Business Plus

હરિયાણાની MSME નીતિ, 55,000 કરોડનું રોકાણ , પાંચ લાખને નોકરી

By GS Team
9 Aug 20265 mins read
હરિયાણાની MSME નીતિ, 55,000 કરોડનું  રોકાણ , પાંચ લાખને નોકરી
  • સંસદમાં માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ ડેવલપમેન્ટ (એમેન્ડમેન્ટ) બિલ ૨૦૨૬ મંજૂર કરી દીધું છે
  • ભારતમાં ૭.૪૭ કરોડ રજીસ્ટર્ડ એમએસએમઇ છે અને તે કરોડો લોકોને રોજગારી આપે છે.

સંસદમાં માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ ડેવલપમેન્ટ (એમેન્ડમેન્ટ) બિલ ૨૦૨૬ મંજૂર કરી દીધું છે, જેનો ઉદ્દેશ્ય એમએસએમઇ (MSMEs) દ્વારા સામનો કરવામાં આવતા પેમેન્ટ વિલંબને દૂર કરવાનો અને વિવાદ નિવારણને સરળ બનાવવાનો છે. રાજ્યસભા દ્વારા આ બિલને ગયા સોમવારે મંજૂરી આપવામાં આવ્યા બાદ શુક્રવારે લોકસભાએ પણ તેને પસાર કર્યું હતું.
આ નવા કાયદા હેઠળ કેન્દ્રીય જાહેર ક્ષેત્રના સાહસો (CPSEs) માટે એમએસએમઇના બીલો અટવાઇ ના જાય અને સમયસર પેમેન્ટ મળતું રહે તે માટે છે. આ બીલનો મુખ્ય હેતુ પેમેન્ટથી નાના એકમોને આર્થિક ભીંસ ના અનુભવવી પડે. રોકડ ફરતી રહે અને રોજીંદા બિઝનેસમાં આર્થિક સમસ્યા ઉભી ના થાય તે માટે ટ્રેડ રિસિવએબલ્સ ડિસ્કાઉન્ટિંગ સિસ્ટમ (TReDS) દ્વારા તમામ ખરીદીના ઇન્વોઇસ ચૂકવવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
તેમાં જોગવાઈ છે કે વિવાદોના કિસ્સામાં ૯૦ દિવસની અંદર મધ્યસ્થી પૂર્ણ કરવી પડશે અને જો કોઈ અપીલ છ મહિનાથી વધુ સમય સુધી લંબાય તો અદાલતોએ MSME ને વિવાદિત એવોર્ડ રકમમાંથી ઓછામાં ઓછા ૫૦ ટકા નાણાં ચૂકતે કરવા પડશે.
નાણા ચૂકનવારને વહીવટી ચેતવણીઓ અને ૧,૦૦૦ રૂપિયાથી લઈને ૧,૦૦,૦૦૦ રૂપિયા સુધીના દંડની પણ જોગવાઇ કરાઇ છે.
અહીં ઉલ્લેખનીય છેકે ભારતમાં ૭.૪૭ કરોડ રજીસ્ટર્ટ એમએસએમઇ છે અને તે કરોડો લોકોને રોજગારી આપે છે.
કરોડો લોકોને રોજગારી આપતા નાના એકમોનો મોટા ઉદ્યોગો પેમેન્ટ બહુ મોડું આપતા હોવાની અનેક ફરિયાદોના પગલે સરકારે નાના એકમેા આર્થિક ભીંસમાં ના મુકાય તે માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરી હતી. ૪૫ દિવસમાં ફરજીયાત પેમેન્ટનો આદેશ હોવા છતાં અનેક મોટા ઉદ્યોગો તેનું પાલન કરતા નહોતા. પેમન્ટની અનિયમિતતા અંગે સરકાર સમક્ષ ૨,૫૬,૮૯૨ ફરિયાદો નોંધાઇ હતી. સરકારે બંને પક્ષને સામસામે બેસાડીને કેટલીક ફરિયાદોનો નિકાલ કર્યો હતો જ્યારે કેટલીક ફરિયાદો દંડને પાત્ર બની હતી.
