Bhavnagar

સુરત મનપામાં નોકરીની લાલચ આપી જમાઈ સાથે રૃા.૨.૨૦ લાખની ઠગાઈ

By GS Team
18 Sep 20262 mins read
TukuTouch Logo
સિહોરના ભુતીયા ગામના વેપારી વિનોદભાઈ ગોહીલ સાથે તેમના સસરા કાળુભાઈ ચૌહાણ અને સાળા હિંમતભાઈ ચૌહાણે છેતરપિંડી આચરી છે. નોકરી અપાવવાના બહાને 2.20 લાખ રૂપિયાના ચેક મેળવી, તેમાંથી સસરાએ ગાડી ખરીદી. નોકરી ન મળતા પૈસા પાછા માંગતા જાનથી મારી નાખવાની ધમકી આપી. સોનગઢ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત મનપામાં નોકરીની લાલચ આપી જમાઈ સાથે રૃા.૨.૨૦ લાખની ઠગાઈ

ઉમરાળાના સસરા અને સાળા સામે એફઆઈઆર

ગાડી લેવાના બહાને સગા જમાઈ પાસેથી બે ચેક મેળવી કાર લીધી,નાણાં પરત માગતા જાનથી મારી નાખવાની ધમકી આપી

સિહોર  -  ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ભુતીયા ગામે રહેતા વેપારી સાથે તેમના જ સગા સસરા અને સાળાએ વિશ્વાસઘાત કરી નોકરી અપાવવાની લાલચ આપી રૃ. ૨,૨૦,૦૦૦ની છેતરપિંડી આચરી હોવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ભુતીયા ગામે રહેતા અને પાટી બનાવવાનો વેપાર કરતા વિનોદભાઈ હરીભાઈ ગોહીલના ઘરે ડિસેમ્બર ૨૦૨૨માં તેમના સગા સાળા હીંમત કાળુભાઇ ચૌહાણ (રહે. પીપરાળી, તા. ઉમરાળા) આવ્યા હતા. તેમણે વિનોદભાઈના બંને દીકરાઓ મનીષ અને સુનીલને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાયમી સફાઈ કામદાર તરીકે નોકરીએ લગાડી દેવાની ખાતરી આપી હતી. આ માટે ઉપલા અધિકારીઓ સાથે સેટિંગ હોવાનું કહી એક દીકરાના રૃ. ૧.૧૦ લાખ લેખે કુલ રૃ. ૨.૨૦ લાખની માગણી કરી હતી.ત્યારબાદ વિનોદભાઈના સસરા કાળુભાઈ હરી ચૌહાણે પણ આ કાવતરામાં સામેલ થઈ પૈસા રોકડા આપવાને બદલે રંગોલી ચોકડી પાસે આવેલા મહાન્દ્રા શો-રૃમ (સિદ્ધિ વિનાયક મોટર્સ) ના નામે રૃ. ૧.૧૦ લાખના બે ચેક આપવાનું કહ્યું હતું. સસરાએ પોતાના માટે ગાડી ખરીદવા જમાઈના ચેકનો ઉપયોગ કર્યો હતો. ચેક વટાવી ગાડી મેળવી લીધા બાદ પણ એક વર્ષ વિતવા છતાં દીકરાઓને નોકરી મળી નહોતી.નોકરી ન મળતા વિનોદભાઈ અને તેમના પત્નીએ નાણાં પરત માગ્યા ત્યારે સસરા કાળુએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી ભગાડી મુક્યા હતા. તપાસ કરતા માલૂમ પડયું હતું કે સાળા હીંમત સામે સુરતના ડીંડોલી પોલીસ સ્ટેશનમાં પણ આવા જ પ્રકારની છેતરપિંડીની એફઆઈઆર નોંધાયેલી છે.આખરે ભોગ બનનાર વિનોદભાઈ ગોહીલે સોનગઢ પોલીસ સ્ટેશનમાં સસરા કાળુ ચૌહાણ અને સાળા હીંમતભાઈ ચૌહાણ સામે બી.એન.એસ.ની કલમ ૩૧૮(૪), ૬૧(૨) અને ૩૫૧(૩) હેઠળ ગુનાહિત કાવતરું રચવા તથા છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ કાઠિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.