Business Plus
1 રૂપિયાના 15 લીંબુ કરી આપે તેને અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર
By GS Team
11 Oct 20263 mins read
'ડેડલી સ્કૂલ ઓફ ઝિકો-નોમિક્સ'ના અબુધ અનર્થશાસ્ત્રીઓએ કેમ્પસ બહારની ચાની કિટલી પર 'ઈકોનોમિક્સમાં નોબલ' જેવા વિષય પર ચર્ચા કરી. તેમણે અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિકને સરળ વિષયો પર આપવાની હિમાયત કરી, જેમ કે 'ગુજરાતી ફિલ્મોના રિવ્યુ' કે 'નાણામંત્રીનાં પ્રવચનો'. એક અનર્થશાસ્ત્રીએ લીંબુના ભાવવધારાને ટાંકીને, 1 રૂપિયામાં 15 લીંબુ કેવી રીતે મળે તેનું સંશોધન કરનારને નોબેલ આપવા સૂચવ્યું.
Summarized by AI; it may make mistakes. Check important info
'ડેડલી સ્કૂલ ઓફ ઝિકો-નોમિક્સ'ના અબુધ અનર્થશાસ્ત્રીઓએ કેમ્પસ બહારની ચાની કિટલી પર 'ઈકોનોમિક્સમાં નોબલ' જેવા વિષય પર ચર્ચા કરી. તેમણે અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિકને સરળ વિષયો પર આપવાની હિમાયત કરી, જેમ કે 'ગુજરાતી ફિલ્મોના રિવ્યુ' કે 'નાણામંત્રીનાં પ્રવચનો'. એક અનર્થશાસ્ત્રીએ લીંબુના ભાવવધારાને ટાંકીને, 1 રૂપિયામાં 15 લીંબુ કેવી રીતે મળે તેનું સંશોધન કરનારને નોબેલ આપવા સૂચવ્યું.
Summarized by AI; it may make mistakes. Check important info

- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી
'ડેડલી સ્કૂલ ઓફ ઝિકો-નોમિક્સ'ના અબુધ અનર્થશાસ્ત્રીઓની 'ઈકોનોમિક્સમાં નોબલ' જેવા વૈશ્વિક સબ્જેક્ટ પર ચર્ચા કરવા માટે કેમ્પસના ઝાંપા બહાર આવેલી ચાની કિટલી પર સભા મળી.
'મેં મારાં શાળા જીવનનાં ૨૪ વર્ષના વિશદ અભ્યાસ દરમિયાન જોયું છે કે અર્થશાસ્ત્રનું નોબેલ પારિતોષિક હંમેશાં એકદમ અઘરું સંશોધન કરનારા અને અઘરી થિયરી આપનારાને જ આપવામાં આવે છે.' અનેક ધોરણમાં બે-બે, ત્રણ-ત્રણ વર્ષ કાઢી સઘન અભ્યાસ કરનારા એક દુષ્કર અનર્થશાસ્ત્રીએ વિધાન ઉચ્ચાર્યું.
બીજા અનર્થશાસ્ત્રીએ તરત જ ઝંપલાવ્યું. 'ભલા માણસ, અર્થશાસ્ત્ર સબ્જેક્ટ જ આખો બહુ જટિલ અને અઘરો છે. હું તો કહું છું કે આવા અઘરા અઘરા વિષય પર નોબેલ આપવાને બદલે કોઈ નવા સરળ વિષયો પર નોબેલ આપવાનું શરુ કરવું જોઈએ. જેથી વિશ્વ સમસ્તની જનતા જનાર્દનના વિશાળ બહોળા સમુદાય સુધી આ પુરસ્કાર પહોંચે.'
'ગુજરાતી ફિલ્મોના રિવ્યુ' સબ્જેક્ટ કેવો રહે ? એકદમ સરળ, સિનેમાનો ડોરકીપર પણ હાથ અજમાવી શકે તેવો. એના પર નોબેલ ચાલુ કરવું જોઈએ કે નહીં?' એક છેલબટાઉ અનર્થશાસ્ત્રીએ ૭૦ના દાયકાની ગુજરાતી ફિલ્મોના હીરો જેમ પોતાના ઝુલ્ફોને ઊંચે ઝાટકો આપતાં કહ્યું.
