For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મની મૂલે એકાઉન્ટ બેંક ખાતા ભાડે અપાય છે

Updated: Apr 28th, 2024

મની મૂલે એકાઉન્ટ બેંક ખાતા ભાડે અપાય છે

- ફ્રોડ કરનારાઓની એક જમાત ડિજીટલ ટ્રાન્ઝેકશનના લૂપહોલ્સ જાણી ગઇ છે અને તેનો ભરપેટ ઉપયોગ કરી રહી છે

- ઓનલાઇન ફ્રોડ કરનારાના ખાતા પકડાશે કરોડોની હેરાફેેરી પર નજર

- કેટલાક કૌભાંડીઓ તેમનો બે નંબરી ટ્રાન્ઝેકશનનો પૈસો કોઇ ભૂતીયા ખાતામાં કે પૈસા આપીને ખરીદેલા કોઇ ખાતામાં કરાવે છે. બેંક ખાતા ભાડે આપવાની પ્રથા બહુ સાયલન્ટ રીતે ચાલતી હોય છે

- મની મૂલે એકાઉન્ટ શોધવા કેટલીક બેંકોએ સોફટવેર વિકસાવ્યું છે. છેલ્લા એક વર્ષમાં આ સોફટ્વેરના કારણે ત્વરીત ટ્રાન્સફર કરાતા રૂપિયાનું નેટવર્ક પકડાયું હોવાનું મનાય છે. કહે છેકે બેંકોએે આવા બીજા સોફ્ટવેર તૈયાર કર્યા છે જેના કારણે આર્થિક ક્ષેત્રે ચાલતી ગેરકાયદે હેરાફેરી પકડી શકાશે

Article Content Imageડિ જીટલ ટ્રાન્ઝેકશનનો જમાનો નવા દૂષણો સાથે લેતો આવ્યો છે. ઓનલાઇન ફ્રોડ કરનારાઓને ડિઝીટલ ટ્રાન્ઝેકશન બહુ માફક આવી ગયો છે. ફ્રોડ કરનારાઓની એક જમાત ડિજીટલ ટ્રાન્ઝેકશનના લૂપહોલ્સ જાણી ગઇ છે અને તેનો ભરપેટ ઉપયોગ કરી રહી છે. તમારા બેંક ખાતાનો તમારી જાણ સાથે કે જાણ વગર ઉપયોગ થતો રહે તો યાદ રાખવું કે તમારૂં બેંક ખાતું બ્લોક થઇ શકે છે. જેને મની મૂલે સ્કેમ કહે છે.

ઓનલાઇન ફ્રોડ કરનારાઓએ લોકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યા બાદ મોડે મોડે બેંકો જાગી છે અને ફ્રોડ કરનારાઓને અટકાવવા પ્રયાસ કરી રહી છે. સરળ રીતે સમજીએ તો કેટલાક કૌભાંડીઓ તેમનો બે નંબરી ટ્રાન્ઝેકશનનો પૈસો કોઇ ભૂતીયા ખાતામાં કે પૈસા આપીને ખરીદેલા કોઇ ખાતામાં કરાવે છે. બેંક ખાતા ભાડે આપવાની પ્રથા બહુ સાયલન્ટ રીતે ચાલતી હોય છે. 

મધ્યમ વર્ગના અનેક લોકો જાણે અજાણે તેમાં સંડોવાયેલા હોય છે. તેમને ખાતાનું ભાડું મળતું રહે તેમાં રસ હોય છે પરંતુ તેમને એ ખબર નથીકે તેમના ખાતાનો ઉપયોગ મની લોન્ડરીંગ સાથે સંકળાયેલા લોકો કરી રહ્યા છે.

