એક પુત્ર પિતાની બંધ થયેલ પેઢીના નામે અલગથી રજીસ્ટ્રેશન લઈને ધંધો કરે તો જૂની પેઢીની વસુલાતનું શું થઈ શકે?

- GSTનું Ato Z-હર્ષ કિશોર
- જીએસટીની કલમ ૯૩ હેઠળ જવાબદારી નક્કી કરતા પહેલા પીટીશનરને કોઈ કારણદર્શક સુચના પાઠવવામાં આવેલ જણાતી નથી
કેસનું નામ-નવીન વિશ્વનાથન, મેસર્સ ઓરિએન્ટલ ફેસીલીટીના પ્રોપરાઇટર, રીટ પીટીશન ક્રઃ ૮૭૦૯ ઓફ ૨૦૨૫, આદેશ તારીખ ૧૫ એપ્રિલ ૨૦૨૬, નામદાર મુંબઈ હાઇકોર્ટ.
વિગતો : આ કેસમાં મુખ્યત્વે જીએસટીની કલમ ૭૯(૧)(C) અને ૯૩(૧)(a)ની નોટિસ અને કાર્યવાહીને પડકારવામાં આવેલ હતી. પીટીશનરના અવસાન પામેલ પિતા પૂદુગરમન નીલકંતન વિશ્વનાથન, મેસર્સ 'ઓરિએન્ટલ ફેસીલીટી'ના નામે બિઝનેસ કરતા હતા. તેઓનો જીએસટી નંબર 27AMGPP7304N1ZL હતો અને ધંધાનું મુખ્ય સ્થળ સેક્ટર આઠ-બી ફ્લેટ નંબર સી-૨૩૨ વિકાસની- સીએચએસ- સીબીડી- બેલાપુર, થાણે ૪૦૦૬૧૪ વાળી જગ્યાએ હતું.
આ પેઢીને સંબંધિત અધિકારી દ્વારા તારીખ ૨૯મી ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ કારણદર્શક સુચના પાઠવવામાં આવેલ અને ત્યારબાદ સાતમી માર્ચ, ૨૦૨૪ના રોજ પહેલી જાન્યુઆરી, ૨૦૨૩થી અમલી થાય તે રીતે તેમનો નોંધણી દાખલો સુઓ મોટો રીતે રદ કરવામાં આવેલ હતો. પીટીશનરના પિતાનું તારીખ ૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ અવસાન થયેલ.
પિતાના અવસાન અગાઉ પીટીશનર દ્વારા તારીખ ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૩થી એક જુદા જીએસટી નંબર 27ADXPN900D1ZD અને જુદા સરનામે : ઓફિસ નંબર ૮૦૭, પ્રભાત સેન્ટર એનેકસી, સીબીડી, બેલાપુર, નવી મુંબઈ-૪૦૦ ૬૧૪ ખાતેથી, પરંતુ સમાન નામ એટલે કે, મેસર્સ ઓરિએન્ટલ ફેસીલીટી તરીકે ધંધો શરૂ કરવામાં આવેલ હતો. આમ, પિતા અને પુત્રની પેઢીનું નામ સરખું હતું પરંતુ બંનેના રજીસ્ટ્રેશન નંબર, સરનામું અને માલિક જુદા જુદા હતા.
પીટીશનરના પિતાના અવસાન બાદ પાંચ દિવસ પછી એસજીએસટીના સંબંધિત નાયબ કમિશનર દ્વારા તારીખ ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ જીએસટીના નિયમો નિયમ ૧૪૨(૫) હેઠળ ડી.આર.સી સાતમાં રૂપિયા ૩,૮૬,૬૧,૬૫૨/-ની એક ડિમાન્ડ નોટિસ ઈશ્યુ કરવામાં આવેલ હતી. પીટીશનરને આ બાબતોની જાણ થતા તેઓએ ૬ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ પ્રથમ અપીલ ફાઇલ કરેલ અને વિવાદિત રકમના ૧૦% ડાઉન પેમેન્ટ તરીકે જમા કરાવેલ. ત્યારબાદ ડિપાર્ટમેન્ટ દ્વારા પીટીશનરના પિતાના બેંક ખાતા ઉપર મૂકવામાં આવેલ ટાંચ દુર કરવામાં આવેલ હતી.
