શનિવારે સર્વ પિતૃ અમાસ સાથે પિતૃવંદનાના શ્રાધ્ધ પક્ષનું સમાપન થશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શ્રાધ્ધના અંતિમ દિવસોમાં ધર્મસ્થાનકોમાં ભાવિકોની ભીડ
રવિવારે પ્રથમ નોરતાથી શકિતની ભકિત સાથે ચોતરફ માંગલિક કાર્યો ફરી ધમધમવા માંડશે, રાસ-ગરબાની રમઝટ જામશે
ભાવનગર - આગામી તા.૧૦ ઓકટોબરને શનિવારે સર્વ પિતૃ અમાસ સાથે પિતૃવંદનાના શ્રાધ્ધ પક્ષનું સમાપન થશે. એટલુ જ નહિ તા.૧૧ ને રવિવારથી શકિતની ભકિતના મહાપર્વ નવરાત્રિ મહોત્સવના શુભારંભની સાથે જ ગોહિલવાડમાં ચોમેર ફરી વખત માંગલિક કાર્યોનો ધમધમાટ વધી જશે.
ભાદરવા વદ અમાસ એ પિતૃઓની કૃપાદ્રષ્ટિ મેળવવાનો સર્વશ્રેષ્ઠ દિવસ હોય તા.૧૦-૧૦ ને શનિવારે પરિવારના દિવંગત સભ્યનું શ્રાધ્ધ, તર્પણ અને દાન-૫ુણ્ય અને જીવદયા પ્રવૃતિઓ કરાશે. શ્રાધ્ધપક્ષના આખરી દિવસોમાં કોળીયાકના પૌરાણિક નિષ્કલંક મહાદેવના મંદિર સહિતના શિવાલયોમાં શ્રધ્ધાળુઓની ભીડ જોવા મળશે. એટલુ જ નહિ યોગાનુયોગ શનિવારે અમાસ હોય શનિશ્વરી અમાસે સવારથી જ પીપળાના વૃક્ષને જળ અને દૂધનો અભિષેક કરવા અને દેવદર્શન, પૂજન કરવા શ્રધ્ધાળુઓ ઉમટી પડશે. પિતૃમાસ દરમિયાન પિતૃમોક્ષાર્થે ઠેર-ઠેર રામદરબાર, સુંદરકાંડના પાઠ, આનંદના ગરબાના પાઠ સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ મોટા પ્રમાણમાં યોજાઈ રહ્યા છે. આગામી તા.૧૧ ઓકટોબરને રવિવારથી શારદીય નવરાત્રિના શુભારંભની સાથે જ ગૃહપ્રવેશ, વાસ્તુપૂજન, વેવિશાળ,કંકુ-પગલા સહિતના માંગલિક કાર્યો તેમજ સ્થાવર અને જંગમ મિલ્કત, જમીન, મકાન, પ્લોટ, વાહન અને ભૌતિક સુખ સંપત્તિના સાધનોની ધૂમ ખરીદી થશે. એટલુ જ નહિ, ઠેર ઠેર પ્રાચીન અને અર્વાચીન રાસ ગરબાની ખેલૈયાઓ દ્વારા જમાવટ થશે.




