Bhavnagar

ભાવનગરમાં વાજતે-ગાજતે ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા નિકળી

By GS Team
17 Jul 20263 mins read
TukuTouch Logo
ભાવનગરમાં અષાઢી બીજે 41મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી. સુભાષનગરના ભગવાનેશ્વર મહાદેવ મંદિરેથી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી નગરચર્યાએ નીકળ્યા. પહિંદ વિધિ બાદ 18 કિલોમીટરના રૂટ પર લાખો ભક્તો 'જય જગન્નાથ'ના નાદ સાથે જોડાયા. ભોઈ સમાજે રથ ખેંચવાની વર્ષો જૂની પરંપરા નિભાવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગરમાં વાજતે-ગાજતે ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા નિકળી

જય જગન્નાથનો નાદ ગુંજી ઉઠયો, બહોળી સંખ્યામાં ભકતજનો રથયાત્રામાં જોડાયા

ભગવાન જગન્નાથજીની યાત્રામાં પહિંદ વિધિ કરી રથને પ્રસ્થાન કરાવાયો  ઃ ભગવાન જગન્નાથ, ભ્રાતા બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે શહેરની ૧૮ કિ.મી.ની પરંપરાગત નગરયાત્રાએ નિકળ્યાં

ભાવનગર -  દર વર્ષની પરંપરા મુજબ દેશમાં ત્રીજા અને ગુજરાતમાં બીજા નંબરની મોટી ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા વાજતે-ગાજતે આજે ગુરૃવારે અષાઢી બીજના પાવન દિવસે ભાવનગર શહેરમાં યોજાઈ હતી. રથયાત્રાને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને જય જગન્નાથના ગગનભેદી નાદ સાથે લોકો ઉત્સાહભેર રથયાત્રામાં જોડાયા હતાં. ભગવાનના દર્શન કરવા અને રથયાત્રા નિહાળવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. લાખો લોકોએ રથયાત્રાના દર્શન કર્યા હતા અને સાંજે રથયાત્રા મંદિરે પહોંચી હતી.

ભાવનગર શહેરમાં આજે ગુરૃવારે અષાઢી બીજના દિવસે સ્વ. ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા આયોજીત ૪૧મી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું. શહેરના સુભાષનગર સ્થિત ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી વહેલી સવારે બ્રહ્મમુહૂર્તમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજીની મંગળા આરતી કર્યા બાદ સાધુ-સંતો, મહંતોની વિશેષઉપસ્થિતિમાં પરંપરાગત રીતે સોનાના સાવરણાથી છેડાપોરા અને પહિંદ વિધિ કરાઈ હતી. બાદ માજી સૈનિક સંગઠન દ્વારા બેન્ડ અને બ્યુગલ દ્વારા સલામી આપીને ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ ઐતિહાસિક રથયાત્રાનું ધર્મમય માહોલમાં પ્રસ્થાન થયું હતું. રથયાત્રાના પ્રારંભથી પુર્ણાહૂતિ સુધી 'નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, ડાકોરમાં કોણ છે, રાજા રણછોડ છે..'ના ગગનભેદી નાદ ગુંજતા રહ્યા હતા. ભાવિકભક્તોમાં રથયાત્રા નિહાળવાનો અનોખો ઉમંગ જોવા મળ્યો હતો. ૧૪ બ્રહ્માંડના નાથના પાવન દર્શન કરવા સવારથી જ હજારોની સંખ્યામાં ભાવિકો સુભાષનગર ખાતે ઉમટી પડયા હતાં. રથયાત્રા ઘોઘાગેટ ખાતે પહોંચી ત્યારે હડકેઠાઠ ભીડ વચ્ચે રથયાત્રાને સુરક્ષિત રીતે પસાર કરાવવા પોલીસ, આર્મીના જવાનો એક્શન મોડમાં આવી ગયા હતા. ભારે ઉત્તેજના વચ્ચે આખરે સંવેદનશીલ વિસ્તાર ખારગેટ, મામાકોઠા રોડ, બાર્ટન લાઈબ્રેરી થઈ હલુરિયા ચોક ખાતે ભગવાનનો રથ પહોંચ્યા બાદ પોલીસ અને વહીવટી તંત્રએ રાહતનો દમ લીધો હતો. હલુરિયાથી આગળ ધપી રથયાત્રા ક્રેસંટ સર્કલ, ડોનચોક, મહિલા કોલેજ થઈ સુભાષનગર નીજ મંદિર ખાતે પહોંચી હતી. જયાં સંતો-મહંતો અને આગેવાનોએ ધર્મસભાને સંબોધન કર્યું હતું. તેની સાથે નારાયણની ૪૧મી નગરચર્યાનું કોઈપણ અનિચ્છનિય બનાવ બન્યા વિના કોમી એખલાસ અને ભાઈચારા સાથે સમાપન થયુ હતું. રથયાત્રાને લઈ ભાવનગર શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

