For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બજારની વાત .

Updated: Apr 28th, 2024

બજારની વાત                                                                           .

મૂળ ભારતીયને ૯૫૦૦ કરોડનો જેકપોટ લાગ્યો?

અમેરિકાના ન્યુ જર્સીમાં ગયા મહિને એક વ્યક્તિ મેગા મિલિયન જેકપોટમાં ૧.૧૩ અબજ ડોલર (લગભગ ૯૫૦૦ કરોડ રૂપિયા) જીતી હતી.  આ લકી વિનરની વિગતો જાહેર કરાઈ નથી પણ આ વ્યક્તિ ભારતીય મૂળની હોવાનો મીડિયા અહેવાલમાં દાવો કરાતાં અમેરિકન ભારતીયોમાં ઉત્તેજના છે. મીડિયાએ લકી વિનરને શોધવા બહુ મહેનત કરી તેનું નામ જાણવામાં સફળતા નથી મળી. 

મેગા મિલિયન્સ જેકપોટમાં ટિકિટના તમામ છ નંબરો વિજેતા નંબર સાથે મેચ થાય એવું ભાગ્ય જ બને છે. ગયા મહિનાના વિજેતાના તમામ છ નંબર મેચ થતાં તેને ૧૧૩ કરોડ ડોલર મળી ગયા. જો કે જાણીને આશ્ચર્ય થશે કે, મેગા મિલિયન્સના ઈતિહાસમાં જીતાયેલી આ પાંચમા નંબરની સૌથી મોટી રકમ છે. ૧૧૩ કરોડ ડોલરનું ઈનામ જીતનારને બધા ટેક્સ બાદ કર્યા પછી ૫૪ કરોડ ડોલર (લગભગ ૪૫૦૦ કરોડ રૂપિયા) રોકડા મળશે. 

Article Content Image

ગર્લફ્રેન્ડનું બર્ગર ખાધું તેમાં હત્યા કરી નાંખી

પાકિસ્તાનના કરાચીમાં બનેલી એક વિચિત્ર ઘટનામાં એક યુવકે ફ્રેન્ડની એટલે હત્યા કરી નાંખી કે, ફ્રેન્ડે યુવકની ગર્લફ્રેન્ડના બર્ગરમાંથી બટકું ખાઈ લીધું હતું. ૮ ફેબુ્રઆરીની ઘટનાની તપાસનો રીપોર્ટ હમણાં કોર્ટમા રજૂ કરાયો તેમાં આ ઘટસ્ફોટ થયો છે.  કરાચીના પોશ ડિફેંસ ફેઝ ૫ એરિયામાં બનેલી ઘટનામાં અલી કીરિયો નામના યુવકે પોતાના મિત્ર દાનિયલની ગર્લફ્રેન્ડના બર્ગરમાંથી બટકું ભરી લેવાની કિંમત પોતાનો જીવ આપીને ચૂકવી.  

દાનિયલ પોલીસ અધિકારીનો દિકરો છે. દાનિયલે ગર્લફ્રેન્ડ શાઝિયાને ઘરે જમવા બોલાવી ત્યારે અલી અને તેનો ભાઈ આવી ગયા હતા. દાનિયલે પોતાના અને શાઝિયા માટે બર્ગર મંગાવેલા.  અલી કીરિયોએ દાનિયલને ચિડવવા શાઝિયાના બર્ગરમાંથી એક બટકું ભરતાં જ દાનિયલ બહાર જઈને ગાર્ડની રાઈફલ લઈ આવ્યો અને અલીની હત્યા કરી નાંખી. 

Article Content Image

પગથી કાર ચલાવતી દિવ્યાંગ દીકરી પર સૌ ફિદા

હમણાં સોશિયલ મીડિયામાં પગથી કાર ચલાવતી કેરલની છોકરી જીલુમોલ મેરીએટ થોમસનો વીડિયો વાયરલ થયો છે. તેના આ પરાક્રમને સોશિયલ મીડિયા પર લોકો બિરદાવી રહ્યા છે. થોમસને બાળપણથી જ બંને હાથ નથી, તેથી તે પગથી તમામ કામ કરવાનું શીખી ગઈ છે. થોમસ પગથી લખે છે અને પેઇન્ટિંગ્સ પણ બનાવે છે. 

