2026-27ના વર્ષના બે માસમાં જીરાની નિકાસમાં 21 ટકાનું ગાબડું

- કોમોડિટી કરંટ
- ઇસબગોલ કારોબાર ૧૫ દિવસથી ઠપ્પ - (GST) કાઉન્સિલની બેઠકનો ઇન્તજાર
આગામી તહેવારોની સીઝનમાં દેશમાં ખાદ્યચીજો ખાસ કરીને ખાંડ, કઠોળ, તેલોની ચીજોમાં મોંઘવારી કંટ્રોલમાં રહે તે માટે સરકારે કવાયત હાથ ધરી છે. કઠોળનો પુરવઠો બજારમાં જળવાઈ રહે તે માટે બફર સ્ટોક બહાર કાઢવાની સાથે આફ્રિકાના દેશોમાંથી આયાત શરૂ કરવા ઉપરાંત ખરીફ સીઝનમાં વાવેતર વધે તે માટે જરૂરી પગલા લેવાઈ રહ્યા છે. કઠોળની સાથે સાથે ખાંડ બજાર પણ તહેવારોની મજા બગાડી શકે તેવી સ્થિતિ છે. છેલ્લા એક માસમાં ૧૫ ટકા ઉપરાંતનો વધારા સામે ભાવો હાલ કિલોએ રૂા. ૫૦થી ૫૫ રૂપિયા આસપાસ સુધી પહોંચી ગયા છે. ખાંડની કિંમતો ઉપર લગામ રાખવા માટે સ્ટોક લિમિટની સાથે મિલરો પાસે સ્ટોકની તપાસ શરૂ કરાઈ છે. ખાંડની અછતને લીધે સરકારના ઇથેનોલ બ્લેડીંગ પ્રોગ્રામને પણ અસર પડે તેમ છે. ખાંડના ઉત્પાદનમાં પાંચેક ટકા ઉપરાંતનો ઘટાડો થતાં સપ્લાય બાધિત થતા ક્વિન્ટલે ૪૦૦થી ૫૦૦નો વધારો થયો છે.
દરમ્યાન ગુજરાતના કૃષિ બજારોમાં GSTના મામલે વિવાદ છેડાતા પંદરેક દિવસથી વેપારો બંધ છે, લગભગ ચારેક હજાર કરોડનું ટર્નઓવર ધરાવતો ઇસબગુલનો વેપાર ઠપ્પ થઈ જતા તે ખેડૂત વેપારી વર્ગની સાથે સાથે નિકાસ ઉપર પણ અસર પડી શકે છે. સમગ્ર મામલે વેપારીઓના જૂથે કેન્દ્રમાં GST વિભાગ સમક્ષ રજૂઆત થતાં હવે GST કાઉન્સિલની આગામી સમયમાં થનાર બેઠક બાદ વિવાદનો અંત આવે તેવી ચર્ચા છે. ગત ઓક્ટોબર માસમાં પણ GSTના ફ્રેશ અને પ્રોસેસ્ડ માલોના સ્પષ્ટીકરણના મામલે પખવાડિયા સુધી બજારો બંધ રહ્યા હતા. દેશમાં ઇસબગુલનું ૭૦ ટકા ઉપરાંત ઉત્પાદન રાજસ્થાનમાં થાય છે અને કુલ ઉત્પાદિત માલનો ૮૦ ટકા કારોબાર ઉત્તર ગુજરાતમાં થાય છે. જે પૈકી મોટા ભાગે અમેરિકા તથા યુરોપ ખાડી દેશોમાં નિકાસ થાય છે. કુલ નિકાસ પૈકી ૬૦થી ૭૦ ટકા માલ માત્ર અમેરિકામાં જ જઈ રહ્યો છે. હાલ પૂરતું વેપારી વર્ગે ખરીદી બંધ કરી વેઇટ એન્ડ વોચની સ્થિત જાળવી રાખી છે. રાજ્યના કૃષિ બજારોમાં ચોમાસાના કારણે ખેડૂત માલોની આવકો ઘટી છે. તેમ છતાં નાનો ખેડૂત વર્ગ પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે જીરૂ વેચવા કરતા બજારમાં જીરાની વેચવાલીનું પ્રેસર નોંધપાત્ર રહેતા બજાર નરમ તરફી છે. આ સંદર્ભે વધુ માહિતી આપતા કોમોડિટીના જયવદનભાઈ ગાંધી જણાવે છે કે, ચોમાસામાં જીરા હાજરમાં સાત- આઠ હજાર બોરીની આવકો સરેરાશ હોય છે. પરંતુ આજકાલ ઊંઝા બજારમાં ૧૪થી ૧૫ હજાર બોરીની આવકો રાજકોટ બજારમાં પણ ૧૮૦૦થી ૨૦૦૦ બોરીની આવકો છે. વિદેશી તથા લોકલ દેશાવરની માંગ સીમીત હોવાથી ભાવો સતત તૂટી રહ્યા છે. આ વર્ષે જીરા ઉત્પાદિત અન્ય દેશોમાં વાવેતર વધુ હોવાથી નિકાસ ઉપર અસર પડી છે. વર્ષ ૨૦૨૫- ૨૬ સમય દરમ્યાન જીરાની નિકાસમાં ૧૪થી ૧૫ ટકાનો અને વર્ષ ૨૦૨૬- ૨૭ના પ્રથમ બે માસ દરમ્યાન ૨૧ ટકાનો નિકાસમાં ગાબડું પડયું છે. મસાલા બોર્ડના અહેવાલો પ્રમાણે એપ્રિલ તથા મે- ૨૦૨૬ દરમ્યાન જીરાની લગભગ ૮૩૧ કરોડની ૩૫૬૦૦ ટન આસપાસની નિકાસ થઈ છે. જે ગત વર્ષે ૨૦૨૫માં લગભગ ૪૫૦૦૦ ટન આસપાસ હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન જીરાની સરેરાશ કુલ નિકાસ ૧૯૬૮૦૦ ટન થતા લગભગ ૪૬૦૦ કરોડ રૂપિયાની આસપાસની આવકો રહી હતી. જે અગાઉના વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન ૬૦૦૦ ટન ઉપરાંતી આવક હતી. જો કે, જાણકારોના મતે હાલમાં પણ જીરા બજારમાં વધુ મંદીની સંભાવના નથી. હાલમાં પણ જીરા બજારમાં ૧૮૦થી ૨૧૦ રૂપિયા પ્રતિ કિલોની રેન્જમાં ભાવો છે. આગામી સપ્ટેમ્બર- ઓક્ટોબરમાં તેજી પકડાશે તેવી સંભાવના તેજ છે. વૈશ્વિક સ્તરે પણ યુદ્ધના કારણે વેપારોમાં ગતિશીલતા નથી. ખેડૂત વર્ગ ખરીફ વાવેતર માટે આર્થિક જરૂરિયાત હોવાથી જીરાનો સ્ટોક વેચી રહ્યો છે. રાજસ્થાનની સાથે સૌરાષ્ટ્ર વિસ્તારોની વેચવાલી પ્રેસર વધુ ચાલી રહ્યું છે. (NCDEX)ના ગોડાઉનોમાં પણ સ્ટોક વધી રહ્યો છે. જો કે, પ્રિમિયમ ક્વોલિટીવાળા માલોની અછત હોવાથી તેની બજાર ઉંચી છે. સિંગાપુર, મેક્સિકો, યમન, પોલેન્ડ જેવા નવા બજારોની માંગને કારણે વેપારોનું સંતુલન જળવાઈ રહ્યું છે.









