Business Plus
બેન્કોમાં સપ્તાહના છ દિવસ રજાની માલ્યા - નિરવ મોદીની માંગ
By GS Team
27 Sep 20263 mins read
બેંક કર્મચારીઓની હડતાળોથી ખુશ થયેલા ઓલ ઈન્ડિયા બેંક ડિફોલ્ટર્સ એસોસિએશને તાત્કાલિક સભા બોલાવી. વિજય માલ્યા અને નીરવ મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા. ડિફોલ્ટરોએ 'ડિફોલ્ટર એકતા ઝિંદાબાદ'ના નારા લગાવ્યા. માલ્યાએ પોતાને નાની માછલી ગણાવ્યા, જ્યારે નીરવ મોદીએ બેંક કર્મચારીઓને 6 દિવસની રજા આપવાની માંગ કરી, જેથી ડિફોલ્ટરોનો વિસ્તાર થાય.
Summarized by AI; it may make mistakes. Check important info
બેંક કર્મચારીઓની હડતાળોથી ખુશ થયેલા ઓલ ઈન્ડિયા બેંક ડિફોલ્ટર્સ એસોસિએશને તાત્કાલિક સભા બોલાવી. વિજય માલ્યા અને નીરવ મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા. ડિફોલ્ટરોએ 'ડિફોલ્ટર એકતા ઝિંદાબાદ'ના નારા લગાવ્યા. માલ્યાએ પોતાને નાની માછલી ગણાવ્યા, જ્યારે નીરવ મોદીએ બેંક કર્મચારીઓને 6 દિવસની રજા આપવાની માંગ કરી, જેથી ડિફોલ્ટરોનો વિસ્તાર થાય.
Summarized by AI; it may make mistakes. Check important info

- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી
બેન્ક કર્મચારીઓ છાશવારે હડતાલ પર ઉતરવા માંડતાં ગદગદ થઈ ગયેલા ઓલ ઈન્ડિયા બેન્ક ડિફોલ્ટર્સ એસોસિએશનની તત્કાળ સભા મળી. સભાના સંચાલકે જાહેર કર્યું કે ડિફોલ્ટરશ્રેષ્ઠ શ્રી વિજયમાલ્યા અને ડિફોલ્ટરશ્રેષ્ઠી શ્રી નિરવભાઈ મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા સભામાં હાજરી આપશે. તે સાથે જ સભા સ્થળે બે મોટી સ્ક્રીન ચાલુ થયાં અને માલ્યા તથા નિરવ મોદી તેના પર દેખાયા. તરત જ તમામ ડિફોલ્ટરો પોતાની બેઠક પરથી ઊભા થઈ 'ડિફોલ્ટર એકતા ઝિંદાબાદ', 'માલ્યા-નિરવ તુમ આગે બઢો… હમ તુમ્હારે સાથ હૈ',' માલ્યા-નિરવ સે જો બેન્ક ટકરાયેલા… ફડચે મેં ચલા જાયેગા' એવાં સૂત્રો પોકારવા લાગ્યા.
માલ્યા હાથ જોડીને કહે, 'ભાઈઓ, હું અગાઉ પણ કહી ચૂક્યો છું, વારંવાર કહું છું કે આપણા ડિફોલ્ટર સમાજમાં હું તો નાની માછલી છું, બાકી બીજા બધા મોટા મગરમચ્છો હજુ દેશમાં જ છે અને મસ્તીથી મોજ કરે છે.'
એક ડિફોલ્ટર કહે, 'અરે માલ્યા સાહેબ, આ તો તમારી નમ્રતા છે. બાકી, મારી તો તમારા કરતાં ત્રણ ગણ લોન બાકી છે, પણ મારું નામ પણ કોઈને ખબર નથી, બધા તમને જ ઓળખે છે.'
નિરવ મોદી કહે, 'સૌ પહેલાં તો સમસ્ત ડિફોલ્ટર સમાજને મબલખ પ્રસિદ્ધિ અપાવવા બદલ માલ્યાજી માટે એક માનસૂચક ઠરાવ પસાર કરીએ.'
કોઈ કાંઈ કહે તે પહેલાં માલ્યા કહે, 'લ્યા, મારું સન્માન કરવા રહેશો અને તેમાં મારી લાંબી લાંબી પ્રશસ્તિઓ વાંચવા બેસશો તેમાં પેલા એસબીઆઈવાળાનો લંચ ટાઈમ પૂરો થઈ જશે અને એ લોકો ફરી મારી સામે નવી નોટિસો કાઢશે.'
બીજો ડિફોલ્ટર કહે, 'માલ્યા સાહેબ, તમે ચિંતા ન કરો. આજકાલ તો બેન્ક કર્મચારીઓ એક હડતાલ પતે ત્યાં તો બીજી હડતાલના પ્લાનિંગમાં બિઝી થઈ જાય છે એટલે એમની પાસે હાલ નવી નોટિસો કાઢવાનો ટાઈમ જ નથી.'
નિરવ મોદી કહે, 'આમ તો મારી અને માલ્યાજીની મુખ્ય લાગણી અને માગણી જ એ છે કે બેન્ક કર્મચારીઓને સપ્તાહમાં બે દિવસ નહીં પરંતુ સપ્તાહના છ દિવસ રજા હોવી જોઈએ. બાકીના એક દિવસમાં એ લોકો ટાર્ગેટ પૂરાં કરવા ધનાધન લોનો મંજૂર કરી દેશે પણ પછી છ દિવસ રજા હોવાથી તેમને વસૂલાતનો સમય જ નહીં મળે. આમ, આપણા ડિફોલ્ટર સમાજનું સતત વિસ્તરણ થતું જશે.'
ત્રીજો ડિફોલ્ટર કહે, 'સર, અમારી તો એવી ડિમાન્ડ છે કે બેન્ક કર્મચારીઓનું કાર્યભારણ વહેંચી દેવામાં આવે. છ મહિના તેઓ લોન આપવાનું જ કામ કરે, ત્રણ મહિના પોલિસીઓ જ વેચે બે મહિના રોકાણ યોજનાઓ અને ડિપોઝીટો જ વેચે અને આખા વર્ષમાં ફક્ત એક અને એક જ દિવસ, બને તો પહેલી એપ્રિલે જ, લોન વસૂલાત ડે રાખે. એટલે આપણને આખું વર્ષ લોન ભરવાનું ટેન્શન નહિ અને પહેલી એપ્રિલે પૈસા નહીં ભરીએ તો પણ બેન્કો માની લેશે કે આ તો એપ્રિલ ફૂલ ચાલે છે.'
માલ્યા કહે, 'આ દરખાસ્ત સાથે હું સંમત નથી. એક અઠંગ ડિફોલ્ટર તરીકે આપણું કામ બેન્કોને એક દિવસ નહીં, બારેય મહિના એપ્રિલ ફૂલ બનાવવાનું છે.'
આ વાત પર તાળીઓના ગડગડાટ સાથે ફરી બૂમો પડી. 'માલ્યાજી તુમ આગે બઢો… સબ બેન્ક તુમ્હારે સાથ હૈ!'
સ્માઇલ ટિપ
ખાળે ડૂચા અને દરવાજા મોકળા…ખાસ બેન્કો માટે પડેલી કહેવત.