થોમસ પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ પણ છે. સામાન્ય રીતે આરટીઓ દિવ્યાંગોને ડ્રાઈવિંગ લાયસંસ નથી આપતી પણ થોમસ એટલી સલૂકાઈથી પગથી કાર ચલાવી શકે છે કે કોઈને તે દિવ્યાંગ હોવાની ખબર જ ના પડે. થોમસની વિશેષતા એ છે કે, તે બીજા દિવ્યાંગોની જેમ ગીયરલેસ ઓટોમેટિક કાર નથી ચલાવતી પણ ગીયરવાળી કાર ચલાવે છે. થોમસ પોતાના પગથી કારનો ગિયર પણ બદલી નાખે છે. થોમસ કાર ચલાવતી હોય એવો વીડિયો અત્યાર સુધીમાં ૬૮ લાખ લોકોએ જોયો છે. 

Article Content Image

કોમેડિયન તન્મય ભટ્ટ પાસે ૬૬૫ કરોડની સંપત્તિ ? 

યુ ટયુબ પર વીડિયો દ્વારા અત્યંત લોકપ્રિય કોમેડિયન તન્મય ભટ્ટ પાસે ૬૬૫ કરોડ રૂપિયાની સંપત્તિ હોવાની પોસ્ટ હમણાં વાયરલ થઈ છે. વેલ્થ મેનેજમેન્ટ સ્ટાર્ટઅપ દ્વારા મૂકાયેલા રીપોર્ટમાં તન્મયને ભારતનો સૌથી ધનિક કન્ટેન્ટ ક્રીએટર ગણાવાયો છે. આ રીપોર્ટ પ્રમાણે તન્મય પાસે ભુવન બામ અને કેરી મિનાતી કરતાં અનેક ગણી વધારે સંપત્તિ છે. આ રીપોર્ટમાં ટોપ ફાઈવમાં આ ત્રણ ઉપરાંત ટેકનિકલ ગુરૂજી અને રણબીર અલાહાબાદિયા છે.  તન્મયે પોતે આ પોસ્ટ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તન્મય પહેલાં કોમેડી ગુ્રપ એઆઈબીનો સીઈઓ હતો અને મૂનશોટ પાછળનું ભેજું છે. તન્મયે પોતાની સંપત્તિ અંગેનો આંકડો બહુ વધારે હોવાનું કહીને લખેલું કે, કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયા પર મીમ્સ મૂકીને આટલી રકમ કમાઈ શકે એ શક્ય જ નથી. તન્મયે પાછળથી આ પોસ્ટ ડીલીટ કરી દીધી પણ પોતાની પાસેની સંપત્તિના રીપોર્ટ અતિશયોક્તિભર્યા હોવાની પોસ્ટ તેણે હટાવી નથી. 

Article Content Image

અમેરિકામાં આખું ગામ એક જ બિલ્ડિંગમાં રહે છે...

કોઈ ગામ એક જ બિલ્ડિંગનું બનેલું હોય એવું સાંભળ્યું છે ? અમેરિકાના અલાસ્કા સ્ટેટનું એક ગામ વ્હિટિયર બેગિચ ટાવર્સ નામની ૧૪ માળની એક જ બિલ્ડીંગમાં વસેલું છે. આ ગામમાં બે હજાર જેટલાં લોકો રહે છે પણ તેમના માટે પોલિસ સ્ટેશન. ચર્ચ, સ્કૂલ, શોપિંગ મોલ, પોસ્ટ ઓફિસ બધું જ છે. 

આ બધું પણ બેગિચ ટાવર્સમાં જ છે અને ત્યાં નોકરી કરનારા પણ ટાવર્સમાં  રહે છે.  બેગિટ ટાવર્સ જંગલની વચ્ચે બનાવાયેલો છે તેથી ત્યાં સુધી પહોંચવા પહેલાં એંકોરેજ બંદર જવું પડે. પછી ફેરી દ્વારા જંગલના કિનારે પહોંચવાનું ને ત્યાંથી ૪ કિલોમીટર લાંબી સુરંગમાં થઈને ટાવર્સ સુધી પહોંચી શકાય. આ સુરંગ રાત્રે બંધ કરી દેવાય છે અને સવારે ૫ વાગ્યે જ ખોલાય છે. બેગિચ ટાવર્સમાં પહેલાં યુએસ મિલિટરીનાં સીક્રેેટ ઓપરેશન ચાલતાં પણ ૧૯૭૪માં તેને રેસિડેન્શિયલ ટાવર બનાવી દેવાયો હતો.


Gujarat