ફાઈનાન્સમાંથી લીધેલ બાઈક ખેંચવા આવી શખ્સે આધેડની ક્રુર હત્યા કરી


- બોટાદ જિલ્લાના કનારા ગામે બસ સ્ટેન્ડ પાસે રક્તરંજીત ઘટના ઘટી હતી

- બોટાદના શ્રીરામ ફાઈનાન્સના કર્મચારીએ બાઈક લઈ જવા માટે ઝઘડો કરી ભત્રીજાની નજર સામે કાકાને છરીના ઘા ઝીંકી દીધા

ભાવનગર : રાણપુર તાલુકાના કનારા ગામના બસ સ્ટેન્ડ પાસે બોટાદના શ્રીરામ ફાઈનાન્સ કંપનીના કર્મચારીએ બાઈક પરત ખેંચવા કાકા-ભત્રીજા સાથે ઝઘડો કરી ઉશ્કેરાઈ છરીના જીવલેણ ઘા ઝીંકી દઈ ભત્રીજાની નજર સામે કાકાની હત્યા કરી નાખી હતી. ઉક્ત બનાવને લઈ ભારે ચકચાર મચી જવા પામી હતી. જ્યારે બનાવને લઈ રાણપુર પોલીસે શખ્સ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર બોટાદ જિલ્લાના રાણપુરમાં કૃષ્ણનગર-૨, રેલ્વે સ્ટેશન રોડ ઉપર રહેતા હરેશભાઈ ભીમાભાઈ જોગરાણાએ રાણપુર પોલીસ મથકમાં ઉદય વલકુભાઈ ધાંધલ (રે. બોટાદ, શ્રી રામ ફાયનાન્સ) વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી કે, ગઈકાલે બપોરના અરસા દરમિયાન તેઓના પિતા ભીમાભાઈ વિભાભાઈ જોગરાણાએ ફોનથી જાણ કરી હતી કે, આપડુ બાઈક કનારા ગામના બસ સ્ટેન્ડ પાસે પડેલ છે. જે કોઈ શખ્સ ખેંચવા માટે આવેલ છે. તેમ કહેતા તેઓએ ત્યા પહોંચી તેઓના પિતાના બાઈક નંબર જીજે. ૩૩.ઈ-૧૭૨૭ની પાસે ઉભા હોય તેને પુછપરછ કરતા તેણે તેઓ શ્રી રામ ફાયનાન્સમાંથી આવેલ છે. અને બાઈક ઉપર હપ્તા ચડી ગયેલ છે. જેથી ગાડી પાછી ખેંચવા આવેલ હોવાનું જણાવતા તેણે આધાર પુરાવા માંગતા શખ્સે ઉશ્કેરાઈ અપશબ્દો આપી ઝઘડો કર્યો હતો. તે વેળાએ તેઓની વાડીના શેઢા પાડોશી જુમાસા મહમદસા ફકીર અને તેના કાકા કનુભાઈ ઉર્ફે કાનાભાઈ વિભાભાઈ જોગરાણા આવી પહોચતા શખ્સને સમજાવવાનો પ્રયાસ કરતા ન સમજી તેના નેફામાં રહેલા છરી કાઢી તેના જીવલેણ ઘા તેઓના કાકાને મારી દઈ ગંભીર ઈજા પહોંચાડી આ મોટર સાયકલ તો હુ લઈ જવાનો છુ. નહીંતર તને જીવતો નહીં રહેવા દવુ તેમ કહી હાથમાં છરી સાથે નાસી છુટયો હતો.

દરમિયાન ઈજાગ્રસ્ત હાલતે કાનાભાઈને રાણપુર સરકારી દવાખાને બાદ વધુ સારવાર માટે બોટાદ ખસેડાતા તેઓનું મૃત્યું નિપજવા પામ્યું હતું. ઉક્ત રક્તરંજીત ઘટનાને લઈ ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી. જ્યારે રાણપુર પોલીસે શખ્સ સામે આઈપીસી. ૩૦૨, ૫૦૪, ૫૦૬(૨) તેમજ જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

City News

Sports

RECENT NEWS