બોટાદમાં સમાધાન કરવા ગયેલા યુવકો પર છરીના ઘા ઝીંકાયા, એકનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સોશિયલ મીડિયા રિક્વેસ્ટની રકઝક લોહીયાળ જંગમાં ફેરવાઈ
ફેસબુક-ઇન્સ્ટાની સામાન્ય રકઝકનો કરુણ અંજામ, ખસ રોડ પર સરદાર એગ્રો પાસે પાંચ શખ્સનો જીવલેણ હુમલો
ભાવનગર - મોબાઈલ ફોનમાં સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા જેવી નજીવી બાબતની અદાવતમાં બોટાદના ખસ રોડ પર રાત્રિના સમયે ભયાનક ખૂની ખેલ ખેલાયો છે. મિત્રની મેટર પતાવવા અને સમાધાન કરાવવા ગયેલા ત્રણ મિત્રો પર પાંચ શખ્સોએ છરી વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં યુવકનું છાતીના ભાગે ગંભીર ઈજા થવાના કારણે મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે યુવકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
બોટાદના પાળીયાદ રોડ પર રહેતા સત્યરાજભાઈ વલકુભાઈ બોરીચા (ઉ.વ. ૧૮) અને તેમના મિત્ર સિદ્ધરાજભાઈ મહેશભાઈ માલાને ખસ ગામના શક્તિસિંહ દાયમા સાથે મોબાઈલમાં રિક્વેસ્ટ મોકલવા બાબતે બોલાચાલી થઈ હતી. આ મામલો થાળે પાડવા સત્યરાજ, હરપાલભાઈ અને અક્ષયભાઈ મોટરસાયકલ પર ખસ રોડ સરદાર એગ્રો પાસે પહોંચ્યા હતા. દરમિયાન શક્તિસિંહ અને તેની બાઈક પાછળ બેઠેલો અજાણ્યો શખ્સ ત્યાં આવ્યા હતા. સમાધાનની ચર્ચા ચાલતી હતી ત્યારે અચાનક વાત વણસી ગઈ હતી અને અજાણ્યા શખ્સે છરી કાઢી હરપાલભાઈની છાતીમાં હુલાવી દીધી હતી. વચ્ચે પડેલા અક્ષયભાઈ અને સત્યરાજ પર પણ છરીના ઘા ઝીંકી દેવાયા હતા.આ જ સમયે અન્ય એક બાઈક પર બીજા ત્રણ અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને પકડી રાખી ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલા બાદ પાંચેય શખ્સ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં ત્રણેય યુવકોને ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે હરપાલભાઈને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અક્ષયભાઈને વધુ સારવાર માટે ભાવનગર રિફર કરાયા છે. આ મામલે બોટાદ ટાઉન પોલીસે આ મામલે શક્તિસિંહ દાયમા સહિત પાંચ અજાણ્યા શખ્સો સામે બી.એન.એસ. કલમ ૧૦૩(૧) (હત્યા), ૧૦૯(૧) (હત્યાનો પ્રયાસ) અને જી.પી. એક્ટ કલમ ૧૩૫ (હથિયારબંધી ભંગ) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




