Business Plus

અમેરિકા સાથે ન્યૂક્લિયર એગ્રીમેન્ટ કરવાની સાઉદી અરેબિયાની ચાલ

By GS Team
9 Aug 20264 mins read
અમેરિકા સાથે ન્યૂક્લિયર એગ્રીમેન્ટ કરવાની સાઉદી અરેબિયાની ચાલ
  • મક્કા-મદીના જેવા પવિત્ર સ્થળો સાઉદીમાં આવેલા છે
  • અબ્રાહમ એકોર્ડ એટલે હા પાડે તો હાથ કપાય, ના પાડે તો નાક કપાય

ઇઝરાયેલ એક એવી પ્રજાતિ છે કે જે અમેરિકાના પ્રમુખને પણ નચાવી શકે છે અને અમેરિકન પ્રમુખને નાચવું પણ પડે છે. મિડલ ઇસ્ટનો કોઈ પણ નિર્ણય ઇઝરાયેલને પૂછયા વગર લઈ નથી શકાતો આ હકીકત છે. કારણો એક નહીં અનેક છે.
ભારતના અમેરિકા સાથે થયેલા ૨૦૦૫ના સિવિલ ન્યુક્લીયર એગ્રીમેન્ટ બાદ સાઉદી પણ આ કરાર માટે કૂદતું હતું. પરંતુ અમેરિકા તેને રાબેતા મુજબ ભાવ આપતું ન હતું. ટ્રમ્પ સત્તા પર આવ્યા બાદ સાઉદીના ૬૫૦ ટ્રિલિયન ડોલરના જંગી રોકાણ બાદ પણ અમેરિકાએ સાઉદીને ચણો ચખાડયો નહી. સાઉદીએ પણ સતત આગ્રહ ચાલુ રાખ્યો અને અમેરિકાએ આ કરાર તરફ આગળ વધવાની તૈયારી બતાવી. પરંતુ આ કરારની મુખ્ય શરત એ છે કે સાઉદી 'અબ્રાહમ એકોર્ડ'ને સાઈન કરે. જે મક્કા અને મદીના જેવા પવિત્ર સ્થળો સાઉદીમાં આવેલા છે. એ સાઉદી ઇસ્લામના કટ્ટર એવા યહૂદીઓ સાથે 'અબ્રાહમ એકોર્ડ' કરે એટલે હા પાડે તો હાથ કપાય અને ના પાડે તો નાક કપાય આવી સ્થિતિમાં સાઉદી આવી ગયું છે.
સાઉદી અરેબિયા પોતાના દેશમાં સિવિલ ન્યુક્લીયર એગ્રીમેન્ટ ક્ષમતા વિકસાવવા માટે અમેરિકા સાથે એક મોટો કોન્ટ્રાક્ટ કરવા જઈ રહ્યું છે. આ કરાર હેઠળ સાઉદી અરેબિયા અમેરિકાની મદદથી પોતાના દેશમાં રિયએક્ટર્સ અને ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ સ્થાપવા માંગે છે. સાઉદી અરેબિયાનું કહેવું છે કે ભવિષ્યમાં વધતી જતી વીજળીની માંગ, મોટા ડેટા સેન્ટર્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી અને દરિયાઈ પાણીને પીવાલાયક બનાવવા - ડિસેલિનેશન માટે તેને અખૂટ ઉર્જાની તાતી જરૂરિયાત છે. આ બાબતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની સરકાર સાઉદી અરેબિયા સાથે કરાર કરવા માટે આગળ વધી રહી છે.
પરંતુ, આ ન્યુક્લિયર ડીલ અમેરિકાના રાજકારણમાં, ખાસ કરીને કન્ઝર્વેટિવ્સ (રૂઢિચુસ્ત રાજકારણીઓ) વચ્ચે વિવાદનું કારણ બની છે. વિરોધ કરનારા નેતાઓ અને આંતરરાષ્ટ્રીય વિશ્લેષકોની મુખ્ય ચિંતા એ છે કે જો સાઉદી અરેબિયાને ન્યુક્લિયર ટેકનોલોજી આપવામાં આવે અને તેને પોતાની ધરતી પર યુરેનિયમ એન્રિચમેન્ટ કરવાનો અધિકાર મળે, તો તે ભવિષ્યમાં સિવિલ પ્રોજેક્ટમાંથી પરમાણુ હથિયાર પણ બનાવી શકે છે. આ કારણે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો અને અન્ય અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે સાઉદી અરેબિયા સાથે થનારા આ કરારમાં યુરેનિયમ સંવર્ધનની મંજૂરી આપવામાં આવશે નહીં.
