Business Plus

દાણચોરીના સોનાની આયાત વધતાં ડિસ્કાઉન્ટ બોલાતા થયા

By GS Team
20 Sep 20263 mins read
TukuTouch Logo
દેશમાં તહેવારોની મોસમ શરૂ થતાં ઝવેરીબજારોમાં ચહલપહલ વધવાની આશા છે. જોકે, ઊંચા ભાવ અને અલ-નીનોની અસરને કારણે ગ્રામીણ માગ ઘટવાની ભીતિ છે. સરકારે સોનાની આયાત ડ્યુટી વધારતા દાણચોરી વધીને 100 ટન થવાની શક્યતા છે, જેના ભાવ સામાન્ય સોના કરતાં 8000 રૂપિયા ઓછા છે. કસ્ટમ વિભાગ સતર્ક છે, છતાં દાણચોરો સક્રિય બન્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દાણચોરીના સોનાની આયાત વધતાં ડિસ્કાઉન્ટ બોલાતા થયા

દેશમાં તહેવારોની મોસમના આરંભ વચ્ચે ઝવેરીબજારોમાં હવે ચહલપહલ વધવાની આશા બજારના જાણકારો દર્શાવી રહ્યા હતા. ભારતમાં ઓગસ્ટ મહિનાથી તહેવારોની મોસમ શરૂ થાય છે તથા વિવિધ તહેવારો વચ્ચે શ્રી ગણપતી ઉત્સવ, જન્માષ્ટમી તથા નવરાત્રી, દશેરા તથા દિવાળી સુધી તહેવારોની મોસમ ખીલતી હોય છે અને ત્યારબાદ નાતાલના તહેવારો પણ આવતા હોય છે. આ વિવિધ તહેવારોમાં સોના- ચાંદી તથા ડાયમંડ બજારમાં માગ તથા પુછપરછો વધતી હોય છે એવું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દેશમાં સોના- ચાંદીના ભાવ જોકે એકંદરે ઉંચા રહ્યા છે તથા તેના પગલે માગને અસર પડતી હોય છે. ઉપરાંત આ વર્ષે અલનીનોની ઈમ્પેક્ટ ચોમાસા પર દેખાઈ છે તથા વરસાદની અનિયમિતતા વચ્ચે કૃષી ક્ષેત્રને અસર પડશે તો ગ્રામિણ વિસ્તારોમાં તથા ખેડૂતોની આવક પર અસર પડશે અને તેના પગલે દેશના ઝવેરીબજારોમાં ગ્રામિણ વિસ્તારોની તથા ખેડૂતોની માગ પર અસર પડશે એવી ભીતી પણ ઝવેરીબજારોના જાણકારો જણાવી રહ્યા હતા.
વિશ્વબજારમાં સોનાના ભાવ તાજેતરમાં ઔંશના ૪૨૦૦થી ૪૪૦૦ ડોલર વચ્ચે ફરતા રહ્યાના સમાચાર હતા. દેશના ઝવેરીબજારોમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી સાથે રૂ.૧૫૬૦૦૦થી ૧૫૭૦૦૦ વચ્ચે અથડાતા રહ્યા છે. જ્યારે ચાંદીના ભાવ જીએસટી સાથે કિલોદીઠ રૂ.૨૩૦૦૦૦થી ૨૪૦૦૦૦ વચ્ચે ફરતા રહ્યા છે. વિશ્વબજારમાં ચાંદીના ભાવ ઔંશના ૬૨થી ૬૪ ડોલર વચ્ચે અથડાતા રહ્યા છે. ઝવેરીબજારોમાં તાજેતરમાં પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૬૦ હજારથી ૬૫ હજાર વચ્ચે રહ્યા છે જ્યારે વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૭૦૦થી ૧૮૦૦ ડોલર વચ્ચે રહ્યાના વાવડ મળ્યા હતા. દરમિયાન, ભારતમાં આ વર્ષે સરકારે સોનાની ઈમ્પોર્ટ ડયુટીમાં વૃધ્ધિ કરી છે તથા તેના પગલે દેશમાં સોનાની દાણચોરી પણ વધ્યાની ચર્ચા બજારમાં સંભળાઈ હતી.
ભારતમાં સરકારે આ વર્ષે મે મહિનામાં ગોલ્ડની ઈમ્પોર્ટ ડયુટી વધારી ૧૫ ટકા કરી હતી તથા જીએસટીના ત્રણ ટકાના દર ઈમ્પોર્ટ ડયુટી ઉપરાંતના રહ્યા છે. આના પગલે ભારતમાં સોનાની દાણચોરી વધી છે તથા એક અંદાજ મુજબ દેશમાં આ વર્ષે દાણચોરીના સોનાની આયાત વધી ૧૦૦ ટન જેટલી થવાની શક્યતા બજારમાં ચર્ચાતી સંભળાઈ છે. દરમિયાન, બજારના જાણકારોના જણાવ્યા મુજબ ઝવેરીબજારોમાં સોનાના નોર્મલ ભાવની સરખામણીએ દાણચોરીના સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ આશરે રૂ.૮૦૦૦ જેટલા નીચા બોલાતા રહ્યા છે. દાણચોરીનું સોનું ડિસ્કાઉન્ટમાં વેંચાતુ રહ્યાની ચર્ચા બજારમાં સંભળાઈ છે. સરકાર દ્વારા સોનાની દાણચોરીને અટકાવવા છાશવારે દરોડા પડાતા રહ્યા છે તથા દેશના હવાઈ મથકોએ કસ્ટમ વિભાગ દ્વારા બારીક નજર રખાઈ રહી છે તથા તેના પગલે દાણચોરો વધુ સતર્ક પણ બન્યા હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. સરકાર દ્વારા દાણચોરીનું સોનું છાશવારે પકડાતું રહ્યું છે. આ પૂર્વે સરકારે ૨૦૧૩માં સોનાની ઈમ્પોર્ટ ડયુટી વધારી હતી એ વખતે પણ દેશમાં દાણચોરીના સોનાની આયાત વધી ગઈ હતી. ૨૦૧૪ના પ્રથમ ત્રિમાસિકમાં દેશમાં દાણચોરીના સોનાની ઈમ્પોર્ટ ઝડપી વધી ૭૦ ટન થઈ હતી જે ૨૦૧૩ના આ ગાળામાં માત્ર ૧૦ ટન નોંધાઈ હતી. ૨૦૧૪ પછીના ગાળામાં દેશમાં દાણચોરીના સોનાની ઈમ્પોર્ટ દર ત્રિમાસિકમાં સરેરાશ ૩૦થી ૩૫ ટન આવતી જોવા મળી હોવાની ચર્ચા બજારમાં સંભળાઈ હતી.