હવે બેંકો ભૂતીયા ટ્રાન્ઝેકશન અને બોગસ ખાતાઓની તેમજ ભાડે અપાતા ખાતાઓની તપાસ શરૂ કરી રહી છે. ભારતની પાંચ બેંકોએ તેમના ગ્રાહકોના ખાતા મારફતે થતી બે નંબરી હેરાફેરીને અટકાવવા બીડું ઝડપ્યું છે.

આ પાંચ બેંકો તેમના ગ્રાહકોના ખાતામાં થતી શંકાસ્પદ મુવમેન્ટ જોશે તો ખાતું બ્લોક કરી દેશે.  બેંકના ગ્રાહકને ખબર પણ નહીં હોય અને ખાતું બ્લોક કરી દેવાશે. કેટલાક બેંક ગ્રાહકોનો પૈસો અચાનક બ્લોક થઇ શકે છે. 

એચડીએફસી બેંકે શંકાસ્પદ ખાતાઓ સામે પગલાં લેવાના શરૂ કરી દીધા છે. મની મૂલે ટ્રાન્ઝેકશન જે ખાતામાં જણાશે તેના ખાતા બ્લોક કરી દેવાશે.

મની મૂલે એકાઉન્ટ એટલેકે જે એકાઉન્ટનો ઉપયોગ ગેરકાયદે આવતા ફંડને રાખવાનો અનેે તેને ટ્રાન્સફર કરવાનો હોય છે.ઓનલાઇન કૌભાંડ કરનારા આવા લોકોનો સંપર્ક કરે છે અને તેનો લાભ ઉઠાવે છે. ખાતામાં ફંડની હેરાફેરી માટે ખાતેદારને પૈસા ચૂકવાતા હોય છે.

ઓનલાઇન કૌભાંડ કરનારા પૈકી ૪૦ ટકા લોકો આવા મૂલે એકાઉન્ટ્સ વાપરતા હોય છે. સિંગાપુર અને યુકેમાં કૌભાંડીઓ મારફતે ચલાવાતા એકાઉન્ટને પકડવા ડેટા શેરીંગ પ્લેટફોર્મ ઉભા કરેલા છે.

જ્યારે ઓનલાઇન કૌભાંડ કરનારા બેંક ખાતામાં પૈસા જમા કરાવે છે ત્યારે કૌભાંડીનો ટ્રેક પકડી શકાય છે. જેમકે બેંકમાંથી પૈસા કોણે ઉપાડયા વગેરે. પરંતુ સાયબર પોલીસને તપાસમાં ફાંફા પડે છે કેમકે બેંકો ત્વરીત કોઇ નિર્ણય લેતી નથી. એક સાયબર સિક્યોરીટી ફર્મે કૌભાંડીનું એકાઉન્ટ પકડયું ત્યારે ખ્યાલ આવ્યો કે બેંકનો કર્મચારીજ ફંડ ટ્રાન્સફર કરી નાખતો હતો. ડિજીટલ સિસ્ટમનો ઉપયોગ કરતા કૌભાંડીઓ ખાતામાં પૈસા જમા થવા સાથેજ તે અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી નાખે છે. બેંકો ઇચ્છે તો ટ્રાન્સફર કરાતા પૈસાનો ટ્રેક પકડી શકે છે. પરંતુ ગાંધી વૈદ્યના સહીયારા જેવો માહોલ જોવા મળે છે.

દિલ્હીમાં તાજેતરમાં પકડાયેલા કૌભાંડમાં એક શિડયુલ બેંકના કર્મચારીઓ ખાતા દીઠ ૫૦૦૦ રૂપિયા લઇને બેાગસ સેવીંગ્સ એકાઉન્ટ ખોલી આપતા હતા. આવા ખાતા ઓન લાઇન ફ્રોડ કરનારા ભાડે રાખતા હતા. એટલેકે દર મહિને તેમાં જે ટ્રાન્ઝેકશન થાય તે ભાડે રાખનારના ખાતાનું હોય. ભાડે આપનારને મહિને દશ હજાર રૂપિયા ચૂકવાતા હતા.