ગયા અઠવાડિયે સંસદમાં એમએસએમઇને પેમેન્ટમાં કાયદાનું રક્ષણ આપતું બીલ પાસ કરાયું તે ખુબ આવકારદાયક છે.
MSME મોડા ચુકવણીના કિસ્સા ઘટયા, નિકાલનો દર વધુ ઝડપથી ઘટયો
માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME) માટે નાણાં મળવામાં થતો વિલંબ હજુ પણ એક મુખ્ય ચિંતાનો વિષય બન્યો છે કારણ કે ફરિયાદોના નિકાલનો દર ખૂબ ઘટી ગયો છે. જેમાં ખાનગી કંપનીઓ, સંસ્થાઓ, મહારાષ્ટ્ર અને દિલ્હી બાકી લેણી રકમમાં સૌથી આગળ છે.
૮ જૂન, ૨૦૨૬ સુધી નોંધાયેલી ૨,૫૬,૮૯૨ ફરિયાદોમાંથી ખાનગી ક્ષેત્ર અને સંસ્થાઓ સૌથી મોટા ડિફોલ્ટર (નાણાં ન ચૂકવનાર) છે, ત્યારબાદ રાજ્ય સરકારો અને સેન્ટ્રલ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ (કેન્દ્રીય જાહેર ક્ષેત્રના સાહસો) આવે છે. રાજ્યોમાં મહારાષ્ટ્ર અને દિલ્હી બંને મળીને કુલ બાકી રકમના ત્રીજા ભાગથી વધુ હિસ્સો ધરાવે છે.
હરિયાણા રાજ્યએ તાજેતરમાં MSME નીતિ જાહેર કરી છે . જેમાં ૫૫,૦૦૦ કરોડના રોકાણ અને ૫૦૦,૦૦૦ નોકરીઓનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
આ નીતિ કેપિટલ સબ્સિડી, નિકાસ સહાય અને ટેકનોલોજી પ્રોત્સાહનો પૂરા પાડે છે, કારણ કે હરિયાણા આગામી પાંચ વર્ષમાં નિકાસ બમણી કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.
હરિયાણા સરકારે નવી એમએસએમઈ (MSME) અને એક્સપોર્ટ પ્રમોશન પોલિસી જાહેર કરી છે, જેનો ઉદ્દેશ્ય ઉત્પાદન ક્ષેત્રે ૫૫,૦૦૦ કરોડથી વધુનું રોકાણ આકર્ષિત કરવાનો, ૫,૦૦,૦૦૦ થી વધુ રોજગારીની તકો ઊભી કરવાનો અને આગામી પાંચ વર્ષમાં રાજ્યની નિકાસને બમણી કરવાનો છે.
હરિયાણા રાજ્યની સ્થાપનાના ૬૦ વર્ષ પૂર્ણ થવાની યાદમાં આ નીતિમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEજ) માટે ૬૦ પહેલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેનો હેતુ રોકાણ, ધિરાણ, ટેકનોલોજી અપનાવવી, સંશોધન, ગુણવત્તા પ્રમાણપત્ર, નિકાસ, ગ્રીન મેન્યુફેક્ચરિંગ અને કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્રોમાં સાહસોને ટેકો આપવાનો છે.
તે છ મુખ્ય સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરે છે : નાણાકીય સહાય, માળખાકીય સુવિધાઓ અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ (સરળ વ્યાપાર), ગુણવત્તા અને ટેકનોલોજી સુધારણા, વૈશ્વિક બજારો સુધી પહોંચ, ટકાઉ ઔદ્યોગિક વિકાસ, તેમજ કૌશલ્ય વિકાસ અને રોજગાર.
