Bhavnagar

શૌર્ય સર્વોત્તમ - એર શો પહેલા એરફોર્સની આભમાં રોમાંચક ઝલક, હાર્ટ શેપ બનાવ્યું

By GS Team
31 Oct 20263 mins read
TukuTouch Logo
ભાવનગરમાં ભારતીય વાયુસેના દ્વારા 1 નવેમ્બરે બોરતળાવ ખાતે સૂર્યકિરણ એર શોનું આયોજન કરાયું છે. શુક્રવારે 4 જેટ વિમાનો સાથે સૂર્યકિરણ એરોબેટિક ટીમે હવાઈ કરતબો અને શિસ્તબદ્ધ ઉડાનનું રિહર્સલ કર્યું હતું. આ દિલધડક ક્ષણોના સાક્ષી બનવા ભાવેણાંવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. યુવાનોએ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

શૌર્ય સર્વોત્તમ - એર શો પહેલા એરફોર્સની આભમાં રોમાંચક ઝલક, હાર્ટ શેપ બનાવ્યું

એર શોના ઐતિહાસિક પળના સાક્ષી બનવા ભાવેણાંવાસીઓમાં ઉત્સુકતા

સૂર્યકિરણ એરોબેટિક ટીમે નિરીક્ષણ સાથે હવાઈ કરતબોનું રિહર્સલ કર્યું ઃ વાયુ સેનાના શૌર્ય, સાહસ અને શિસ્તબદ્ધ ઉડાનના વીડિયો બનાવી યુવાનોએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા

ભાવનગર -  ભાવનગરમાં પ્રથમ વખત જ યોજાનારા દિલધડક સૂર્યકિરણ એર શોનું કાઉન્ટડાઉન શરૃ થઈ ગયું છે. એર શો પૂર્વે જ ભાવેણાંવાસીઓએ આભમાં એરફોર્સની રોમાંચક ઝલક નિહાળી ગૌરવપૂર્ણ ક્ષણોને કેમેરામાં કંડારી લીધી હતી. આવતીકાલે શનિવારે સવારે ૧૦ કલાકે સૂર્યકિરણ એરોબેટિક ટીમ બોરતળાવ ખાતે એર શો અંગેનું અંતિમ રિહર્સલ કરશે.

૧લી નવેમ્બરને રવિવારે ભાવનગરના ગૌરીશંકર તળાવ (બોરતળાવ) ખાતે ભારતીય વાયુ સેનાની એરોબેટિક ટીમના ૯ હોક એમકે-૧૩૨ જેટ ટ્રેનર વિમાનોનો સૂર્યકિરણ એર શો યોજાવા જઈ રહ્યો છે. ભારતીય વાયુ સેના, એરફોર્સ સ્ટેશન, વડોદરા તરફથી આયોજીત આ એર શો પૂર્વે આજે શુક્રવારે સૂર્યકિરણ એરોબેટિક ટીમો ચાર જેટ વિમાનો સાથે ભાવનગર પહોંચી હતી. ભાવનગરના આભમાં વાયુ સેનાના શૌર્ય, સાહસ અને કૌશલ્યના પરાક્રમની ગર્જના કરતા આ જેટ વિમાનોએ હવાઈ નિરીક્ષણની સાથે અદ્ભૂત હવાઈ કરતબો, શિસ્તબદ્ધ ઉડાનનું રિહર્સલ કર્યું હતું. શહેરના વિવિધ વિસ્તારના ગગનમાં રોકેટગતિએ પસાર થયેલી સૂર્યકિરણ એરોબેટિક ટીમે શિસ્ત, સાહસ અને ટેકનોલોજીકલ ક્ષમતાનો પરચો દેખાડી આકાશમાં હાર્ટ શેપ બનાવી 'સદૈવ સર્વોત્તમ'ની ઝલક દેખાડી ભાવનગરના ભાવસભર આવકારને ઝીલ્યું હતું. સૂર્યકિરણ એરોબેટિકની ટીમોએ આકાશની સાથે બોરતળાવ ખાતે જમીનથી થોડે ઉપર જેટ વિમાનો ઉડાવી નાગરિકોને અનોખા રોમાંચનો અનુભવ કરાવ્યો હતો. યુવાનોએ પણ અવિસ્મરણિય ક્ષણોના વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. રવિવારે યોજાનારા એર શોના ઐતિહાસિક પળના સાક્ષી બનવા ભાવેણાંવાસીઓની ઉત્સુકતા ચરમસીમાએ પહોંચતી જોવા મળી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, મહાપાલિકા અને અન્ય સરકારી વિભાગો એર શોની તૈયારીઓને આખરી ઓપ આપવામાં વ્યસ્ત બન્યું છે.

બોરતળાવના ૧૮ કિ.મી. વિસ્તારમાં ડ્રોન-પતંગ નહીં ઉડાડી શકાય

સૂર્યકિરણ એર શો દરમિયાન જનમેદની અને વાયુસેનાના એરક્રાફ્ટની સુરક્ષા-સલામતી જળવાઈ રહે તે માટે બોરતળાવના ૧૮ કિ.મી. વિસ્તારમાં તા.૧-૧૧ને રવિવારે સવારે ૮થી બપોરે ૧ વાગ્યા સુધી કોઈપણ પ્રકારના યુએવી/ડ્રોન ઉડાવવા, તેનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકાયો છે. આ ઉપરાંત લેસર લાઈટ, પતંગ, બલૂન, અન્ય હવાઈ અવરોધોનો ઉપયોગ નહીં કરી શકાય. આકાશમાં જઈને ફૂટતા ફાયરવર્ક શેલ, એરિયલ શેલ કે સ્કાય શોટ પ્રકારના તમામ આકાશી ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મુકતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી.ગોવાણીએ બહાર પાડયું છે.

વાહનો માટે રસ્તા બંધ, ડાયવર્ઝન અપાયું

રવિવારે યોજાનારા એર શોને લઈ સવારે ૮થી બપોરે ૧ વાગ્યા સુધી રાજપથ ચોકડી/સિદસરથી સરદાર પટેલ સ્કૂલ, સાગવાડી નાકાથી વિક્ટોરિયા દિવાલ પાસે થઈ ઈસ્કોન રિસોર્ટ અને જવેલ્સ સર્કલ તરફ જતાં માર્ગો પર વાહનવ્યવહાર બંધ રહેશે. આ માર્ગોના વિકલ્પ તરીકે રાજપથ ચોકડીથી સરદાર પટેલ સ્કૂલ, ભગવતી સર્કલ, વિરાણી સર્કલ, કાળિયાબીડ પાણીની ટાંકી, જવેલ્સ સર્કલ તેમજ સાગવાડીથી વિક્ટોરિયા દિવાલ પાસે જઈ જવેલ્સ સર્કલ તરફ જતાં વાહનોએ સાગવાડી નાકાથી કાળિયાબીડ પાણીની ટાંકી થઈ જવેલ્સ સર્કલનો વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. આરટીઓ સર્કલ, મીણબત્તી સર્કલથી ઈસ્કોન ક્લબ તરફના માર્ગે થઈ સરદાર પટેલ સ્કૂલ, કાળિયાબીડમાં બોરતળાવના પાછળના ભાગે જતા તમામ વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેકશે. આ માર્ગના વિકલ્પ તરીકે જવેલ્સ સર્કલથી કાળિયાબીડ પાણીની ટાંકી, વિરાણી સર્કલ, ભગવતી સર્કલ, સરદાર પટેલ સ્કૂલ થઈ રાજપથ ચોકડી અથવા જવેલ્સ સર્કલથી કાળિયાબીડ પાણીની ટાંકી, વિરાણી સર્કલ, લીલાસર્કલ, રાજપથ ચોકડી, સિદસર થઈને તમામ રસ્તાઓ પર વાહનચાલકો અવરજવર કરી શકશે.