પેલા દુષ્કર અનર્થશાસ્ત્રી કહે, 'બંધુ, ત્યારે તમને ખબર નથી. ગુજરાતી ફિલ્મોનું અર્થશાસ્ત્ર ઈટસેલ્ફ એક બહુ જ જટિલ વિષય છે. આજ દિન સુધી એ કોઈને સમજાયો નથી અને સમજાવાનો નથી.'
બીજા અનર્થશાસ્ત્રી કહે, 'અરે યારો, હું લોકભોગ્ય વિષયની વાત કરી રહ્યો છું અને તમે ગુજરાતી ફિલ્મો જેવો કોઈક કોઈક ભોગ્ય જ વિષય લઈને બેસી ગયા? મારું તો ખાસ માનવું છે કે જે આર્થિક બાબતો લોકોના જીવનને રોજેરોજ સ્પર્શે છે તેના પર નોબેલ પુરસ્કાર આપવા જોઈએ. જેમકે નાણાંમંત્રીનાં પ્રવચનો.'
પેલા દુષ્કર અનર્થશાસ્ત્રી બગડયા. 'ઓય… બોલવામાં કાંઈક મર્યાદા રાખો. આટઆટલું શેરબજાર પડે છે છતાં નાણાંમંત્રી કાંઈ બોલતાં નથી. તો નોબેલ પુરસ્કાર લાયક એમના પ્રવચનો ક્યાંથી મળશે ?'
છેલબટાઉ અનર્થશાસ્ત્રી કહે, 'મારા મતે હાલનાં નાણાંમંત્રી નહીં પરંતુ એક જૂના નાણાં મંત્રીએ નોટબંધીની તરફેણમાં આપેલાં પ્રવચનો સો ટકા અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારને લાયક હતાં. બોસ, એમણે નોટબંધીની તરફેણમાં એવી એવી અઘરી આર્થિક થિયરીઓ રજૂ કરી હતી કે જે દુનિયાના કોઈ અર્થશાસ્ત્રી ક્યારેય સમજી શક્યા ન હતા. આખરે, 'ધુરંધર' ફિલ્મ થકી દેશ દુનિયાના લોકોને થોડીઘણી સમજ પડી.
'ફરી ફિલ્મો ?' દુષ્કર અનર્થશાસ્ત્રીએ આ વખતે લગભગ ત્રાડ પાડી.' શું કોઈ ગંભીર બાબત વિશે આપણે ક્યારેય કોઈ ચર્ચા નહીં કરી શકીએ?'
અત્યાર સુધી ચૂપ રહેલા પાંચમા અનર્થશાસ્ત્રી બેસણામાં આવેલા પરિચિત જેવું ગંભી મોઢું કરીને કહે, 'અત્યારે લીંબુ એકના પંદર થઈ ગયાં છે. મતલબ કે પંદર રુપિયા આપો તો એક લીંબુ મળે છે. આ સ્થિતમાં એક રુપિયામાં ૧૫ લીંબુ કઈ રીતે મળે તેનું અર્થશાસ્ત્રીય સંશોધન કરનારને જ ઈકોનોમિક્સનો નોબેલ પુરસ્કાર ન મળવો જોઈએ?' આટલું બોલતાં બોલતાં આ ગંભીર અનર્થશાસ્ત્રીએ ડૂસકું નાખ્યું..બાકી બધાએ એમને પીઠે હાથ ફેરવી આશ્વાસન આપ્યું.
સ્માઇલ ટિપ
એક જમાનામાં ઈકોનોમિક્સના જાણકાર નેતાઓ હતા, હવે ફક્ત ઈકો-ચેમ્બર એટલે કે પોતાની ને પોતાની વાત પડઘાયા કરે તેમાં જ રસ ધરાવતા નેતાઓ છે.




