Business Plus

ક્રૂડ ઉછળતાં કોલસાના ભાવ પણ ઉંચકાયા

By GS Team
13 Sep 20263 mins read
TukuTouch Logo
ઈરાન-અમેરિકા યુદ્ધની સ્થિતિ વચ્ચે ક્રૂડના ભાવ 100 ડોલર પાર થતાં વૈકલ્પિક ઊર્જા બજારમાં ગરમાવો આવ્યો છે. ભારતમાં કોલસાનો 1240 લાખ ટનનો સ્ટોક 51 દિવસની માંગ પૂરી કરવા સક્ષમ છે. અલનીનોને કારણે વીજળીની માંગ વધતા કોલસા આધારિત ઉત્પાદન વધ્યું છે. કોલસાના ભાવ વધતા સ્પોન્જ આયર્નના ભાવ 2 વર્ષની ટોચે પહોંચ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્રૂડ ઉછળતાં કોલસાના ભાવ પણ ઉંચકાયા

ઈરાન- અમેરિકાના યુધ્ધના પગલે વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળતા રહી તાજેતરમાં બેરલદીઠ ૧૦૦ ડોલરની સપાટી કુદાવી ગયા છે અને ક્રૂડની ઝડપી તેજીની ઈમ્પેક્ટ વૈકલ્પીક ઊર્જાના વિવિધ બજારો પર પણ દેખાઈ છે. ક્રૂડના ભાવ વધતાં વૈકલ્પિક ઊર્જાના વિન્ડ એનર્જી, સોલાર એનર્જી સહિતના વિવિધ ક્ષેત્રોમાં પણ તાજેતરમાં ચહલપહલ વધતી જોવા મળી છે. કોલસાની બજારમાં પણ ક્રૂડ પાછળ ભાવમાં ગરમાટો જોવા મળ્યો છે. અમેરિકાથી તાજેતરમાં મળેલા સમાચાર મુજબ કોલસાના ઉપયોગ મારફત વિજળીનું જેટલું ઉત્પાદન થયું છે તેની સરખામણીએ સોલાર એનર્જી (સુર્યપ્રકાશ દ્વારા ઉત્પન્ન થતી વિજળી)નું પ્રમાણ વધી ગયાના વાવડ મળ્યા હતા. ભારતમાં તાજેતરમાં કોલસાનો સ્ટોક આશરે ૧૨૪૦ લાખ ટનનો નોંધાયો હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું તથા આ જથ્થો ભારતથી આશરે ૫૧ દિવસ સુધી ચાલે તેટલી માગને પહોંચી વળવા સક્ષમ હોવાનું સૂત્રો જણાવી રહ્યા હતા. દેશમાં તાજેતરમાં વરસાદની ગતી ધીમી પડતાં કોલસાના- ઉત્પાદનમાં વૃધ્ધિ થઈ હોવાના વાવડ હતા. વિજ ઉત્પાદન પણ વધ્યું છે. ભારતમાં કોલસાની દૈનિક માગ આશરે ૨૪ લાખ ટન સરેરાશ રહેતી હોય છે એવું કોલસા તથા ખાણ ખાતાના મંત્રાલયે તાજેતરમાં જણાવ્યું હતું. કોલસા પર આધારીત વિજળીનું ઉત્પાદન વધ્યું છે. ભારતમાં તાજેતરમાં માઈન્સ ખાતે તથા ટ્રાન્સપોર્ટમાં કોલસાનો સ્ટોક આશરે ૧૦૦૦ લાખ ટનનો નોંધાયો છે. જ્યારે પાવર પ્લાન્ટો પાસે આવો સ્ટોક આશરે ૨૩૭ લાખ ટનનો નોંધાયો છે. આ વર્ષે એપ્રિલથી ઓગસ્ટ દરમિયાનના ગાળામાં પાવર ક્ષેત્રમાં કોલસાની સપ્લાય વધી ૩૪૬૭થી ૩૪૬૮ લાખ ટન નોંધાઈ છે. ગયા વર્ષે આ ગાળામાં આ આંકડો આશરે ૩૩૧૭થી ૩૩૧૮ લાખ ટનનો નોંધાયો હતો. દેશમાં આ વર્ષે અલનીનોના પગલે વરસાદની ચાલ અનિયમિત તથા ગરમીનું પ્રમાણ વધુ રહેતાં દેશમાં તાજેતરના મહિનાઓમાં વિજળીની માગમાં ખાસ્સી વૃધ્ધિ નોંધાઈ હતી.
દેશમાં કોલસાની હેરફેર વિશેષ રૂપે રેલવે મારફત થાય છે પરંતુ તાજેતરમાં રોડમાર્ગે પણ કોલસાની હેરફેર વધતી દેખાઈ છે. સરકાર હસ્તકની કોલ ઈન્ડિયામાં તાજેતરમાં કોલસાનું દૈનિક ઉત્પાદન વધી ૧૯ લાખ ટનની સપાટી પાર કરી ગયાના વાવડ મળ્યા હતા. આ દરમિયાન, પાવર પ્લાન્ટો તરફ કોલસાની દૈનિક રવાનગી વધી ૧૭ લાખ ૪૦ હજાર નોંધાઈ છે. તાજેતરમાં વિજળીનું ઉત્પાદન કરતા પાવર પ્લાન્ટોમાં કોલસાની સપ્લાય ઘટયા પછી હવે ફરી વધતી દેખાઈ છે. દેશમાં ચોમાસું નબળું રહેતાં પાણી પર આધારીત હાઈડ્રો- પાવરનું ઉત્પાદન ઘટતાં કોલસા પર આધારીત વિજળી પર આધાર વધ્યો હોવાનાં બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. ક્રૂડની તેજીના પગલે વિશ્વબજારમાં કોલસાના ભાવ ઉંચા ગયા છે તથા તેના પગલે દેશમાં આયાત થતા કોલસાની કોસ્ટ પણ વધી છે. આયાતી કોલસા મોંઘા થતાં દેશના બજારોમાં સ્પોન્જ આયર્નના ભાવ વધી બે વર્ષની ટોચે પહોંચ્યા હોવાના સમાચાર તાજેતરમાં મળ્યા હતા. દેશમાં સેકન્ડરી સ્ટીલનું ઉત્પાદન કરતા ઉત્પાદકો દ્વારા સ્પોન્જ આયર્નનો વપરાશ થતો રહ્યો છે. ભારતમાં સ્ટીલ ક્ષેત્ર તથા સ્પોન્જ આયર્ન ક્ષેત્રમાં આયાતી કોલસાનો નોંધપાત્ર વપરાશ થતો હોય છે. સ્પોન્જ આયર્ન ઉત્પાદકોના સંગઠનના જણાવ્યા મુજબ કોલસાની શોર્ટ સપ્લાય ચિંતાનો વિષય બની હતી. વિશ્વબજારમાં આ વર્ષે મે મહિનાથી અત્યાર સુધીના ગાળામાં કોલસાના ભાવમાં આશરે ૧૪થી ૨૦ ટકા સુધીની જાતવાર વૃધ્ધિ નોધાઈ છે. દરમિયાન, કોલસાના ભાવ વધતા દેશમાં સ્પોન્જ આયર્નના ભાવ ઉછળી ટનના રૂ.૩૦ હજાર નજીક પહોંચી જતાં બે વર્ષની ટોચ ભાવમાં દેખાઈ છે.