Bhavnagar

મોટા ખુંટવડાને સાંકળતા તમામ રસ્તાઓની દયનીય હાલત

By GS Team
10 Jul 20262 mins read
TukuTouch Logo
મહુવા તાલુકાના મોટા ખુંટવડા પંથકમાં રસ્તાઓની દયનીય સ્થિતિથી ગ્રામજનો પરેશાન છે. કિકરીયા-દુધાળા, શાંતિનગર, ઉગલવાણ અને મોટા આસરાણા ચોકડીના રસ્તાઓ બિસ્માર બન્યા છે. નાળા-પૂલ તૂટ્યા છે, જેથી અકસ્માતનો ભય છે. તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ છે. ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સમારકામ કરે તેવી સ્થાનિકોની માંગ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોટા ખુંટવડાને સાંકળતા તમામ રસ્તાઓની દયનીય હાલત

અકસ્માતને નિમંત્રણ આપતા નાળા અને પૂલ

કિકરીયા-દુધાળા, શાંતિનગર,ઉગલવાણ અને મોટા આસરાણા ચોકડીના બિસ્માર રસ્તાઓ તત્કાલ મરામત ઝંખે છે

મોટા ખુંટવડા -  મહુવા તાલુકા કક્ષાના મોટા ખુંટવડા પંથકને આસપાસના ગ્રામ્ય વિસ્તારોને સાંકળતા મોટા ભાગના રસ્તાઓની દયનીય સ્થિતીથી ગ્રામજનો ખાસ કરીને વાહનચાલકોને પારાવાર યાતના વેઠવી પડે છે. આ બાબતે  તંત્ર મૂક બધિર વલણ અપનાવી રહ્યા હોય લોકોમાં સખ્ત નારાજગી જન્મી છે.

મોટા ખુંટવડાની દશા રસ્તાઓ બાબતમાં અત્યંત ખરાબ છે. ચારેય દિશાઓમાંથી આ ગામમાં આવવા જવાના રસ્તાઓની હાલત લાંબા સમયથી એકદમ બિસ્માર થઈ જવા પામેલ છે. જે જોતા મુલાકાતીઓને એમ જ લાગે છે કે, આ ગામ જાણે કે, ગુુજરાતના નકશામાં જ ન હોય તેમ એકપણ રસ્તો સમ ખાવા પૂરતો સારો કહેવા જેવો નથી.અત્રેથી તાલુકા મથક મહુવા તરફ જવા માટેનો મુખ્ય માર્ગ કે જે કિકરીયા-દુધાળાથી છે તે માર્ગ પર ઘણા સમયથી ડામરનું નામો નિશાન નથી. તેમજ મોટા ખુંટવડાથી શાંતિનગર તથા ઉગલવાણ તરફ જવાનો રસ્તો હાલમાં બંધ છે.આ ઉપરાંત અહિંથી આસરાણા ચોકડીનો રસ્તો તેમજ ગોરસ ગામનો રસ્તો પણ અતિ ખરાબ હાલતમાં છે. ઉપરોકત બધા રસ્તાઓ પર તંત્રવાહકો દ્વારા ઘણા સમયથી જંગલ કટીંગ પણ કરવામાં અકારણ વિલંબ દાખવવામાં આવી રહ્યો છે. એટલુ જ નહિ દરેક રસ્તાઓ પરના નાળાઓ તેમજ પુલ તૂટી ગયા છે. જેના કારણે ચોમાસાની ઋતુ દરમિયાન અતિ વરસાદ વરસશે ત્યારે વાહન અકસ્માત કે જાનહાનિ થાય તો તેમાં જવાબદારી કોની રહેશે તે ચર્ચાસ્પદ બન્યુ છે. આ દરેક રસ્તાઓની જાત તપાસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા થાય અને વહેલી તકે સમારકામ, એપ્રોચ, રિ-સર્ફેસીંગકામ કરવામાં આવે તેવી સ્થાનિક રહિશોમાં પ્રબળ માંગ ઉઠવા પામેલ છે.