે કે તા.૧-૧૨-૧૯૫૪ના પાંચ વર્ષમાં આકારની છ પટ્ટ જેટલી કબજા કિંમત વસુલ લઈને રીગ્રાન્ટ કરેલી જમીનો નવી અને અવિભાજય શરતની ગણાશે. પરંતુ નિયત દિવસથી પાંચ વર્ષમાં કબજા કિંમત ભરેલ ન હોય તો અન અધિકૃત કબજો ગણીને જમીન મહેસૂલ અધિનિયમ મુજબ સંક્ષિપ્ત રીતે (Summarily eviction) દૂર કરાવવાને પાત્ર ઠરે છે. જે કિસ્સાઓ જમીન નવી શરત / પ્રતિબંધિત સત્તા પ્રકારે કબજા હક્ક આપવામાં આવ્યા હોય તેવા કિસ્સાઓમાં મહેસૂલી દફતરમાં એટલે કે ૭/૧૨માં ભુલથી સત્તા પ્રકારમાં જૂની શરત દર્શાવી હોય તો તે કિસ્સામાં હક્કપત્ર ગામના નમુના નં.૬માં પ્રતિબંધિત સત્તા પ્રકાર બતાવેલ હોય અને ૭/૧૨માં જૂની શરત દર્શાવેલ હોય તો તે કિસ્સાઓમાં મહેસૂલી રેકર્ડની ખરાઈ કરી આવા કિસ્સાઓમાં જમીનોના વેચાણ પણ થયા હોય અને મહેસૂલી અધિકારીઓએ નોંધો મંજૂર કરી હોય તો તેવા કિસ્સામાં મહેસૂલ વિભાગના તા.૧૭-૩-૨૦૧૭ પરિપત્ર મુજબ સરકારશ્રીએ પ્રિમિયમ વસુલ થતું હોવાથી આવા શુધ્ધબુધ્ધિપૂર્વકના વ્યવહારો વિનયમિત કરવાના છે. રૈયત ઉપયોગી જમીનના એબોલીશન એક્ટ ૧૯૫૩ હેઠળ ચાલતા મહેસૂલી કેસો અને આવી જમીનોમાં ખેતી સિવાયની ઉપયોગની હેતુફેરની મંજૂરીઓ વિગેરેના નિર્ણયો માટે મહેસૂલી રેકર્ડ તથા આ મહેસૂલ વિભાગના તા.૨૭-૫-૨૦૨૨ના ઠરાવથી જે સ્પષ્ટતાઓ કરવામાં આવી છે તે લાગુ પડશે. આમ રૈયત ઉપયોગી ચાકરીયાત જમીનો મોટા ભાગે ગામ નોકર તરીકે સેવાના ભાગરૂપે આપેલ હોય મોટા ભાગની આ જમીનો નવી અને અવિભાજય શરતની ગણાય છે.

Gujarat