લગભગ એક વર્ષ પછી અધિકારી દ્વારા જીએસટીની કલમ ૭૯ અને ૯૩ને સાંકળીને પીટીશનરની સામે તારીખ ૨૧ માર્ચ, ૨૦૨૫ના રોજ જીએસટી ડીઆરસી-૧૩ ઈશ્યુ કરવામાં આવેલ અને તેમના સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ખાતા ઉપર ૪.૧૫ કરોડના માંગણાના અનુસંધાને ટાંચ મુકવામાં આવેલ હતી. અધિકારીના આદેશના અનુસંધાને સંબંધિત બેંક દ્વારા પીટીશનરનું બેંક ખાતુ ફ્રીજ કરવામાં આવ્યું હતું. પીટીશનર દ્વારા તારીખ ૨૪ માર્ચ, ૨૦૨૫ના રોજ પત્ર વ્યવહાર કરીને અધિકારીનું ધ્યાન દોરવામાં આવેલ કે મારો બિઝનેસ અને મારા સ્વર્ગસ્થ પિતાનો બિઝનેસ જુદા જુદા છે, માત્ર ધંધાનું નામ સરખું છે. તેથી આપના દ્વારા મારા બેંક ખાતા ઉપર મૂકવામાં આવેલ ટાંચ ઉપાડી લેવા વિનંતી છે. આ રજૂઆતના પ્રત્યુતરમાં અધિકારી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા પીટીશનર દ્વારા હાઇકોર્ટમાં રીટ કરીને દાદ માંગવામાં આવેલ.
કોર્ટની કાર્યવાહી : નામદાર મુંબઈ હાઇકોર્ટ સમક્ષ પોતાની વાતના સમર્થનમાં પીટીશનર દ્વારા નીચે મુજબના છ ચુકાદાનો આધાર લેવામાં આવેલ હતો :
(i) ગેલેક્સી ઇન્ટરનેશનલ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા (૨૦૨૫) ૩૨ Centax ૨૧૨ (Bom).
(ii) પ્રસન્ના કે શેટ્ટી વિરુદ્ધ સ્ટેટ ઓફ ઓફ મહારાષ્ટ્ર (૨૦૨૪) ૧૭ Centax ૪૧૮ (Bom).
(iii) અરવિંદ ટ્રેડર્સ વિરુદ્ધ સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશ (૨૦૨૫) ૩૦ Centax ૧૪૧ (All).
(iv) રાજવંતી દેવી વિરુદ્ધ સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશ (૨૦૨૬) ૪૦ Centax ૧૦ (All).
(v) બરાત્મ સતીશ વિરુદ્ધ સંયુક્ત કમિશનર, સીજીએસટી (૨૦૨૬) ૩૮ Centax ૧૧૮ (A.P.).
(vi) એસ આર સ્ટીલ્સ વિરુદ્ધ ડેપ્યુટી સ્ટેટ ટેક્સ ઓફિસર, Hosur (૨૦૨૪) ૨૪ Centax ૧૪ (Mad).
નામદાર કોર્ટ સમક્ષ પીટીશનરના એડવોકેટ એ વધુમાં સાદર કર્યું કે અમારા અસીલનો જુદો ધંધો છે, જુદુ સરનામું છે, જુદું જીએસટી રજીસ્ટ્રેશન છે. માત્ર તેમના પિતા અને તેમની પેઢીના નામ સરખા છે તેના આધારે તેમના પિતાની બાકી વસુલાત આ કેસના પીટીશનરના બેંક ખાતા પર ટાંચ મૂકીને કરી શકાય નહીં. જીએસટીની કલમ ૯૩ મુજબ વસુલાત કરતાં પહેલા કાયદેસરના વારસદારની જવાબદારી નક્કી કરવાની થાય જે આ કેસમાં કરવામાં આવેલ નથી. ઉપરાંત પીટીશનરને કોઈપણ જાતની નોટિસ કે સાંભળવાની તક આપવામાં આવેલ નથી અને સીધી વસુલાતની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવેલ છે જે અન્યાયી અને ગેરકાયદેસર છે.
સરકાર પક્ષે એવી દલીલ કરવામાં આવી કે આ કેસમાં પીટીશનરના પિતાના નામે મોટી વસુલાત બાકી છે, અને પીટીશનર પોતાના પિતાના ધંધાના સમાન નામ હેઠળ ધંધો કરી રહ્યા છે. તેથી ડિપાર્ટમેન્ટ દ્વારા જીએસટીની કલમ ૭૯ અને ૯૩ હેઠળ જે પગલાં લેવામાં આવેલ છે તે કાયદાની દ્રષ્ટીએ યોગ્ય જણાય છે.