નાના ઉદ્યોગો ૧૫ ટકાથી ૩૦ ટકા સુધીની કેપિટલ સબ્સિડી મેળવવા માટે પાત્ર રહેશે. આ ઉપરાંત, ઈનોવેશન આધારિત સ્ટાર્ટ-અપ્સ અને ઉભરતા MSME ને સહાય કરવા માટે સરકાર ૨૦૦ કરોડનું વેન્ચર કેપિટલ ફંડ પણ સ્થાપશે. પ્રસ્તાવિત હરિયાણા એમએસએમઈ વીમા યોજના હેઠળ, ઉદ્યોગોને વીમા પ્રીમિયમના ૩૩ ટકા સુધીની સહાય મળશે. એમએસએમઈ નિકાસકારો એક્સપોર્ટ ક્રેડિટ ઈન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ હેઠળ ૩ ટકા વ્યાજ સહાય માટે પાત્ર બનશે, જે વાર્ષિક મહત્તમ ૧૦ લાખની મર્યાદામાં રહેશે.
સરકાર 'ક્લસ્ટર પ્લગ-એન્ડ-પ્લે' યોજના હેઠળ આધુનિક ઔદ્યોગિક ક્લસ્ટરો સ્થાપવાની પણ યોજના બનાવી રહી છે. આ ક્લસ્ટરો ઓછામાં ઓછા પાંચ એકરના વિસ્તારમાં વિકસાવવામાં આવશે અને તે પોતાના કામકાજની સ્થાપના કે વિસ્તાર કરવા માંગતા સાહસોને જરૂરી માળખાકીય સુવિધાઓ પૂરી પાડશે. નિકાસ ફ્રેટ (ભાડા) સહાયની મર્યાદા વધારીને ઔદ્યોગિક એકમ દીઠ વાર્ષિક ૩૦ લાખ કરવામાં આવી છે. આ નીતિ ૧૦ કરોડની 'એક્સપોર્ટ બૂસ્ટર ગ્રાન્ટ' પણ પૂરી પાડે છે.
'મુખ્યમંત્રી ફર્સ્ટ એક્સપોર્ટર પ્રોમોશન સ્કીમ' હેઠળ, પાત્રતા ધરાવતા સાહસોને સળંગ ત્રણ વર્ષ માટે વાર્ષિક ૨૦ લાખ સુધીની નાણાકીય સહાય મળશે. સમયસર કાનૂની મંજૂરીઓ સરળ બનાવવા માટે દરેક જિલ્લામાં સિંગલ-વિન્ડો સિસ્ટમ સ્થાપવામાં આવશે.
ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા નિકાસ કરતા ઉદ્યોગો દ્વારા ચૂકવવામાં આવતી પ્લેટફોર્મ ફીના ૭૫ ટકા રકમ સરકાર પરત (રિઈમ્બર્સ) કરશે. આ વળતર વાર્ષિક મહત્તમ ૨ લાખ સુધીનું રહેશે અને સતત પાંચ વર્ષ માટે મળશે.
રાજ્યના ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય વ્યાપારી તકો અને વિદેશી બજારો સુધી પહોંચવામાં મદદ કરવા માટે એક વર્ચ્યુઅલ ગ્લોબલ એમએસએમઈ પોર્ટલ સ્થાપવામાં આવશે. આ નીતિમાં ઓટોમેશન અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ માટે પ્રોત્સાહનો રજૂ કરવામાં આવ્યા છે. રોબોટિક્સ, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT), સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ અને અન્ય ટેકનોલોજી અપનાવતા સાહસોને પ્રોજેક્ટ ખર્ચના ૨૫ ટકા જેટલી સહાય મળશે. આ સહાય ૫૦ લાખથી ૧ કરોડ સુધીની રહેશે.
સંશોધન અને વિકાસ (R&D) કેન્દ્રો સ્થાપતા ઉદ્યોગો પ્રોજેક્ટ ખર્ચના ૫૦ ટકા સુધીની ગ્રાન્ટ માટે પાત્ર બનશે, જેની મહત્તમ મર્યાદા ૫ કરોડ રહેશે. પોતાના પરિસરમાં ઇન-હાઉસ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) લેબોરેટરી સ્થાપતા સાહસોને ૩૩ ટકાની નાણાકીય સહાય મળશે.