Boj Viana ni Moj

ઉદાસ ઉંદર ગાય છેઃ મેરા દર ખુલા હૈ ખુલા હી રહેગા...

By GS Team
7 Jul 20265 mins read
TukuTouch Logo
પથુકાકાના ઘરમાં કરાઓકે સિસ્ટમમાં ઉંદરોએ વાયર કાપી નાખતા ગાવાનું બંધ થયું. તપાસ કરતા કાકીએ કાપેલા વાયરો બતાવ્યા. પથુકાકાએ કહ્યું કે હવે ઉંદર-ઉંદરડી દરમાં ગાશે. તેમણે ઉંદરના ગુજરાતી ગીતો પણ ગાયા. કાકાએ મેક્સિકોના ગાતા ઉંદરોની વાત કરી, જેઓ દસ સેકન્ડમાં સોથી વધુ સ્વર કાઢી ડ્યુએટ ગાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉદાસ ઉંદર ગાય છેઃ મેરા દર ખુલા હૈ ખુલા હી રહેગા...

બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
પહેલાં ખાવાને અને હવે ગાવાને રવાડે ચડેલા પંડિત પથેશ્વરરામ ઉર્ફે પથુકાકા દિવાનખાનામાં બેસી કરાઓકે સિસ્ટમના માઈકમાં ગીત ગાતા હતાઃ 'કોઈ જબ તુમ્હારા હૃદય તોડ દે, તડપતા હુઆ જબ કોઈ છોડ દે, તબ તુમ મેરે પાસ આના પ્રિયે મેરા દર ખુલા હૈ, ખુલા હી રહેગા તુમ્હારે લિયે…'
મેં કાકાની ટીંગલ કરતા પૂછયું, 'સવારના પ્હોરમાં આ ઉંદરનું ગીત કેમ ગાવ છો?'
કાકા ધૂંધવાઈને બોલ્યા, 'અરે આ તો 'પૂરબ ઔર પશ્ચિમ'નું યાદગાર ગીત છે. તને આ ગીત ઉંદરનું કેમ લાગ્યું?'
મેં કહ્યું, 'પહેલી કડીમાં આવે છેને કે, મેરા દર ખુલા હૈ ખુલા હી રહેગા… એટલે કોઈ ઉંદર પોતાની પ્રેમિકા ઉંદરડીને સંબોધીને દર ખુલ્લું રાખી બેઠો હોય એવું લાગે… હા- હા- હા…'
કાકા કહે, 'અરે અક્કલના ઓથમીર, દર ખુલા હૈ… એટલે દરવાજો ખુલ્લો છે એમ કહે છે. પ્રેમિકા છોડીને ચાલી ગયા પછી પ્રેમી એને કહે છે કોઈ તારું દિલ તોડે કે પછી તડપતી મૂકી હાલતું થાય ત્યારે બઘડક મારી પાસે આવતી રહેજે… મેરા દર ખુલા હૈ ખુલા હી રહેગા…''
મેં કાકાને કહ્યું, 'અત્યારની જોડ-તોડની રાજનીતિ (કે નીતિ વગરના રાજ)માં આવું જ થાય છેને? પાટલી બદલુઓ પક્ષ છોડીને જાય ત્યારે લાચાર પક્ષ પ્રમુખ એમને જતા જોઈ આખરી શીખામણ આપે છે કે નવી પાર્ટીમાં તમારો ભાવ ન પૂછાય, સાવ સાઈડ લાઈન કરી દેવામાં આવે અને અપમાનિત થવાનો વારો આવે ત્યારે સંકોચ રાખ્યા વિના ઘરવાપસી કરજો મેરા દર ખુલ્લા હૈ, ખુલા હી રહેગા તુમ્હારે લિયે…'
આવું છે, ભાઈ. કરાઓકે આવ્યા પછી દરેકને ગાવાનો નાદ લાગ્યો છે. કોઈ દરમાં ગાય કોઈ ઘરમાં ગાય, કોઈકના ઘરમાંથી કરાઓકેનો અવાજ આવે તો કોઈના ઘરમાંથી ડરાવકેનો અવાજ સંભળાય. પણ બે-ત્રણ દિવસથી પથુકાકાની કરાઓકે મ્યુઝિક સિસ્ટમમાંથી કાકાનો અને કાકીનો ભારે અવાજ 'વિવિધ-ભારતી' સંભળાતો નહોતો. એમાં એવું છે કે સતત તમે સૂરીલું સંગીત સાંભળતા હો અને અચાનક બંધ થઈ જાય તો મજા ન આવે. પણ મને તો પથુકાકાના ઘરમાંથી સતત રેલાતો અને ફેલાતો 'સૂર-બહાર' (એટલે સૂરની બહાર) ગીતોનો અવાજ આવતો બંધ થયો તોય ખાલી ખાલી લાગવા માંડયું. એટલે કાકાના ઘરે તપાસ કરવા પહોંચ્યો કે કેમ ગાવાનું અને સૂર લગાવવાનું બંધ છે?
