Business Plus

GSTની શો કોઝ નોટિસમાં કાનૂની જોગવાઈનો ઉલ્લેખ માત્ર માંગણાને ટકાવી શકે નહી, ટ્રિબ્યુનલના ચુકાદાની વિગતો

By GS Team
25 Oct 20266 mins read
GSTની શો કોઝ નોટિસમાં કાનૂની જોગવાઈનો ઉલ્લેખ માત્ર માંગણાને ટકાવી શકે નહી, ટ્રિબ્યુનલના ચુકાદાની વિગતો
  • GSTનું Ato Z-હર્ષ કિશોર
  • કારણદર્શક નોટિસ આપવાનો મૂળભૂત હેતુ નોટિસ મેળવનારને તેની સામેનો ચોક્કસ કેસ સમજાવવાનો છે, જેથી તે તેનો સામનો કરી શકે.

શું કારણદર્શક નોટિસમાં જીએસટી કાયદાની જોગવાઈનો માત્ર ઉલ્લેખ કરવામાં આવ્યો હોય, પરંતુ કરદાતાએ તેનો ભંગ કર્યો છે કે નહીં અથવા તેનો ભંગ કેવી રીતે કર્યો છે તે જણાવવામાં આવ્યું ન હોય, તો તેને કરદાતા વિરુદ્ધનો એવો આરોપ ગણાવી શકાય કે જેના વિશે કરદાતાને યોગ્ય જાણ કરવામાં આવી હોવાનું કહી શકાય? ના. તા ૧૬ ઓક્ટોબર, ૨૦૨૬ના ટ્રિબ્યુનલના ચુકાદાની વિગતો જોઈએ.
કેસનું નામ : શ્રી ટ્રેડર્સ, પાલક્કાડ વિરુદ્ધ CGST અને CE કમિશનર. કોચી, કેરળની અદાલત. આદેશ નંબર : ૧૬/EKM/KERALAM/૨૦૨૬ (અપીલ નંબર : APL/19/ERN/2026). વર્તમાન અપીલ સ્/જ. શ્રી ટ્રેડર્સ, પાલક્કાડ ('અપીલકર્તા') દ્વારા જોઈન્ટ કમિશનર (અપીલ્સ), CGST, કોચી દ્વારા તારીખ ૧૯/૮/૨૦૨૫ના રોજ પસાર કરાયેલા Order-in-Appeal વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી.
2.1 બઅપીલકર્તા સ્/જ. શ્રી ટ્રેડર્સ GST હેઠળ નોંધાયેલ છે. વર્ષ ૨૦૧૮-૧૯ માટે અપીલકર્તા દ્વારા દાખલ કરાયેલા રિટર્નની ચકાસણી દરમિયાન કેટલીક વિસંગતતાઓ ધ્યાનમાં આવી હતી. અપીલકર્તાને તારીખ ૨૦/૧૧/૨૦૨૩ની કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. તેમાં એવો આરોપ હતો કે સંબંધિત કર સમયગાળા માટે GSTR-૩B રિટર્ન દાખલ ન કરનારા સપ્લાયરો દ્વારા જારી કરાયેલા ઇન્વૉઇસના સંદર્ભમાં અપીલકર્તાએ અયોગ્ય ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવી હતી. સુપરિન્ટેન્ડન્ટ દ્વારા તારીખ ૩/૪/૨૦૨૪ના રોજ જારી કરાયેલા મૂળ આદેશમાં GST અધિનિયમ, ૨૦૧૭ ની કલમ ૭૩(૧) હેઠળ કરની માંગણી થયેલ. તેની સાથે કલમ ૫૦(૩) હેઠળ વ્યાજ અને કલમ ૭૩(૯) હેઠળ દંડ પણ લાદવામાં આવ્યો હતો. દ્વિતીય અપીલકર્તાએ આ મૂળ આદેશ (OIO) વિરુદ્ધ અપીલ સત્તાધિકારી સમક્ષ અપીલ કરી હતી. અપીલ સત્તાધિકારીએ વિવાદિત અપીલ આદેશ દ્વારા મૂળ આદેશના ઉપરોક્ત ભાગને યથાવત્ રાખ્યો હતો. આ નિર્ણયથી નારાજ થઈ અપીલકર્તાએ વર્તમાન અપીલ ટ્રિબ્યુનલ સમક્ષ દાખલ કરેલ
વેપારી પક્ષે રજૂઆત : કારણદર્શક નોટિસ (SCN) અને મૂળ આદેશ (OIO)માં સંપૂર્ણપણે અલગ કેસ રજૂ કરવામાં આવ્યા છે. મુખ્ય પ્રશ્ન એ છે કે સપ્લાયરો દ્વારા GSTR-3B રિટર્ન દાખલ ન કરવાના કારણે કલમ 16(2)(aa) હેઠળ અયોગ્ય ગણાયેલી ITCની માંગણીને કાયદેસર રીતે કલમ 16(2)(c) હેઠળના અલગ તથ્યના આધારે માન્ય રાખી શકાય કે નહીં, એટલે કે સપ્લાયરોએ સરકારને કર ચૂકવ્યો ન હતો તે આધારે. કારણદર્શક નોટિસમાં મુખ્ય આરોપ માત્ર એટલો હતો કે સંબંધિત કર સમયગાળા માટે સપ્લાયરોએ GSTR-3B રિટર્ન દાખલ કર્યા નહોતા. ઓળખી શકાય તેવા સપ્લાયર રેકોર્ડના આધારે આ છ ઇન્વાઇસને લગતો કર ચૂકવાયો નહોતો એવો કોઈ આરોપ મૂકવામાં આવ્યો નહોતો. સપ્લાયર દ્વારા DRC-03 મારફતે સ્વૈચ્છિક ચુકવણી કરવામાં આવી હતી કે નહીં, અથવા સપ્લાયર વિરુદ્ધ કરની માંગણી અને વસૂલાતની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી કે નહીં, તેવા મહત્ત્વના તથ્યો પણ નોંધવામાં આવ્યા નહોતા.
