Bhavnagar

મહુવામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર હુમલો કરનાર બે મહિલા સહિત સાત બુટલેગર ગિરફ્તાર

By GS Team
21 Oct 20262 mins read
TukuTouch Logo
ભાવનગરના મહુવામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર દારૂના અડ્ડા પર દરોડા દરમિયાન બુટલેગરોએ હિંસક હુમલો કર્યો. આરોપીઓએ પોલીસકર્મીનું ગળું દબાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો અને દારૂ સાથે પકડાયેલા શખ્સોને ભગાડી મુક્યા. પોલીસે 2 મહિલા સહિત 7 આરોપીઓને દબોચી લીધા છે. મહુવા પોલીસે IPC કલમ 109(1), 132, 111 અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહુવામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર હુમલો કરનાર બે મહિલા સહિત સાત બુટલેગર ગિરફ્તાર

પોલીસકર્મીનું ગળું દબાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ

બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડા દરમિયાન પોલીસ પર હુમલો થયો, દારૃના જથ્થા સાથે પકડાયેલા શખ્સોને ભગાડી મુક્યો

મહુવા -  ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર દારૃના અડ્ડા પર દરોડા દરમિયાન બુટલેગરો અને તેમના સાગરીતો દ્વારા કરવામાં આવેલા હિંસક અને પ્રાણઘાતક હુમલાથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે ભારે ચકચાર મચી ગઈ છે. કાયદાનું પાલન કરાવવા ગયેલી પોલીસ ટીમ પર થયેલા આ ધાતકી હુમલામાં એક પોલીસ કર્મચારીનું ગળું દબાવી જાનથી મારી નાખવાનો અને મહિલા આરોપી દ્વારા પોતાના કપડાં ફાડી પોલીસ પર ખોટા આરોપો લગાવી બદનામ કરવાનો કાવતરાપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો છે.પોલીસ પર હુમલો કરનાર બે મહિલા સહિત સાત બુટલેગરોને પોલીસે ઉઠાવી લીધા છે.

મળતી માહિતી મુજબ, ગાંધીનગર એસએમસીના એ.એસ.આઈ. નરેશભાઈ મોતાવલ અને તેમની ટીમ મહુવાના જનતા પ્લોટ વિસ્તારમાં દારૃના દરોડા અર્થે પહોંચ્યા હતા. ગુપ્ત બાતમી આધારે એક મકાનમાંથી દેશી દારૃની પોટલીઓ સાથે એક શંકાસ્પદ ઈસમને પકડવામાં આવ્યો હતો. તપાસની પ્રક્રિયા ચાલુ જ હતી તેવામાં નામચીન બુટલેગર લાલજી બોઘા બારૈયા તથા જ્યોતિબેન ડોળાસીયા સહિતના તત્વોએ પોલીસ સાથે ગાળાગાળી કરી હિંસક ઘર્ષણ શરૃ કર્યું હતું.આ દરમ્યાન જ્યોતિબેને દારૃની પોટલીઓ તોડીને પુરાવાનો નાશ કર્યો હતો અને પોતાના કપડાં જાતે ફાડી નાખી પોલીસને ખોટા કેસમાં ફસાવવાની તથા નોકરીમાંથી કઢાવી મુકવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, આરોપીઓએ પોલીસ કર્મચારીને ઘરમાં ઢસડી જઈ, લાકડીઓ વડે હુમલો કરવાનો પ્રયાસ કરી, એ.એસ.આઈ.નું ગળું સખત રીતે દબાવી દેતાં તેમનો શ્વાસ રુંધાવા લાગ્યો હતો. અન્ય પોલીસ હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈને પણ ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી.આ ઘર્ષણનો લાભ ઉઠાવી આરોપીઓએ દારૃ સાથે પકડાયેલા શંકાસ્પદ ઈસમને ભગાડી મુક્યો હતો. બાદમાં સ્થાનિક મહુવા ટાઉન પોલીસ મથકની ટીમ સ્થળ પર દોડી આવતા એસએમસીની ટીમનો બચાવ થયો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે મુખ્ય આરોપી લાલજી બારૈયા સામે પ્રોહિબિશન અને હુમલાના ૧૧થી વધુ ગુનાઓ અને જ્યોતિબેન સામે પણ ગુનાહિત ઇતિહાસ નોંધાયેલો છે.મહુવા ટાઉન પોલીસ મથકમાં એક મહિલા સહિત છ લોકો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૯(૧), ૧૩૨, ૧૧૧ તેમજ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધ્યો છે.આ બનાવ સંદર્ભે મહુવા પોલીસે લાલજી બોઘાભાઈ બારૈયા, જ્યોતિબેન વિજયભાઈ ડોળાસીયા, જીગ્નેશ બુધાભાઈ બારૈયા,વિજય મંગળભાઈ ડોળાસીયા, રાજુબેન અશોકભાઈ ડોળાસીયા, કિશોર મનસુખભાઈ ડોળાસીયા,ભાવેન પંકજભાઈ સેવકને દબોચી લીધા છે.તદુપરાંત મુખ્ય બુટલેગરોને સાથે રાખી પોલીસે ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું.