પ્રાણીઓને જે પાળે-પંપાળે ને સાવચેતી ટાળે એ ક્યારેક માંદગી ભાળે


- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

પ્રાણી માત્રને  પ્રેમ કરાય પણ માત્ર પ્રાણીને પ્રેમ કરાય?  પણ આપણાં  પરમવીર  ચક્રમ પથુકાકા  અને (હો)બાળાકાકી  પ્રાણીમાત્રને  પ્રેમ  કરવામાં માને છે, એટલે જ  જુઓને , એકબીજાને  કેવો પ્રેમ  કરે છે?

રવિવારે સવારે  પથુકાકાને  જોગર્સ પાર્કમાં  લઈ જવા માટે  એમને તેડવા  ગયો. કાકા  તો  એમના ઓટલે બેઠાં બેઠાં  એમના પાળેલા સાવ દેશી કૂતરાને આગલી રાતની વધેલી રોટલી ખવડાવતા હતા  અને પાળેલા કૂતરાને પંપાળી ગાતા હતા: ખાતા રહે મેરા દિલ...  તું હી  મેરી મંઝિલ હો... કહીં બીતે ના યે  રાતે.. કિસી કો  ના યે કાટે...

મેં કાકાને અમસ્તુ  જ પૂછ્યું કે , 'શું ખબર છે?' કાકા દાઢમાંથી  બોલ્યા,'કાંઈ ખબર  નથી, ખબરનું  'ખબ્રસ્તાન' ખાલી છે.' મેં  સવાલ કર્યો, 'મને  આપણા  પાડોશીએ  કહ્યું કે  પથુકાકાએ  મોતિયાનું  ઓપરેશન કરાવ્યું  એટલે  ખબર પૂછું છું કે મોતિયાના ઓપરેશન પછી તમારી તબિયત કેમ છે?'

મારો સવાલ સાંભળીને ખડખડાટ હસી પોતાના  પાળેલા કૂતરાને પ્રેમથી પંપાળતા  કાકા બોલ્યા, 'અરે, મારા મોતિયાનું  ઓપરેશન નથી કરાવ્યું, મેં  તો  મારા આ પાળેલા મોતિયાનું  પ્રાણીની હોસ્પિટલમાં  જઈ  મફતમાં  ઓપરેશન કરાવ્યું. પડી સમજ?'

મેં પૂછ્યું, 'મોતિયા'ને  વળી શું તકલીફ થઈ?'  પથુકાકા બોલ્યા, 'છેલ્લાં એક વર્ષથી તારા કાકીના હાથનું  ઘરનું  હોમફૂડ  ખાઈ ખાઈને  પેટમાં  'હોમ-રેજ' જેવું  કંઈક  થઈ ગયું હતું. એટલે   એક વર્ષે  મોતિયાના પેટનું  ઓપરેશન  કરાવી  ગાંઠ  કઢાવી નાખી અને હવે  ટેસથી  ઈ 'વર્ષ-ગાંઠ' ઉજવે  છે...'

કાકાની વાત  સમજી ગયો હોય એમ  'મોતિયો' ભાવ... ભાવ... ભાવ... ભસવા માંડયો. કાકાએ મોતિયાને પ્રેમથી  થાબડીને  કહ્યું , 'મોતિયા... તું શેનો ભાવ... ભાવ કરે છે?  તારે તો  મફતનું  ખાવું  અને ઓટલે સૂવું...  એમાં  તને ક્યાં  ભાવવધારો નડે  છે તે તું ભાવ.. ભાવ... ભાવ કરે છે?'

મેં હસીને કહ્યું કે, 'કાકા, ભાવવધારા સામે શ્વાન નહીં  આપણી જેવાં માણસોએ  ભાવ... ભાવ... ભાવ... કરી  ભસવાનો વારો આવી ગયો  છે.' 

'એટલે જેમ પ્રાણીના  જાત જાતના  ચેપ માણસને  લાગે છે  એમ હવે  કૂતરાને  બદલે માણસોએ  ભસાભસા કરવાનું ટાણું   આવ્યું છે. સીધી સાદી  ગુજરાતીમાં  આને શું કહેવાય ખબર  છે?  ભાષાંતર નહીં પણ ભસાંતર.'

મેં કહ્યું, 'કાકા, તમે તો  નવો જ  શબ્દ કોઈન કર્યો  - ભસાંતર. બાકી ભાવવધારાએ  તો  ભલભલાને  ભીંંસી નાખ્યા છે, હો.'

પથુકાકા વળી અંગ્રેજીનું  અ-જ્ઞાાન  પ્રગટ કરતા બોલ્યા, 'વધતી જતી  કોસ્ટને  લીધે 'કેટરેકટ- ડેથ'ની  બીમારી  કેવી  દેશભરમાં ફેલાઈ છે એ તું જોતો નથી?'

મેં નવાઈ  પામી પૂછ્યું , 'કેટરેકટ-ડેથ  એ વળી કંઈ  નવી બિમારી છે? મેં  તો આ બીમારી  વિશે આજ સુધી કંઈ સાંભળ્યું નથી.'

પથુકાકા  લુચ્ચું હસી પોતાના ભાવ... ભાવ... કરતા  ભાવના ભૂખ્યા શ્વાનને  ફરીથી  થાબડી  બોલ્યા, 'કોસ્ટને  લીધે  કેટરેકટ-ડેથ  એ  તને ન સમજાયું? કોસ્ટને  લીધે કેટરેકટ-ડેથ  એટલે  મોંઘવારી  જોઈને મોતિયા મરી જાય છે મોતિયા...'

મેં કહ્યું , 'કાકા, મોતિયા ઉતરાવવા માટે ઓપરેશન પાછળ હજારો  રૂપિયા  ખર્ચવા  પડે, પણ  આ મોંઘવારીમાં  મોતિયા જ  મરી જાય એ  ભારે કહેવાય હો?'

હું અન ેકાકા મોતિયાની રામાયણ કરતા હતા ત્યાં તો અંદરના બેડરૂમમાંથી  ધબ... ધબ... ધબ... એવો અવાજ  આવવા માંડયો.  જાણે  કોઈ કૂદાકૂદ  કરતું હોય એવું  લાગ્યું.  મેં ઊભા  થઈને  અંદર જઈ ડોકિયું  કર્યું તો  હેલ્થ-કોન્શિયસ  (હો)બાળાકાકી  પંજાબી ડ્રેસ  પહેરીને દોરડા  કૂદતાં હતાં.  મેં પૂછ્યું , 'કાકી, આ ઉંમરે તમને ફિગર મેન્ટઇેને  કરવાનો નાદ લાગ્યો?'  કાકીએ હાંફતાં   હાંફતાં જવાબ આપ્યો,   'દેશમાં   વધતો ફુગાવો કાબૂમાં  લેવાનું  કોઈનું ગજું નથી, પણ  આપણાં   શરીરનો   ફુગાવો  કાબૂમાં  લઈ શકીએ  કે નહીં?   શરીર સપ્રમાણ  રહે  એને  ઓલા અંગ્રેજીમાં  એટલે જ  'એકસરખીસાઈઝ' કહે છેને?'  મેં કહ્યું, 'કાકી, એકસરખીસાઈઝ નહીં, એને  કહેવાય એક્સરસાઈઝ... એક્સરસાઈઝ...'

આ સાંભળી પાછળથી  આવી ચડેલા  પથુકાકા બોલ્યા, 'જોયું ને ?  તારી કાકી  શરીરનો ફુગાવો  ઓછો કરવા   કેવી અક્સરસાઈઝ  કરે છે?   પણ  દેશનો ફુગાવો  ઘટાડવા  સરકાર  ક્યાં  સરખી અક્સરસાઈઝ કરે છે? બસ, શું  ચાલે છે  ખબર છે?  ચાય પે  ચર્ચા,  ચૂંટણીઓમાં  બેફામ ખર્ચા અને  પ્રસિદ્ધિ   માટે છૂટથી  વેંચાય  પર્ચા,  કોઈ સાચું   બોલે  તો સરકારને  લાગે મર્ચા. તુઝકો  મીર્ચી  લગી તો  મેં ક્યાં કરું?'

મેં કાકાને ચેતવણીના સૂરમાં કહ્યું, 'તમે  આ કૂતરાં-બિલાડાં પાળો છો તો ધ્યાન રાખજો હો? પ્રાણીમાંથી માણસને કેટલીય બીમારી લાગુ  પડે છે.  પ્રાણીમાંથી  માણસને  ફેલાતા રોગોનું  પ્રમાણ  વધી રહ્યું  છે એ છાપામાં  વાંચો છો કે  નહીં?  પ્રાણી દ્વારા  માણસને  ચેપ લાગે  એને અંગ્રેજીમાં   શું કહે છે  ખબર છે?  ઝૂનોસીસ. આમાં  માંસ-મચ્છી ખાતા   માંસાહારીઓ સૌથી પહેલાં  ઝપટમાં   આવી જાય છે.'

