ડિવિઝનમાં તપાસ પૂર્ણ થયાં બાદ શહેરની ફરસાણની પેઢીમાં સ્ટેટ જીએસટીના દરોડા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ડ્રાઈફ્રુટના વેપારીને રૃા.૨૦ લાખની ટેક્સ અને પેનલ્ટી ફટકારવામાં આવી
ભાવનગર, અમરેલી અને બોટાદની ૯ પેઢીના ૧૦ સ્થળોએ તપાસ પૂર્ણ, રૃા.૫૦ લાખથી વધારેની જવાબદારી ઉભી કરવામાં આવી
ભાવનગર - ભાવનગર સ્ટેટ જીએસટીની ટીમે ડિવિઝનમાં મોટાપાયે ૯ પેઢીના ૧૦ સ્થળોએ દરોડા પાડયા હતા. જેમાં છેલ્લે ડ્રાયફ્રુટના વેપારી અરૃણકુમાર ભુપતરાય ઠક્કરને રૃા.૨૦ લાખની ટેક્સ, પેનલ્ટી ફટકારવામાં આવી હતી. જે દરોડાની કાર્યવાહી પૂર્ણ થયાં બાદ વધુ એક દરોડાની કાર્યવાહીનો પ્રારંભ થયો છે. શહેરની ફરસાણની પેઢીના બે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.
સ્ટેટ જીએસટી વિભાગની જુદી-જુદી ટીમો દ્વારા ગત સોમવારે ભાવનગર શહેરની પાંચ પેઢીના ૬ સ્થળોએ, અમરેલીની ત્રણ પેઢી અને બોટાદની એક પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં છેલ્લે શહેરના ડ્રાયફ્રુટના વેપારી અરૃણકુમાર ભુપતરાય ઠક્કરને રૃા.૨૦ લાખની ટેક્સ અને પેનલ્ટી ફટકારવામાં આવી હતી. ડિવિઝનમાં પાડવામાં આવેલા દરોડાની કાર્યવાહી આજે પૂર્ણ થઈ છે. જેમાં રૃા.૫૦ લાખથી વધારેની જવાબદારી ઉભી કરવામાં આવી હતી. પાંચ દિવસ સુધી ચાલેલી આ તપાસમાં આ પેઢીઓ દ્વારા દોઢ કરોડ કરતા વધારે ટર્નઓવર હોવા છતાં ઓછું ટર્નઓવર બતાવી કંપોઝિટની શરતોનું ભંગ કરી ઓછો કર ભરતા હોવાનું સ્ટેટ જીએસટીની તપાસમાં ખુલ્યું હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી હોવાની સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. લાંબા સમયથી સુષુપ્ત અવસ્થામાં રહેલા સ્ટેટ જીએસટી વિભાગે ડિવિઝનમાં મોટાપાયે કરેલા દરોડાની કાર્યવાહી વેપારી આલમમાં ચર્ચાનો વિષય બન્યો હતો. વધુમાં મળતી વિગતો અનુુસાર ડિવિઝનના આ દરોડા પૂર્ણ થયાં છે ત્યાં વધુ એક દરોડાની કાર્યવાહી શરૃ થઈ છે. શહેરની એક ફરસાણની વેપારી પેઢીના બે સ્થળોએ સ્ટેટ જીએસટી વિભાગે આજે તપાસ પ્રારંભી છે.