જેવો કાકાના ઘરમાં દાખલ થયો એની સાથે જ (હો)બાળાકાકી જમના અનબ્રેકેબલ (બ્રેક વગરના) પાડાની જેમ ધસમસતા આવ્યાં અને કરાઓકે સિસ્ટમના કપાયેલા વાયરો કાકાને દેખાડીને તાડૂક્યા, 'આ જુઓ… ઉંદરડાઓએ કરાઓકે સિસ્ટમના કેવા હાલ કર્યા છે? બધા વાયરો કાપી ગયા અને બાકી હતું તે ઉંદર-ઉંદરડીનું કાપણીમાં ઉસ્તાદ કપલ વાયરના કટકા દરમાં ઘસડી ગયું. હવે શું થશે?'
પથુકાકા બોલ્યા, 'એમાં થવાનું શું હતું? પહેલાં તું ઘરમાં બેસૂરું ગાતી હવે ઉંદરડા-ઉંદરડી કપલ દરમાં આપણી જેમ ગાશે. ઉંદરને પણ કરાઓકેમાં ગાવાનું મન તો થાય કે નહીં?'
મેં મજાકમાં પૂછયું, 'કાકા ઉંદરો વળી કરાઓકેમાં કેવા ગીતો ગાશે? જરા સેમ્પલ તો દેખાડો?'
નેકી ઓર પૂછપૂછ? પથુકાકા તો તરત બોલ્યા, 'ઉંદરડાને તમે શું સમજો છો? એ તો દરની બારીમાં બેસી દર-બારી રાગમાં લલકારશેઃ ક્યા ''ચૂહાદદ તેરા વાદા… વો કસમ વો ઈરાદા… ભૂલેગા બીલ (દર) જીસ દિન તુમ્હે, વો દિન જિંદગી કા આખરી દિન હોગા, ક્યા ચૂહા તેરા વાદા…'
મેં કાકાને દાદ આપી અને પાનો ચડાવતા કાકાએ તરત જ બીજું હાથ બનાવટનું રેટ-સોંગ (રેપ મ્યુઝિક જેવું રેટ-મ્યુઝિક) છેડયુંઃ ''ચૂહાદદ લિયા હૈ તુમને જો દિલ કો નજર નહીં ચુરાના સનમ.'
મેં સવાલ કર્યો કે, 'કમિશન કાતરું કરપ્ટ સરકારી બાબુઓની જેમ કે રામમંદિરના દાનચોરોની જેમ કાપણી કરવામાં એક્કા આ ઉંદરો કાપવાને લગતું કયું ગીત ગાશે?દ કાકા તરત જ શરૂ થઈ ગયા, 'કાટે નહીં કટતે દિન યે રાત… કહની થી જો તુમસે દિલ કી બાત…'
કાકાને અધવચ્ચે અટકાવી મેં સવાલ કર્યો કે, 'આ ઉંદરડા-ઉંદરડી કપલ ગુજરાતીના ઘરમાંથી કરાઓકેના વાયર ચાવી ગયા છે તો કોઈ ગુજરાતી લોકગીત કે ઠોકગીત ફફડાવશે કે નહીં?'
સવાલ હજી તો પૂરો થયો ત્યાં તો કાકાએ હિંચના તાલમાં ઉપાડયુંઃ 'ઉંદરે ઉંદરે ખાધું તારા ડાયરા…' પછી વાદલડી વરસી રે…ના રાગમાં બીજું ગીત ઉપાડયુંઃ 'ઉંદરડી વટકી રે… સરોવર છલી વળ્યા…'
મેં કાકાને પૂછયું કે, 'તમારા પૂજાના રૂમમાંથી ઉંદરો વાયર કાપી દરમાં ખેંચી ગયા હતા પછી શું થયું?'
કાકા બોલ્યા, 'હવે ઉંદરના દરમાંથી ક્યારેક ક્યારેક 'ઉંદર-કાંડ'ના પાઠ સંભળાય છે.'