જગન્નાથજી રથયાત્રાનુ ઠેર ઠેર સ્વાગત કરાયુ

જગન્નાથજી રથયાત્રા જેમ જેમ આગળ ધપતી ગઈ તેમ તેમ રથયાત્રા રૃટ પર વિવિધ મંડળો, આગેવાનો દ્વારા જગતના નાથનું અદકેરૃ સ્વાગત કરાયું હતું. ૧૮ કિ.મી.ના નિયત રૃટ પર ભક્તજનો દ્વારા ચા-પાણી, ગુંદી, શિરો, ચણા, બિસ્કીટ, સરબત, છાશ, દૂધ કોલ્ડ્રીક્સ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભક્તોના દ્વારે દર્શન દેવા નીકળેલા ભગવાનના દર્શન કરવા ભાવિકો કલાકો સુધી આતૂરતાથી રાહ જોઈ બેઠા હતાં. રથયાત્રામાં આશરે  ટ્રક, ર જીપ, ૨૦ ટ્રેકટર, ૧૫ છકરડાઓ, ૧ હાથી, ઘોડા સાથે લોકો જોડાયા હતાં. દુર્ગાવાહીની, બજરંગદળના અખાડાઓ તેમજ ગણેશ ક્રિડામંડળ દ્વારા જીમ્નાસ્ટીક, સ્કેટીંગના દાવો તથા બોડી બિલ્ડીંગ એસોસીએશન દ્વારા નિદર્શન કરવામાં આવ્યુ હતું. 

રાસમંડળીઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવી

ભાતીગળ પહેરવેશમાં સુસજજ રાસમંડળીઓ દ્વારા માર્ગમાં રાસ ગરબાની રમઝટ બોલાવાઈ હતી, સત્સંગ મંડળો, ડંકા, ઢોલ, ત્રાસા, નગારા અને ડી.જે. સાઉન્ડ સિસ્ટમના સંગાથે ભકિતગીતોની રમઝટ બોલાવી હતી. સામાજિક, ધાર્મિક સંસ્થાઓના ફલોટસ આકર્ષણરૃપ બની રહ્યા હતાં. શ્રેષ્ઠ ફલોટ તેમજ વેશભૂષાધારીઓને નિર્ણાયક કમિટિઓ દ્વારા ઈનામોથી નવાજવામાં આવ્યા હતાં. આ ઉપરાંત દેવદેવીઓના વેશભુષાધારીઓ, મીની ટ્રેઈન, નટખટ વાનર વગેરેએ આકર્ષણ જમાવ્યુ હતું. રથયાત્રાની આગળ આગળ ઈન્સ્ટન્ટ રંગોળીઓ બનાવવામાં આવી હતી. આજના આ અવસરને અનુલક્ષીને રથયાત્રાના માર્ગો પર રપ હજારથી વધુ નાની-મોટી ધજા, પતાકા, સુશોભિત કમાનો, દેવ-દેવીઓના કટઆઉટસ મુકાતા તે ભાવિકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં.

ભોઈ સમાજે નિભાવી પેઢીઓની પરંપરા

ભોઈ સમાજ દ્વારા ભગવાન જગન્નાથજીના રથને ખેંચીને ભગવાનને નગરચર્યા કરાવવાની પરંપરા દર વર્ષે નિભાવવામાં આવે છે. આ વખતે પણ ભોઈ સમાજના આશરે ૨૦૦ સભ્યો દ્વારા ભગવાનને નગરચર્યાં કરાવવામાં આવી હતી. ૮ વર્ષના બાળકથી લઈને ૬૦ વર્ષ સુધીની વયજુથના ભોઈ સમાજના સભ્યોએ ભગવાનને નગરયાત્રા કરાવવામાં આવી હતી.