આમ, કારણદર્શક નોટિસમાં વાસ્તવિક આરોપ સ્પષ્ટ કરવામાં આવ્યો નહોતો અને અધિનિયમની કલમ 16(2)(c) હેઠળ કરની ચુકવણી ન થઈ હોવાનો આરોપ મૂકવા માટે જરૂરી તથ્યો પણ સ્થાપિત કરવામાં આવ્યા નહોતા. આથી અપીલકર્તાએ તારીખ ૨૨-૦૨-૨૦૨૪ના પોતાના જવાબમાં નોટિસમાં વાસ્તવમાં મૂકવામાં આવેલા આરોપનો જવાબ આપ્યો હતો. તેણે સમજાવ્યું હતું કે કલમ 16(2)(aa) માત્ર ૧ જાન્યુઆરી, ૨૦૨૨થી અમલમાં આવી હતી અને સપ્ટેમ્બર ૨૦૧૮ અથવા માર્ચ ૨૦૧૯માં થયેલા પુરવઠા પર લાગુ થઈ શકતી નહોતી. અપીલકર્તાએ પોતાના ઇન્વાઇસ, ખાતાવહી, બેંક રેકોર્ડ અને સ્ટૉક રેકોર્ડ અંગેની સમજૂતી પણ રજૂ કરી હતી. અપીલકર્તાનો જવાબ મળ્યા પછી અધિકારીએ ન તો કારણદર્શક નોટિસમાં સુધારો કર્યો હતો કે ન તો સરકારને સપ્લાયરો દ્વારા કરની ચુકવણી ન કરવામાં આવી હોવાનો આરોપ અને સંબંધિત તથ્યો દર્શાવતી પૂરક નોટિસ જારી કરી હતી. તેમ છતાં મૂળ આદેશમાં એવું ઠરાવવામાં આવ્યું હતું કે 'આજદિન સુધી કરની રકમ સરકારના ખાતામાં જમા થઈ નથી.' ત્યારબાદ કલમ 16(2)(c) હેઠળ ITC નકારવામાં આવી હતી.
પ્રથમ અપીલ : પ્રથમ અપીલ સત્તાધિકારીએ કલમ 16(2)(aa)ના સંદર્ભને સ્પષ્ટપણે 'સ્પષ્ટ ભૂલ' ગણાવ્યો હતો. તેમ છતાં તેણે એ હકારાત્મક તારણના આધારે માંગણીને યથાવત્ રાખી હતી કે સંબંધિત કર 'ચૂકવાયો નથી'. તેણે વધુમાં જણાવ્યું હતું કે સપ્લાયરોએ ઇન્વાઇસ જાહેર કર્યા નહોતા અને તે GSTR-2Aમાં દર્શાવવામાં આવ્યા નહોતા.
કલમ ૭૫(૭) નોટિસમાં નિર્દિષ્ટ કરાયેલા કારણો સિવાય અન્ય કારણોના આધારે માંગણી માન્ય રાખવા પર અલગથી પ્રતિબંધ મૂકે છે. આ જોગવાઈ નીચે મુજબ છે :
'આદેશમાં માંગવામાં આવેલ કર, વ્યાજ અને દંડની રકમ નોટિસમાં નિર્દિષ્ટ રકમ કરતાં વધારે ન હોવી જોઈએ અને નોટિસમાં નિર્દિષ્ટ કરાયેલા કારણો સિવાય અન્ય કારણોના આધારે કોઈ માંગણી માન્ય રાખવામાં આવશે નહીં.'
મૂળ આદેશ અધિનિયમની કલમ ૭૫(૭)નો ભંગ કરે છે. અપીલકર્તાની ફરિયાદ માત્ર એટલી નથી કે અન્યથા પૂરતી કારણદર્શક નોટિસમાં ખોટી પેટા-કલમનો નંબર દર્શાવવામાં આવ્યો હતો. વાસ્તવિક ફરિયાદ એ છે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ નકારવા માટે તથ્ય અને કારણ બંને બદલી નાખવામાં આવ્યાં હતાં.