આ કરાર પાછળ એક મોટી જીયો પોલિટિકલ અને રાજદ્વારી શરત પણ જોડાયેલી છે. ટ્રમ્પ પ્રશાસને શરત મૂકી છે કે આ પરમાણુ કરારનો અમલ ત્યારે જ થશે જ્યારે સાઉદી અરેબિયા ઇઝરાયેલ સાથેના પોતાના સંબંધો સામાન્ય બનાવશે અને 'અબ્રાહમ એકોર્ડ્સ' પર હસ્તાક્ષર કરશે. આ મધ્ય પૂર્વમાં શાંતિ અને સ્થિરતા લાવવા માટે અમેરિકાની એક મોટી વ્યૂહરચનાનો ભાગ છે, જેનાથી ઇઝરાયેલ અને અરબ દેશો વચ્ચે સહયોગ વધી શકે.
સાઉદી અરેબિયા દ્વારા સિવિલ ન્યુક્લિયર પાવર માગવા પાછળ એક ચિંતા મધ્ય પૂર્વના અન્ય દેશો, ખાસ કરીને ઈરાન સાથેની હરીફાઈ છે. સાઉદી અરેબિયાના નેતાઓ ભૂતકાળમાં કહી ચૂક્યા છે કે જો ઈરાન પરમાણુ બોમ્બ બનાવશે તો તેઓ પણ સુરક્ષા માટે પરમાણુ શસ્ત્રો પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરશે. તેથી, અમેરિકી કન્ઝર્વેટિવ્સ એ વાત પર ભાર મૂકી રહ્યા છે કે સાઉદીને માત્ર વીજળી ઉત્પન્ન કરવા પૂરતી જ ટેકનોલોજી આપવી જોઈએ અને તેની પર કડક આંતરરાષ્ટ્રીય દેખરેખ રાખવી જોઈએ જેથી મધ્ય પૂર્વમાં પરમાણુ શસ્ત્રોની નવી રેસ શરૂ ન થાય.
આ બધા સમીકરણો વચ્ચે પાકિસ્તાન સાથેના સાઉદી અરેબિયાના સંબંધો પણ ચર્ચાનો વિષય બને છે. લાંબા સમયથી એવી અટકળો ચાલી રહી છે કે જો સાઉદી અરેબિયાને ક્યારેય પરમાણુ હથિયારોની જરૂર પડશે, તો તે તેના જૂના લશ્કરી મિત્ર પાકિસ્તાન પાસેથી મદદ મેળવી શકે છે.
જોકે, પાકિસ્તાન અને સાઉદી અરેબિયા બંનેએ આવી કોઈ ગુપ્ત ડીલનો જાહેરમાં હંમેશા ઇનકાર કર્યો છે. આમ છતાં, આંતરરાષ્ટ્રીય સમુદાય સાઉદી અરેબિયાના પરમાણુ પગલાં પર ખૂબ જ ઝીણવટભરી નજર રાખી રહ્યો છે.
જો આ કોન્ટ્રાક્ટ સફળતાપૂર્વક પૂર્ણ થાય છે, તો સાઉદી અરેબિયાની ઉર્જા ક્ષેત્રની નિર્ભરતા તેલ પરથી ઘટી જશે અને તેને ક્લીન એનર્જી પ્રાપ્ત થશે. અમેરિકા માટે પણ સાઉદીમાં અબજો ડોલરનું રોકાણ લાવવાની આ મોટી તક છે. પરંતુ, જો યુરેનિયમ સંવર્ધન અને સલામતીના કડક નિયમોનું પાલન કરવામાં નહીં આવે, તો આ કરાર મધ્ય પૂર્વ અને સમગ્ર વિશ્વની સિક્યોરિટી અને રાજકારણમાં નવી ચિંતાઓ ઊભી કરી શકે છે.

  • પરેશ કે.ભટ્ટ