કુલ GDP મુદ્દે વિશ્વના દેશો વચ્ચે મોટી અસમાનતા

- અર્થકારણના આટાપાટા-ધવલ મહેતા
- વિશ્વના ધનિક દેશોમાં અમેરિકા, પ.યુરોપ અને આરબ દેશોનો સમાવેશ
અત્યારનું જગત ૧૯૫ રાષ્ટ્રોમા વહેંચાઈ ગયું છે. તેમા બે રાષ્ટ્રો નોન મેર્બસ હોવાથી જગતમા ૧૯૩ મેમ્બર રાષ્ટ્રો છે જેમાના ઘણા દેશો પાડોશી દેશો સાથે સંઘર્ષ કરે છે. જગતમા વિચારસરણીના યુદ્ધોપણ થઇ ચૂક્યા છે અને હજી ચાલુ છે. જગતના દેશોમાં લોકશાહી, અર્ધલોકશાહી, તાનાશાહી ધરાવતા, મીલીટરી ડીક્ટેટરશીપ ધરાવતા, સામ્યવાદી ડીક્ટેટરશીપ ધરાવતા રાષ્ટ્રો પણ મોજૂદ છે. જગતમા સામ્યવાદી સરમુખત્યાર રાષ્ટ્રોમા રશિયા, ચીન અને ઉત્તર કોરિયા મુખ્ય છે. જગતમા ત્રીજુ વિશ્વયુદ્ધ ક્યારે ફાટી નીકળશે તેની આગાહી કરવી શક્ય નથી.
જગતના દેશો વચ્ચે સરાસરી માથાદીઠ વાર્ષિક આવકમા જબરજસ્ત અસમાનતા જોવા મળે છે જેમા અમેરીકાની લગભગ ૯૦,૦૦૦ ડોલર્સની સરાસરી માથાદીઠ આવકની સરખામણીમા આફ્રીકાના કેટલાક દેશોની માથાદીઠ સરાસરી વાર્ષિક આવક એકહજાર ડોલર્સથી પણ નીચે છે. ભારતની પણ તે માત્ર ૨૮૧૩ ડોલર્સ છે. જગતના ધનિક દેશોમા અમેરીકા ઉપરાંત પશ્ચિમ યુરોપના દેશોનો પણ સમાવેશ થાય છે. જ્યારે પેટ્રોલીયમ અને ગેસની કુદરતી બક્ષીસોને કારણે દુનિયાના કેટલાક આરબદેશોની પણ સરાસરી માથાદીઠ વાર્ષીક આવક ઘણી ઊંચી છે.
જગતની વસતી કૂદકે ને ભૂસકે વધી ગઈ છે. ઇસ. ૧૯૦૦મા જગતની વસતી માત્ર ૧૬૦ કરોડ હતી જે હવે ૨૦૨૬મા વર્લ્ડ પોપ્યુલેશન ક્લોક (ઘડીયાળ) પ્રમાણે ૮૭૦ કરોડ પર પહોંચી ગઈ છે. જેમા ભારત અને ચીનની કુલ વસતીનો મોટો ફાળો છે. જગતની કુલ વસતીમા દર ત્રણમાંથી એક વ્યક્તિ ચાઈનીઝ છે કે ભારતીય છે. જગતમા સૌથી વધુ વસતી ધરાવતા ૧૨ દેશો અને તેમની વસતી નીચે પ્રમાણે છે. ભારત (૧૪૭.૬ કરોડ), ચીન (૧૪૧.૩ કરોડ), યુએસએ (૩૪.૯ કરોડ), ઇન્ડોનેશીયા (૨૮.૮ કરોડ), પાકિસ્તાન (૨૫.૯ કરોડ), નાઇજીરીયા (૨૪.૨ કરોડ), બ્રાઝીલ (૨૧.૪ કરોડ), બાંગ્લાદેશ (૧૭.૮ કરોડ), રશિયા (૨૪.૩ કરોડ), એથોપીયા (૧૩.૯ કરોડ), મેક્સીકો (૧૩.૩ કરોડ) અને જાપાન (૧૨.૨ કરોડ).
ઉપરની યાદીથી એ સ્પષ્ટ થાય છે કે જગતની વસતી વધારામા મુખ્ય ફાળો એશિયા ખંડનો છે. માનવજાત માટે એક સારી બાબત એ છે કે જગતની વસતી વધારાનો સરાસરી દર .૮૩ ટકા (એક ટકાથી પણ ઓછો)થી પણ ઓછો છે. જ્યારે જગતનો સરાસરી આર્થિક વૃદ્ધિ દર ૩ ટકા છે. પરંતુ કુલ જીડીપીની બાબતમા જગતના દેશો વચ્ચે જબરજસ્ત અસમાનતા જોવા મળે છે. દા.ત., અમેરિકાની જીડીપી ૨૦૨૬મા (આઈએમએફ) નીચે મુજબ હતી અમેરીકા ૩૨.૩૮ ટ્રીલીયન ડોલર્સ, ચીનની ૨૦.૮ ટ્રીલીયન ડોલર્સ, જર્મનીની ૫.૫૧ ટ્રીલીયન ડોલર્સ, જાપાનની ૪.૩૮ ટ્રીલીયન ડોલર્સ અને ભારતની તે ૪.૧૫ ટ્રીલીયન ડોલર્સ છે. પરંતુ ભારતની પ્રચંડ વસતીને કારણે ભારતીયજનની સરાસરી વાર્ષીક આવક માત્ર ૨૮૧૩ ડોલર્સ છે જ્યારે અમેરિકાની તે ૯૪.૪૩૦ ડોલર્સ છે અને ભારતની ઘણી જ ઓછી વસતી ધરાવતા યુકેની જીડીપી ભારત કરતા ઓછી હોવા છતા યુકેની સરાસરી માથાદીઠ વાર્ષીક આવક ૬૦૦૦૦ ડોલર્સથી પણ વધારે છે.
મનમોહન સીંઘની સરકાર (૨૦૦૪થી ૨૦૧૪) દરમિયાન ભારતનો સરાસરી આર્થિક વૃદ્ધિ દર ૭.૭ ટકા જ્યારે મોદી સરકાર હેઠળ તે ૬.૮ ટકા હતો પરંતુ મનમોહનસીંઘની સરકાર દરમિયાન ફુગાવાનો દર ૭.૫ ટકા જેટલો ઊંચો હતો જ્યારે મોદી સરકાર હેઠળ ફુગાવાનો સરાસરી દર ૪.૮ ટકા હતો જે રીઝર્વ બેંકની ૨થી૬ ટકાના ફુગાવા દરની મર્યાદામાં હતો. ભારતીય અર્થકારણની મુખ્ય નબળાઈ એ છે કે ભારત કુલ વર્ક ફોર્સના ૪૨થી ૪૬ ટકા ખેતીક્ષેત્રે કામ કરે છે.પરંતુ તેઓનો ભારતની જીડીપી ફાળો માત્ર ૧૬થી ૧૮ ટકાની આજુબાજુ રહે છે. જ્યારે ચીનની જીડીપીમા ખેતીક્ષેત્રનો ફાળો ૬.૭ છે ચીનના કુલ વર્કફોર્સમા માત્ર ૨૨ ટકા ખેતી ક્ષેત્રે રોકાયેલા હોવા છતાં ખેત ઉત્પાદનક્ષેત્રે તે જગતમાં પ્રથમ ક્રમે છે.









