For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સોનાની આયાત ડયુટી અને GST દરમાં ઘટાડો કરવા સરકારની કવાયત

કોમોડિટી કરંટ - જયવદન ગાંધી

Updated: May 5th, 2019

Article Content Image

આવતી કાલથી શરૂ થતા અખાત્રીજના તહેવારને કારણે ઝવેરી બજારમાં ભારે ઉત્સાહનો માહોલ છે. આ વખતે સોનું લગભગ ૬૦૦ રૂપિયા સસ્તું થતા વેપારીઓ તથા ગ્રાહકોમાં પણ સોનાની ખરીદીમાં ઉત્સાહ બેવડાઈ રહ્યો છે. ભારતીય પરંપરામાં અખાત્રીજે સોનાની ખરીદી અતિ શુભ માનવામાં આવે છે. ગયા વર્ષે અખાત્રીજે સોનાના ભાવો પ્રતિ ૧૦ ગ્રામે રૂપિયા ૩૧૫૦૦ની આસપાસ રહ્યા હતા. આ વર્ષે પણ રૂપિયાની મજબૂતીને કારણે સોનામાં ૨થી ૫ ટકાના ઘટાડા સાથે ભાવો રૂા. ૩૦૮૦૦ સુધી નીચે જવાની સંભાવના બજાર વર્તુળોમાં છે.

હાલમાં સોનાની ઘટતી બજારને કારણે સોનાની ખરીદીમાં વેઇટ એન્ડ વોચની સ્થિતિ છે. વૈશ્વિક સ્તરે પણ સોનું પ્રતિ ઔંશે ૧૨૫૦ ડોલરથી પણ નીચે જઈ રહ્યું છે. સોનાની સમાંતર ચાંદીમાં વૈશ્વિક સ્તરે ૧૪.૫૦ ડોલરથી નીચે અને ભારતીય બજારમાં પ્રતિ કિલોએ રૂા. ૩૫૮૦૦ સુધી જવાની શક્યતાઓ જોવાઈ રહી છે. સોનું સસ્તું થઈ રહ્યું હોવાથી રોકાણકારો તેમજ જ્વેલરી ખરીદ કરનાર વર્ગની પણ માંગ વધવાની વકી છે.

સોનાની માંગમાં છેલ્લા બે વર્ષ પછી સુધારો જોવા મળી રહ્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલો પ્રમાણે વર્ષ ૨૦૧૯ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમ્યાન સોનાની માંગ પાંચ ટકાના વધારા સાથે ભારતમાં ૧૫૯ ટનની આસપાસ રહી છે.

સોના બજારમાં ભાવો તૂટવાની સાથે સાથે લગ્નસરાની ખુલેલી સીઝન અને અખાત્રીજ જેવા તહેવાર અને ખેડૂતોની આવકમાં થયેલા વધારાના કારણે માંગ સતત વધી રહી છે. આ વર્ષ લગ્નના મુહૂર્તમાં પણ ત્રણ ગણો વધારો થયો છે. આગામી ચોમાસું પણ સારું રહેવાના સંકેતોને પગલે આ વર્ષે સોનાની માંગ સરેરાશ ૭૫૦થી ૮૫૦ ટન રહેવાની ગણત્રી છે.

સોનાની વેલ્યુ પ્રમાણે જોઈએ તો પ્રથમ ત્રણ મહિના દરમ્યાન સોનાની માંગ ૧૩ ટકાના ઉછાળા સાથે ૪૭૦૦૦ કરોડને પાર કરી ગઈ છે જે ગત વર્ષે લગભગ ૪૧૦૦૦ કરોડની આસપાસ રહી હતી. સોનાના આભૂષણોની માંગ પણ ૧૨૫ ટનને પાર કરી પાંચ ટકાનો વેચાણ વધારો રહ્યો છે. વર્ષ ૨૦૧૯ના પ્રથમ ત્રણ માસ દરમ્યાન સોનાના ભાવો ૩૦૦૦૦ની ઉપર રહ્યા હતા પરંતુ ત્યારબાદ રૂપિયામાં મજબૂતી અને વૈશ્વિક પરિબળોને કારણે સોનામાં ગાબડા રહેતા ભાવો સતત તૂટીને ૩૧૦૦૦ની આસપાસ આવી ગયા છે.