સુનાવણી : ટ્રિબ્યુનલે સર્વોચ્ચ અદાલતે M/s Armour Security (India) Ltd v Commissioner, CGST, Delhi East Commissionerate, (2025) 177 taxmann.com 478 (SC)ના કેસમાં આપેલ નિર્ણય ધ્યાને લીધેલ. ટ્રિબ્યુનલે નોંધ્યું કે,Gorkha Security Services v. Govt. (NCT of Delhi) (2014) 8 taxmann.com 717 (SC)/(2014) 9 SCC 105 કેસમાં આ અદાલતે કારણદર્શક નોટિસ જારી કરવા પાછળના મૂળભૂત સિદ્ધાંતો સ્પષ્ટ કર્યા હતા.
કારણદર્શક નોટિસ આપવાનો મૂળભૂત હેતુ નોટિસ મેળવનારને તેની સામેનો ચોક્કસ કેસ સમજાવવાનો છે, જેથી તે તેનો સામનો કરી શકે. આ માટે તેના દ્વારા કરવામાં આવેલા કથિત ભંગ અને ક્ષતિઓની વિગતો આપતાં આરોપો સ્પષ્ટપણે જણાવવા જરૂરી છે, જેથી તેને તેનો જવાબ આપવાની તક મળે. બીજી આવશ્યકતા એ છે કે આવા ભંગ બદલ કઈ પ્રકારની કાર્યવાહી કરવાની દરખાસ્ત છે તે પણ જણાવવું જોઈએ. જેથી નોટિસ મેળવનાર વ્યક્તિ સમજાવી શકે કે ફરિયાદ કરાયેલ ક્ષતિઓ અથવા ભંગ અંગે સંતોષકારક સમજૂતી ન આપી શકે તો પણ સૂચિત કાર્યવાહી આ કેસમાં જરૂરી નથી.
The Commissioner of Central Excise v. Champdany Industries Limited (2009) 9 SCC 466 કેસમાં, શણના કાર્પેટના વર્ગીકરણ અંગે નિર્ણય લેતી વખતે સર્વોચ્ચ અદાલતે નોંધ્યું હતું કે મહેસૂલ વિભાગે કાર્યવાહી દરમિયાન જે ચોક્કસ પરીક્ષણો પર આધાર રાખ્યો હતો તેનો નોટિસમાં ઉલ્લેખ ન કર્યો હોય, તો તે પછીના તબક્કે તે પરીક્ષણો પર આધાર રાખી શકતો નથી. કારણદર્શક નોટિસે કેસનો પાયો નાખવો જોઈએ. કાર્યવાહી શરૂ કરવા માટે નોટિસનું આટલું મહત્ત્વ છે.
ટ્રિબ્યુનલે જણાવ્યું કે, કારણદર્શક નોટિસ સત્તાધિકારી દ્વારા હાથ ધરવામાં આવનારી કાર્યવાહીનો વ્યાપ અને વિષય નક્કી કરે છે. કારણદર્શક નોટિસમાં જે નિયમો, દાવાઓ અથવા કારણોનો ઉલ્લેખ નથી, તેનો સત્તાધિકારી દ્વારા પછીના તબક્કે ઉપયોગ કરી શકાય નહીં. એટલે કે, કારણદર્શક નોટિસમાં જે આધાર, તર્ક અથવા દાવો દર્શાવવામાં આવ્યો નથી, તેનો ઉપયોગ નોટિસ મેળવનાર વ્યક્તિને નુકસાન પહોંચાડવા માટે કરી શકાય નહીં.
ડીપાર્ટમેન્ટનો પક્ષ : જીએસટીની કલમ ૧૬૦(૧)નો આધાર લેવામાં આવ્યો. કારણદર્શક નોટિસના એક ભાગમાં પેટાકલમ ૧૬(૨)(બ)ને બદલે પેટાકલમ 16(2)(aa)નો ઉલ્લેખ થયો હતો, જે ભૂલ હતી. તેમ છતાં જે આરોપના આધારે માંગણી કરવામાં આવી હતી તે નોટિસમાં યોગ્ય રીતે સમજાવવામાં આવ્યો હતો. કારણદર્શક નોટિસમાં કલમ 16(2)(c)ના ભંગનો આરોપ મૂકવામાં આવ્યો નહોતો, જ્યારે મૂળ આદેશમાં ભGST અધિનિયમની કલમ 16(2)(c)નો ભંગ થયો હોવાનું ઠરાવવામાં આવ્યું હતું.
ટ્રિબ્યુનલનો નિર્ણય : વિગતવાર છણાવટ બાદ ટ્રિબ્યુનલે જણાવ્યું કે, આ કેસની સમગ્ર કાર્યવાહી GST અધિનિયમની કલમ ૭૦(૫)ની સ્પષ્ટ જોગવાઈઓના ભંગ સમાન છે. તેથી અમારું માનવું છે કે GST અધિનિયમની કલમ ૧૬૦(૧) વર્તમાન કેસમાં લાગુ પડતી નથી. અપીલ મંજૂર કરવામાં આવે છે અને તેના પરિણામે મળવાપાત્ર અનુસંગિક રાહતો આપવામાં આવે છે.