જ્યારે ઓનલાઇન ફ્રોડ કરનારા તેમના શિકારનો સંપર્ક કરે છે ત્યારે શિડયુલ બેંકના એકાઉન્ટ નંબર આપીને ભરોસો જીતે છે. દેશની દરેક વ્યક્તિ એમ માને કે શિડયુલ બેંકમાં પૈસા જમા કરાવાય છે માટે કોઇ વાંધો નહીં આવે. ગ્રાહક જ્યારે પેટીએમ કે ગુગલ પે મારફતે ફ્રોડના ખાતામાં પૈસા જમા કરાવે છે ત્યારે તે જ્યાં પૈસા જમા કરાવે છે તેનો ફોન નંબર પણ તેની પાસે આવી જાય છે. ખાતેદારનું નામ પણ તેની પાસે આવી જાય છે.

હકીકત એ હોય છે કે ખાતેદારનું નામ સાચું હોય છે અને ફોન નંબર પણ સાચો હોય છે.પરંતુ તે ખાતાનો વહિવટ કરતી ટોળકી ફ્રોડ હોય છે. જેવા પૈસા તે ખાતામાં જમા થાય કે તરતજ તેને ઉપાડી લેવાય છે કે બીજા ખાતામાં ટ્રાન્સફર કરી દેવાય છે. ફ્રોડનો ભોગ બનનાર જ્યારે તેને મળેલા ફોનનંબર પર ફોન કરે ત્યારે તેની સર્વિસ બંધ આવે છે.

અહીં પણ બેંકો હાથ ઉંચા કરી દે છે. સાયબર પોલીસને પણ બેંકો ગાંઠતી નથી. ખાતું ખોલાવતી વખતે આપવામાં આવેલી વિગતો અને ફોટા અને ઘરનું એડ્રેસ વગેરે ખોટાં હોય છે. સામાન્ય પ્રજા ખાતું ખોલાવવા જાય ત્યારે તેના પાસે મંગાવવામાં આવતા ડોક્યુમેન્ટની ચકાસણી એવી રીતે કરાય છે કે જાણે કોઇ ખોટી રીતે ખાતું ખોલાવવા આવ્યું હોય.

મની મૂલે એકાઉન્ટ ધ્યાનમાં આવ્યા પછી  તે એકાઉન્ટ બ્લોક કરીને તે એકાઉન્ટના વહિવટકારો સુધી પહોંચી શકે છે. બેંક સાથે સંકળાયેલા લોકો કહે છેકે કૌભાંડીઓ ખાતામાં પૈસો આવ્યા બાદ ખુબ ઝડપથી તે ટ્રાન્સફર કરી નાખેે છે. જો એકાઉન્ટ બ્લોક હોય તો તે કશું કરી 

શકતો નથી.

મની મૂલે એકાઉન્ટ શોધવા કેટલીક  બેંકોએ સોફટવેર વિકસાવ્યું છે. છેલ્લા એક વર્ષમાં આ સોફટ્વેરના કારણે ત્વરીત ટ્રાન્સફર કરાતા રૂપિયાનું નેટવર્ક પકડાયું હોવાનું મનાય છે. કહે છેકે બેંકોેે આવા બીજા સોફ્ટવેર તૈયાર કર્યા છે જેના કારણે આર્થિક ક્ષેત્રે ચાલતી ગેરકાયદે હેરાફેરી પકડી શકાશેે. ટ્રાન્ઝેકશનની સંખ્યા વધુ હોય અને ઉપરાછાપરી હોય તો પણ સોફ્ટવેરમાં તે પકડાઇ જાય છે.

ઓનલાઇન ફ્રોડ કરનારાઓ સૌથી વધુ ઉપયોગ બેંક એકાઉન્ટનો કરે છે. બેંકો ચેતીને ચાલે તો ફ્રોડની સંખ્યા ઘટી શકે છે.


Gujarat