મેં કાકાને કહ્યું, 'એઆઈ (આટફિશિયલ ઈન્ટેલિજન્સ)ની કમાલ કેવી છે? હવે તો વાંદરા ભાષણ કરવા માંડયા છે, બિલાડીઓ ખરેખર કેટ-વોક કરવા લાગી છે, કૂતરા ભસવાની ભસણબાજી પડતી મૂકી ભાષણબાજી કરવા માંડયા છે, ઉંદરો ગાવા માંડયા છે અને મિંદડી નાચવા માંડી છે અને રૉક મ્યુઝિક અને પોપ મ્યુઝિકના પ્રોગ્રામોમાં ઉઘાડી છછૂંદરીઓ છાકટી થઈને કૂદાકૂદ કરવા માંડી છે, બોલો! કેટલીક તો ચૂં… ચૂં… ચૂં…. અવાજ કરતી ભેગી ગાવાય માંડે છેઃ મેરા નામ ચિન… ચૂં… ચૂં… ચૂં… રાત ચાંદની મેં ઔર તુમ હલ્લો મિસ્ટર હાઉ ડુ યુ ડુ…'
પથુકાકા બોલ્યા, 'તું એઆઈના કમાલની વાત કરે છે, પણ સેન્ટ્રલ અમેરિકા અને મેક્સિકોમાં ખરેખર ગીત ગાતા ઉંદરો જોવા મળે છે એની તને ખબર છે?'
મેં માથું ધૂણાવીને ના પાડતા કાકા બોલ્યા, 'મેક્સિકો અને સેન્ટ્રલ અમેરિકાના ગાઢ જંગલમાં 'સ્કોટિનોમાઈસ ટેગુઈના' પ્રજાતિનો ટચુકડો ઉંદર એકદમ સૂરમાં સીટી વગાડીને ગાતો રહે છે. સ્કોટલેન્ડના પ્રાણીશાી એડવર્ડ અલ્સટન નામના પ્રાણીશાીએ ઉંદરોનો અભ્યાસ કર્યો હતો એટલે ગાતા ઉંદરને 'અલ્સ્ટન સિંગિંગ માઉસ' નામ અપાયું છે.'
પહેલીવાર કાકાને મોઢેથી ક્યારેય ન સાંભળવા મળેલી વાત સાંભળવા મળતા મેં વધુ ખણખોદ કરીને પૂછયું કે, 'આ અલ્સ્ટન ઉંદર અને ઉંદરડી બન્ને તમારી અને કાકીની જેમ ગાય છે?'
કાકા બોલ્યા, 'હા વળી, મેલ ઉંદર અને ફીમેલ ઉંદરડી એકદમ હાઈપીચમાં ડયુએટ સોંગ ગાય છે. એની ભાષામાં કદાચ આજા સનમ મધુર ચાંદની મેં હમ… જેવું ડયુએટ ગાતા હશે. બાકી આ ઉંદરના ગીત બહુ લાંબા કે કંટાળાજનક નથી હોતા.
દસ-દસ સેકન્ડ માટે સીટી વગાડતા હોય એવા અવાજમાં જ્યારે મેલ ફીમેલ સિંગર ગાય છે ત્યારે જંગલમાં જાણે સંગીતની મહેફિલ યોજાઈ હોય એવો માહોલ બંધાય છે. પણ કમાલ એ છે કે દસ-દસ સેકન્ડના ગીતમાં લગભગ સો જેટલા જુદા જુદા સ્વર કાઢે છે, બોલ!'
ગાતા ઉંદરની દાસ્તાન સાંભળી હું તો તાજ્જુબ થઈ ગયો. મેં કહ્યું, 'શહેરમાં માથું કાણું કરી નાંખે એવું ગાનારાની કેટલીક કરાઓકે ક્લબમાં જવા કરતાં જંગલમાં જઈને રેટ-મ્યુઝિક સાંભળીએ તો જલ્સો થઈ જાય. આવા છુપા રુસ્તમ જેવા ચૂહાશ્રીઓ દરમાંથી બહાર આવી ગીતો સંભળાવે એના માટે વિનવણી કરતા ગાવું જોઈએઃ 'ચૂહાની' રાત ઢલ ચૂકી, ના જાને તુમ કબ આએગે…'
અંત-વાણી
જો જીતા વો સિકન્દર
જો હારા વો દર કે અંદર.