ડોલર ઈન્ફલો વધતાં રૂપિયો ઉંચકાવાની શક્યતા

દેશના કરન્સી બજારોમાં રૂપિયા તેના ડોલરના ભાવમાં તાજેતરમાં બેતરફી ખાસ્સી ઉછળકુદ દેખાઈ છે. આ વર્ષે ૨૦૨૬ના આરંભમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા છાશવારે બદલાતી ટેરીફ નિતીના પગલે કરન્સી બજારમાં અજંપો વધ્યો હતો અને ત્યારબાદ ઈરાન તથા અમેરિકા વચ્ચે યુધ્ધ શરૂ થતા તથા તેના પગલે વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળતાં તેની અસર પણ રૂપિયા તથા ડોલરના ભાવ પર જોવા હોવાનું કરન્સી બજારના જાણકારો જણાવી રહ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં છેલ્લાં ૧૨ મહિનાનો બાવન સપ્તાહનો ટ્રેન્ડ જોઈએ તો રૂપિયા સામે ડોલરના ભાવ ઉંચામાં રૂ.૯૭ની નજીક પહોંચી ગયા હતા તથા નીચામાં ભાવ રૂ.૮૬.૯૫ સુધી પણ સાવન સપ્તાહમાં જોવા મળ્યા હતા. દરમિયાન, તાજેતરમાં રૂપિયા સામે ડોલરના ભાવ વધી રૂ.૯૬ની સપાટી પાર કરી ગયા હતા અને ત્યારબાદ રિઝર્વ બેન્કની નિતી બહાર પડીને દિવસે ડોલરના ભાવ ઘટી નીચામાં ૯૫ની અંદર પણ ટ્રેડ થતા જોવા મળ્યા હતા.
વિશ્વબજારમાં ઈરાન યુધ્ધના પગલે ક્રૂડતેલના ભાવ ઉંચામાં બેરલના ૧૨૦ ડોલર ઉપર ગયા હતા. જોકે ત્યારબાદ ભાવ ગબડી નીચામાં ૧૦૦ ડોલર અંદર તથા એક તબક્કે ૯૦ ડોલરની અંદર પણ જતા રહ્યા હતા. ક્રૂડના ભાવની વધઘટની અસર રૂપિયા તથા ડોલરના ભાવ પર દેખાઈ હતી. દરમિયાન, રિઝર્વ બેન્કની તાજેતરની મિટિંગમાં વ્યાજના દરમાં કોઈ ફેરફાર કરાયો ન હતો તથા વ્યાજના દર જાળવી રાખવામાં આવ્યા હતા. રિઝર્વ બેન્કની નજર ફુગાવો ઉપરાંત દેશમાં આર્થિક પ્રગતી પર પણ રહી હોવાનું આરબીઆઈના સૂત્રો જણાવી રહ્યા હતા. દેશમાં આ વર્ષે જૂનમાં વરસાદના આરંભ નબળો થયા પછી જુલાઈમાં વરસાદ એકંદરે સારો થયો છે તથા હવે ઓગસ્ટ તથા સપ્ટેમ્બરમાં વરસાદ કેવો થાય છે તથા ચોમાસા પર અલનીનોની અસર કેવી વર્તાય છે તેના પર પણ રિઝર્વ બેન્કની નજર રહી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, ભારતમાં ફોરેક્સ રિઝર્વ આ વર્ષે આરંભમાં ઘટયા પછી ફરી ફોરેક્સ રિઝર્વમાં વૃધ્ધિ થયાના સમાચાર આવ્યા હતા અને તેની અસર પણ કરન્સી બજાર પર જોવા મળી હતી. તાજેતરમાં ભારતનું ફોરેક્સ રિઝર્વ વધી ત્રણ મહિનાની ટોચે પહોંચ્યું છે તથા વિકલી વૃધ્ધિમાં તાજેતરમાં એક તબક્કે છ મહિનાનો રેકોર્ડ પણ તૂટયાના સમાચાર મળ્યા હતા. તાજેતરમાં આવી વિકલી વૃધ્ધિ ૧૦ અબજ ડોલરથી વધુ થઈ હતી. આવી વિકલી વૃધ્ધિ છેલ્લા એ વર્ષે જાન્યુઆરીમાં દેખાઈ હતી. દેશના ફોરેક્સ રિઝર્વમાં વૃધ્ધિ થતા કરન્સી બજારમાં રૂપિયાનો સપોર્ટ આપવા માટે રિઝર્વ બેન્ક પાસે હવે મોકળાશ વધી હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. તાજેતરમાં મુંબઈ કરન્સી બજારમાં જ્યારે ડોલરના ભાવ વધતા હતા ત્યારે રિઝર્વ બેન્કની કહેવાતી સક્રિયતા વચ્ચે વિવિધ સરકારી બેન્કો ઉછાળે ડોલર વેંચી રહી હતી અને રૂપિયો વધુ ગબડતો અટક્યો હતો એવું બજારના જાણકારોએ જણાવ્યું હતું.
દરમિયાન, દેશમાં ડોલરનો ઈન્ફલો વધારવા રિઝર્વ બેન્ક દ્વારા તાજેતરમાં જૂન મહિનામાં વિવિધ પગલાંઓ જાહેર કરવામાં આવ્યા હતા. આના પગલે દેશમાં દરીયાપારથી આવતી ફોરેન કરન્સી નોન- રેસીડન્ટ ડિપોઝીટો થાપણોમાં વૃધ્ધિ થઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. આના પગલે દેશમાં આવી થાપણોના પગલે ડોલરનો ઈન્ફલો જુલાઈ અંત સુધીમાં આશરે ૪૦ અબજ ડોલર જેટલો વધ્યો હોવાનું કરન્સી બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. દેશમાં ડોલરનો આવો ઈન્ફલો આગળ ઉપર હજી વધુ વધવાની શક્યતા જાણકારો દર્શાવી રહ્યા હતા. એક અંદાજ મુજબ ડોલરનો આવો ઈન્ફલો હજી વધુ વધી ૧૦૦ અબજ ડોલર થવાની આશા પણ બજારનો અમુક વર્ગ બતાવી રહ્યો હતો. ફોરેક્સ રિઝર્વ વધી દસ મહિનાના ઈમ્પોર્ટ કવર જેટલું થઈ ગયું છે તથા વિદેશી દેવાના આશરે ૯૧ ટકા જેટલું કવર થઈ ગયાનું જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, જુલાઈના અંતે દેશમાં ફોરેક્સ રિઝર્વ વધી ૬૯૩ અબજ ડોલર નજીક પહોંચી ગયાના સમાચાર આવ્યા હતા. ફોરેક્સ રિઝર્વ હવે વધી ૭૦૦ અબજ ડોલર થઈ જવાની શક્યતા પણ કરન્સી બજારમાં ચર્ચાતી સંભળાઈ હતી. દરમિયાન, વિશ્વબજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ૧૨ મહિનાના ગાળામાં ઉંચામાં ૧૦૧.૬૦થી ૧૦૧.૬૫ તથા નીચામાં ૯૬.૧૫થી ૯૬.૨૦ સુધી નોંધાયો હતો તથા તાજેતરમાં આ ઈન્ડેક્સ ૧૦૦ની અંદર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.