સોના બજારને પ્રોત્સાહન મળે તે માટે સોનાની આયાત ડયુટી અને સોના ઉપર લાગતા GST દરમાં પણ ઘટાડો કરવાની ઉઠેલી માંગને કારણે સરકારે મામલો હાથ ઉપર લઈને સમીક્ષા ચાલી રહી છે. સરકારે સુવર્ણ નીતિ ઉપર ચર્ચા વિમર્શ થઈ રહી છે. સોનાની આયાત ડયુટી હાલમાં ૧૦ ટકા છે જેમાં ઘટાડો કરીને ચાર ટકા કરવા ઉપર સરકાર વિચાર કરી રહી છે. ભારે આયાત ડયુટીને કારણે ઘણાં વર્ષોથી સોનાની આયાત ક્રમશઃ ઘટી રહી છે.

વર્ષ ૨૦૧૮- ૧૯ દરમ્યાન સોનાની આયાતમાં ત્રણ ટકાનો ઘટાડો થયો છે. વર્ષ ૨૦૧૨-૧૩ દરમ્યાન તત્કાલીન સરકારે સોનાની આયાત ડયુટી ૨ ટકાથી ૧૦ ટકા કરી હતી જેને પગલે અધિકૃત આયાત ઘટી પરંતુ સોનાની દાણચોરીની પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર ઉછાળો થયો છે. ખાસ કરીને દક્ષિણ કોરિયા અને મલેશિયા જેવા દેશોમાંથી આવતા સોનાના જથ્થાના કારણે સ્થાનિક બજારમાં મુંઝવણ વધી ગઈ છે. આયાત ડયુટીની સામે સોના ઉપર લાગતા ત્રણ ટકા  GST માં પણ છૂટછાટ આપવા માંગ ઊઠી છે.

અમેરિકાની સેન્ટ્રલ રિઝર્વ ફેડરલ બેંકે વ્યાજના દરોમાં કોઈ ફેરફારો નહિ કરતા ડોલર મજબૂત બન્યો છે. જેની અસર સોના ઉપર પડી છે. આ ઉપરાંત ડોલરની સાથે સાથે રૂપિયો પણ મજબૂત થતા સોના ઉપર ડબલ પ્રેશર થવાને કારણે સોના બજાર મંદી તરફ સરકી રહ્યું છે. અખાત્રીજ નજીક છે ત્યારે સોનાના હાલમાં ૩૧૩૦૦ અને ચાંદી ૩૬૮૦૦ની આસપાસ ભાવો છે.

દરમ્યાન બીજી તરફ એગ્રી કોમોડિટી બજારો તેજી તરફી જઈ રહ્યા છે. ઇલાયચીમાં ત્રણ ટકાની ઉપલી સરકીટોથી ભાવો કંટ્રોલ કરવામાં આવી રહ્યા છે. જ્યારે મસાલામાં જીરૂ ૧૬૮ પ્રતિ કિલોથી ઉછળીને ૧૭૨ સુધી અને ધાણા ૬૪૪૦થી ઉછળીને ૬૬૦૦ ઉપર જવાની શક્યતાઓ વધી છે.

કૃષિ બજારોમાં ચૂંટણીની આચારસંહિતાને કારણે રોકડ નાણાંની મુવમેન્ટ અટકી જતા નાણાંભીડ વર્તાઈ રહી છે. હવાલાની કામકાજ કરતી આંગડિયા પેઢીની સેવાઓ પણ લગભગ બંધ જેવી હોવાથી કૃષિ બજારો પણ પ્રેશરમાં છે. ગરમી અન માવઠાઓના કારણે ખેડૂત તથા વેપારી વર્ગ લાચાર સ્થિતિમાં છે. રવિ પાકોનું વેચાણ કાર્ય પૂર્ણ થયું નથી ત્યારે સોયાબીન, કપાસ, મકાઈ જેવા પાકોનું ખરીફ વાવેતર શરૂ થવામાં હોવાથી કૃષિ ક્ષેત્રમાં અનિશ્ચિતતાનો માહોલ છવાયો છે.

Gujarat