આપણે જાણીએ છીએ કે જીએસટીની કલમ ૯૩માં કોઈ વ્યક્તિના મૃત્યુ પછી જો તેમનો કોઈ કાયદેસર વારસદાર ધંધો ચાલુ રાખે તો ઇન્સોલ્વન્સી અને બેંકરપ્ત્સી કોડ-૨૦૧૬ની કેટલીક જોગવાઈઓને ન બાદ કરતા અગાઉની વેરો, વ્યાજ અને દંડની બાકી વસુલાત તેમની પાસેથી થઈ શકે છે. અહી કોર્ટે નોંધ્યું કે પિટિશનર એને તેમના અવસાન પામેલ પિતા બંનેનો જીએસટી નંબર જુદો જુદો હતો. વધુમાં બંનેના ધંધાનું સ્થળ પણ અલગ હતું. જીએસટીના કાયદા મુજબ જુદા રજીસ્ટ્રેશન ધરાવનાર, એ સ્વતંત્ર ટેક્સેબલ પર્સન ગણાય. આ તમામ બાબતો ઉપરાંત જીએસટીની કલમ ૯૩ હેઠળ જવાબદારી નક્કી કરતા પહેલા પીટીશનરને કોઈ કારણદર્શક સુચના પાઠવવામાં આવેલ જણાતી નથી. જીએસટીની કલમ ૭૯ હેઠળ ડિપાર્ટમેન્ટને વસૂલાત કરવાની વિશાલ સત્તાઓ આપે છે અને કલમ ૯૩ હેઠળ વારસદાર પાસેથી વસુલાત કરવાની પણ સત્તા મળે છે. પરંતુ મુખ્ય પ્રશ્ન એ છે કે શું આ કેસમાં અત્રે રજૂ થયેલ દસ્તાવેજી પુરાવા અને વિગતોના આધારે પીટીશનર તેમના પિતાના ધંધાની જૂની વસુલાત માટે જવાબદાર ઠરે છે? કોર્ટને એવું લાગતું નથી.
સરકારી વેરાની સુરક્ષા માટે કોઈપણ વેપારીના બેન્ક ખાતા ઉપર ટાંચ મુકતા પહેલા ક્ષેત્રાધિકાર ધરાવતા અધિકારીએ તમામ પાસાં ધ્યાને લઈને એક અભિપ્રાય બાંધવો પડે છે. બીજું કે જીએસટીની કલમ ૭૦ હેઠળ અધિકારીને જરૂર જણાય તો કોઈપણ વ્યક્તિને સમન કરીને દસ્તાવેજો રજૂ કરવા અને પુરાવા આપવા માટે બોલાવી શકે છે. જ્યારે જીએસટીની કલમ ૭૪ હેઠળ વેપારી પક્ષે ઇરાદાપૂર્વક કરવામાં આવેલ ક્ષતિની જોગવાઈઓ સામે આદેશ કરવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
અત્રે એ બાબત નિર્વિવાદ છે કે ભારતીય બંધારણના અનુચ્છેદ ૩૦૦છ મુજબ બેંક ખાતુ એક મિલકત ગણાય છે. કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કોઈપણ વ્યક્તિની વેરાકીય જવાબદારી નક્કી કરતા પહેલા તેને નોટિસ આપવી જોઈએ, જે આ કેસમાં થયેલું નથી અને સીધી જ બેન્ક ટાંચની કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે.
આ કેસમાં સંબંધિત અધિકારીએ સૌ પહેલા તો અવસાન પામેલ વ્યક્તિના વારસદાર તરીકે પીટીશનરની બાકી વસુલાતની રકમ ભરવાની જવાબદારી આવે છે કે નહીં તે અંગે ચકાસણી કરીને અભિપ્રાય બાંધવાનો થાય. કેસની હકીકતો જોતા જણાય છે કે આ કેસમાં અધિકારીએ કાયદાકીય ભૂલ કરેલ છે. ઉપરાંત કુદરતી ન્યાયના સિદ્ધાંતનો પણ ભંગ કરેલ છે. તેથી ભારતીય બંધારણના અનુચ્છેદ ૨૨૬ મુજબ કોર્ટે દરમિયાનગીરી કરવાની થાય.
કેસની તમામ વિગતોના અભ્યાસના અંતે કોર્ટ એવા નિર્ણય ઉપર પહોચી છે કે સંબંધિત અધિકારી દ્વારા તારીખ ૨૧ માર્ચ, ૨૦૨૫ના રોજ પીટીશનરને ઈશ્યુ કરવામાં આવેલ નમુના જીએસટી ડીઆરસી-૧૩ અને બેન્ક ટાંચનો આદેશ આથી રદ કરવામાં આવે છે અને તાત્કાલિક ધોરણે પીટીશનરના બેંક ખાતા ઉપરથી ટાંચ ઉપાડવાનો હુકમ કરવામાં આવે છે. ડિપાર્ટમેન્ટ પીટીશનરના મૃત પિતાની જીએસટીની બાકી વસુલાત અંગે જીએસટીની કલમ ૭૯ અને ૯૩ હેઠળ કાયદેસરની યોગ્ય કાર્યવાહી કરવા મુક્ત રહેશે.