પથુકાકા સાવચેતીના  સૂરમાં  બોલ્યા, 'હું ક્યાં માંસાહારી  છું?  હું તો  સંપૂર્ણ શાકાહારી છું અને  તારી (હો)બાળાકાકી  સંપૂર્ણ 'કાકાહારી' છે.'  મેં સવાલ કર્યો કે, 'શાકાહારી તો જાણે  સમજાયું, પણ (હો)બાળાકાકી કાકાહારી છે એનો  શું મતલબ?' પથુકાકા હસીને કહે,'તારી  આ કાકી  આખો દિવસ મારું માથું  ખાઈ  જાય છે  અને  લોહી પી  જાય છે, એટલે  જ એને  કાકાહારી કહેવાયને? બાકી બે  હાથે  અકરાંતિયાની જેમ  માંસાહાર  કરતા હોય એને  ચિંતા.  એટલે જ હું ગાઉં છું :  મટન પે જો  ફિદા હોગા, બીમાર વો નૌજવાં હોગા...'

મેં કાકીનો બચાવ કરતા કહ્યું ,'કાકા, એમ તો  કાકી  પણ શુદ્ધ  શાકાહારી  છે હો?' કાકા બોલ્યાં, 'શાકાહારીની  ભેગી એ શકાહારી  પણ છે એ તને  ખબર છે? 'શકાહારી' એટલે જ્યાં સુધી નાની નાની વાતમાં મારા પર  શક ન કરે ત્યાં  સુધી  એને ખાવાનો કોળિયો  (આહાર) ગળે ન ઉતરે  એટલે પછી  એને શક-આહારી કે શકાહારી જ કહેવાયને?'

મેં ટોણો મારતા કહ્યું,'કાકા, તમારી પણ અવળચંડાઈ  ઓછી નથી ને?  એટલે (હો)બાળાકાકી રોજ શાક સુધારે અને કાકીનો શક તમને સુધારે...'

રવિવાર હતો  એટલે  સવારમાં નિરાંતે હું અને કાકા મન કી બાત સાંભળતા હતા અને ટોળટપ્પા કરતા  હતા. ત્યાં  વળી કાકાએ મન્કીની વાત ઉખેળી અને  બોલ્યા, 'હવે  બાકી હતું તે આ  મન્કીની બીમારી  માણસને  લાગવા માંડી. શું  કહે છે  એને?   મન્કીપોક્સ, બરાબરને? મને જવાબ આપ  કે મન્કીપોક્સની બીમારી લાગુ પડે  એ શું વાંદરાની  જેમ કે  દોરડા  કૂદતી તારી  કાકીની  જેમ ઠેકડાં  મારવા  માંડે?'

મેં મજાકમાં  કહ્યું, 'જો  મન્કીપોક્સ થાય એ માણસ ઠેકાઠેક કરવા માંડેને  તો તો એ  પોલિટિકલ બીમારી  ગણાઈ  જાય . મન્કીપોક્સના વાઈરસે દેખા દીધી  એ પહેલાંથી  આપણાં દેશમાં  આ પાર્ટીમાંથી  ઓલી  પાર્ટીમાં  ઠેકાઠેક  થતી જ  રહે છેને?  એને કાંઈ 'મન્કીપોક્સ' ન જ કહેવાયને?'

પથુકાકા માથું ધુણાવી  બોલ્યા,  'અચ્છા,  હવે સમજાયું... મન્કીપોક્સનાં લક્ષણ જુદાંહોય અને નઠારા  નેતાઓનાં અપ-લક્ષણ  જુદાં હોય. ઠેકાઠેક  કરે એ  ઠેકેદાર  અને હૈશો... હૈશો કરી ટેકો આપે એ ટેકેદાર...'

અંત-વાણી

સ: પશ્ચિમ બંગાળમાં ભ્રષ્ટ નેતા પકડાયા એને ક્યાં વાઈરસ લાગુ પડયા?

જ: ધન-કી-પોક્સ.

City News

Sports

RECENT NEWS