Business Plus

ભારતની રેવડીનું અમેરિકામાં પડયું ડિવિડન્ડ નામ!

By GS Team
13 Sep 20263 mins read
TukuTouch Logo
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી જીતવા નાગરિકોને $5,000 ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. ભારતીય નેતાઓએ આને પોતાની "રેવડી" નીતિની નકલ ગણાવી છે. નેતાઓએ હસીને કહ્યું કે ટ્રમ્પને 15 લાખ રૂપિયાની રેવડી કેવી રીતે આપવી તે શીખવવા માટે ભારતમાં બોલાવવા પડશે, કારણ કે 2014માં જ ભારતે 15 લાખની રેવડી જાહેર કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતની રેવડીનું  અમેરિકામાં પડયું ડિવિડન્ડ નામ!
  • સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી
    નેતાજી ૧ : અબજ અબજ અભિનંદનના બેનર છપાવીને દેશમાં ચારે બાજુ લગાડી દો. હવે આપણે ખરેખર વિશ્વગુરુ થઈ ગયા.
    નેતાજી ૨ : હવે થઈ ગયા મતલબ ? આપણે અત્યાર સુધી વિશ્વગુરુ ન હતા એમ ? મતલબ કે અત્યાર સુધી આપણે વિશ્વ ગુરુ હોવાની ફેંકમફેંક કરતા હતા એમ ?
    નેતાજી ૩ : ભલા માણસ, કાયમ ફેંકમફેંકને બદલે ક્યારેક તો નક્કર વાત કરો..
    નેતાજી ૧ : અરે યાર, હું ડોનાલ્ડ ટ્રમ્પની જ એકદમ નક્કર વાત કરું છું.
    નેતાજી ૨ : નેતિ નેતિ ! ટ્રમ્પ અને નક્કર વાત..? એ શક્ય જ નથી. ટ્રમ્પના મગજમાં સુરતી લોચો છે, સુરતી લોચો.
    નેતાજી ૩ : ઓ મારા ભાઈ, સુરતી લોચો તો બહુ ટેસ્ટી આઇટમ છે. ટ્રમ્પ તો કડવો વખ જેવો છે. તમે કદાચ કેમિકલ લોચાની વાત કરતા હશો. આમ તો જોકે ટ્રમ્પના મગજ માં કેમિકલ, ફિઝિકલ, બાયોલોજીકલ એમ તમામ પ્રકારના લોચા લાપસી જ હોય એવું લાગે છે.
    નેતાજી ૧: જુઓ, જેમ હજુ થોડાં વર્ષો સુધી આપણે કેવું જિનપિંગને 'ન કોઈ ઘૂસા હૈ, ન ઘૂસને દેંગે' કહી ને ધમકાવતા હતા? હવે આપણે એના માટે ફરી લાલ જાજમ પાથરી રહ્યા છીએ કે નહીં? એ જ રીતે અત્યારે આપણને ટ્રમ્પ ભલે ગમે તેવો લોચાબજ અત્યારે લાગતો હોય પણ એણે હમણાં એવી જાહેરાત કરી છે કે આપણો વિશ્વગુરુ પદનો દાવો કન્ફર્મ થઈ ગયો છે.
    નેતાજી: શું ટ્રમ્પે મીડ ટર્મ જીતવા આપણા બધા નેતાઓને થોડા મહિના ત્યાં બોલાવ્યા છે ? તો તો જનતા અહીં સ્વયંભૂ 'નમસ્તે ટ્રમ્પ'ની ઈવેન્ટ કરશે.
    નેતાજી ૧ : લ્યા એણે આપણી કોપી કરી છે. એણે પણ ત્યાં ચૂંટણી જીતવા દરેક નાગરિક ને પાંચ હજાર ડોલર નું ડિવિડન્ડ આપવાનું જાહેર કર્યું છે.
    નેતાજી ૩: ઓહો, આપણા રમણલાલ જેમ અમેરિકા જઈ ને રેમન થઈ જાય તેમ આપણી રેવડી ત્યાં જઈ ને ડિવિડન્ડ થઈ ગઈ એમ ?
    નેતાજી ૨ : પાંચ હજાર ડોલર બસ ? અલ્યા આ ટ્રમ્પ ને ખરેખર આપણે કોચિંગ માટે અહીં બોલાવવો પડશે અને કાં તો આપણે ત્યાં જઈને એને રેવડી ઉર્ફે ડિવિડન્ડ કેમ કેટલું જાહેર કરાય એ શીખવાડવું પડશે. એને કહી દો કે ભાઈ તમે ભલે વિકસિત દેશ હો પણ રેવડી જાહેર કરવામાં હજુ પછાત જ છો. પાંચ હજાર ડોલર એટલે પૂરા પાંચ લાખ પણ ન થયા ? આપણે તો છેક ૨૦૧૪ માં ડોલર સામે રૂપિયો ૬૦ રૂપિયા જેટલો હતો ત્યારે અહીં પૂરા ૧૫ લાખની રેવડી ડિક્લેર કરી ચૂક્યા છીએ. એના માટે ૫૬ ઈંચની છાતી જોઈએ, ૫૬ ઈંચની.
    નેતાજી ૩ : યાર પછી ટ્રમ્પ પૂછશે તો કે અત્યાર સુધીમાં કેટલાને ૧૫ લાખ આપ્યા ?
    નેતાજી ૧: એ તો આપણે એને કહી દેશું કે પાછલી સરકારોએ ઈકોનોમીનો એટલો દાટ વાળ્યો છે કે અમારે એ પૈસા આપતાં બીજાં ૫૦ વર્ષ નીકળી જશે. આમ એને પણ પૈસા નહીં આપવાનો આઇડિયા મળી જશે.
    …..આ વાત પર બધા નેતાઓ એ એકબીજા ને હસી હસી ને તાળી આપી!
    સ્માઇલ ટીપ
    જીડીપી ગ્રોથ રેટ ૭.૮ ટકા થઈ ગયો છે, એવી જાહેરાત કરતી ટપાલ ભારતીય શેરબજાર ના નામે મોકલાઇ હતી, પણ હજુ ત્યાં મળી નથી.